સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના સભ્ય અને કોંગ્રેસના સુરત શહેરના નેતા સુરેશ સુહાગીયાએ સમિતિની શાળાઓના સ્તરને સુધારવા માટે એક સરાહનીય કદમ ઉઠાવ્યું છે.
પોતાના બંને બાળકને પ્રાઇવેટ શાળામાંથી ઉઠાવી સમિતિની સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.
સમિતિના સભ્ય અને કોંગ્રેસના નેતા સુરેશ સુહાગીયા પોતાના બંને બાળકને પ્રાઇવેટ શાળા છોડાવી દીધી છે અને હવે બંને બાળકોને સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે. સાથે સાંસદ, ધારાસભ્ય અને મનપાના સત્તા પક્ષના કોર્પોરેટરોને પત્ર લખી કહ્યું છે કે, સરકારી શાળાના ભણતરમાં સુધાર થાય. આ માત્ર બોલવાથી નહીં પરંતુ તેના માટે કામ કરવાની જરૃરિયાત છે.
અમારા જેવા લોકોના બાળકો જો સરકારી શાળામાં ભણશે તો લોકોને પણ સરકારી શાળાઓ પર ભરોસો વધશે અને લાગશે કે સરકારી શાળાનું શિક્ષણ સ્તર સારું છે.
સુહાગીયાએ પોતાના પુત્ર પ્રીત અને પુત્રી જેસીલાનું એડમિશન પૂણા ગામ વિસ્તારમાં આવેલા સરકારી શાળા બાપા સીતારામમાં કરાવ્યું છે. અગાઉ તેમના બંને બાળકો શહેરની સારી શાળામાં ભણતા હતા.
શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, આ કોઇ પ્રથમ ઘટના નથી. અમે વર્ષોથી લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવે. કેટલાક અધિકારીઓ પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવે પણ છે. જો કે, હસમુખ પટેલે અધિકારીઓનું નામ બતાવ્યું નહોતું.