અમદાવાદઃ ગુજરાતમાં ઠાકોર સેના નામે નેતાગીરી કરીને કોંગ્રેસના ધારાસભ્ય પદ સુધી પહોંચેલા અલ્પેશ ઠાકોર માત્ર એક વર્ષના જ ગાળામાં કોંગ્રેસ છોડીને ભાજપ તરફ સરકી રહ્યા હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જેમાં અલ્પેશ ઠાકોરે ભાજપમાં આવવા માટે મંત્રીપદની માંગણી કરી હોવાથી ભાજપ દ્વારા આગામી દિવસોમાં વર્તમાન મંત્રી દિલીપ ઠાકોરને મંત્રી પદેથી પડતા મુકીને તેમના સ્થાને અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.
માત્ર એટલું જ નહીં, અલ્પેશ ઠાકોર તાજેતરમાં ભાજપના હાઈકમાન્ડ સાથે દિલ્હીમાં બેઠક કરીને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગેનો નિર્ણય આગામી અઠવાડીયામાં થાય એવી સંભાવના છે.
કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે અલ્પેશને નથી મનમેળ
બે વર્ષ પહેલા ઠાકોર સમાજની માંગણીઓ લઈને નીકળેલા અલ્પેશ ઠાકોરે વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો, અને કોંગ્રેસમાં જોડાઈને રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના કેટલાક સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓ સાથે તેમનો મનમેળ ન થતા ભાજપ તરફ જોક શરૂ કર્યો હતો, અને ભાજપના પ્રદેશ નેતાઓથી લઈને દિલ્હી નેતાઓ સુધી સંપર્ક શરૂ કર્યો હતો. પરંતુ ભાજપમાં આવવા માટે અલ્પેશ ઠાકોરે મંત્રીપદની માંગણી કરતા ભાજપ અવઢવમાં મુકાઈ ગયો હતો.
પુત્ર વધુના આરોપથી ઠાકોર સમાજમાં દિલીપ ઠાકોરના પરિવાર સામે રોષ
ચારેક દિવસ પહેલા રાજ્યના મંત્રી અને ઠાકોર નેતા દિલીપ ઠાકોર સામે તેમના પુત્રવધુએ પોલીસ ફરિયાદ કરતા સમાજમાં દિલીપ ઠાકોરના પરિવાર સામે રોષ જાગ્યો છે. જેમાં ઠાકોર સેના અને ઠાકોર સમાજના કેટલાક આગેવાનો દ્વારા દિલીપ ઠાકોર સામે રણશિંગુ ફુંકવામાં આવ્યું છે, તે જોતા આગામી દિવસોમાં દિલીપ ઠાકોરને મંત્રીપદેથી પડતા મુકીને તેમના સ્થાને અલ્પેશ ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવે એવી શક્યતાઓ છે.
ભાજપમાં જોડાવા અંગે અલ્પેશનો નનૈયો
તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવાની અટકળોને ફગાવી કહ્યું કે,મારી ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા છે, મારા જેવા મજબૂત નેતાને જાણી જોઇને ટાર્ગેટ કરવામાં આવે છે.
પુત્ર વધુએ લગાવ્યા દિલીપ ઠાકોર પર ગંભીર આરોપો
તાજેતરમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરની પુત્રવધુએ પતિ અને સાસુ-સસરા પર ગંભીર આરોપો લગાવતા ચકચાર મચી હતી. દિલીપ ઠાકોરની પુત્રવધુ જુમાબેને પત્રકાર પરિષદ યોજી સાસરિયા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ લગાવ્યા હતો.
તો બીજી બાજુ દિલીપ ઠાકોરે કહ્યું કે, અમારી પુત્રવધૂ અમને બ્લેકમેઇલ કરે છે. દીકરી જન્મતા અમે તેને કાઢી મુકી નથી. હું આજે અને અત્યારે જ દીકરીને લઇ જવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે રૂપાણી સરકારમાં દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.