મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો શનિવારે જાહેર કરી દીધો છે. તેનું નામ ‘વચન પત્ર’આપવામાં આવ્યું છે. શનિવારે ભોપાલમાં પ્રદેશ કોંગ્રેસ મુખ્યાલયમાં તેને જાહેર કરવામાં આવ્યો હતો. આ ચૂંટણી ઢંઢેરામાં ખાસ વાત એ છે કે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ની શાખાઓ ઉપર પ્રતિબંધ લગાવવાનો વાયદો કર્યો છે. આ કારણે મધ્ય પ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
કોંગ્રેસના ઘોષણાપત્રમાં લખ્યું છે કે શાસકીય પરિસરોમાં આરએસએસની શાખાઓ લગાવવા પર પ્રતિબંધ લગાવીશું. શાસકીય અધિકારી અને કર્મચારીઓને શાખાઓમાં છુટ સંબંધી આદેશ રદ કરીશું. આ વાયદાના કારણે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયો છે.
આ મામલે બીજેપીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. બીજેપી પ્રવક્તા રજનીશ અગ્રવાલે કહ્યું હતું કે કોંગ્રેસ RSSના નામે ફક્ત અલ્પસંખ્યકો અને અન્ય લોકો વચ્ચે સંઘનો ખરાબ પ્રચાર કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર નિશાન સાધતા કહ્યું હતું કે રાહુલ જ્યાં જાય છે ત્યાં દેશ વિરોધી નારા લાગે છે.
આ સિવાય કોંગ્રેસે મધ્ય પ્રદેશ માટે જાહેર કરેલ મેનિફેસ્ટોમાં ચર્ચિત વ્યાપમ કૌભાંડની પરીક્ષાઓમાં છેલ્લા 10 વર્ષમાં સામેલ થયેલા લાખો ઉમેદવારોની ફી પાછી આપવાનો વાયદો કર્યો છે. આ સાથે કોંગ્રેસે વ્યાપમને બંધ કરી દેવાનો વાયદો કર્યો છે.