કોરોના ઈફેક્ટઃ ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 31 જુલાઇ સુધી પ્રતિબંધ વધારાયો

કોરોના વાયરસને કારણે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA)એ ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ 31 જુલાઇ 2021 સુધી વધારી દીધો છે. કેટલાક પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય એર બબલ સમજૂતિ હેઠળ ચાલનારી ફ્લાઇટ ચાલુ રહેશે.

મહત્વપૂર્ણ છે કે દેશભરમાં કોરોના વાયરસ 23 માર્ચ 2020થી લૉકડાઉન લાગુ થયા બાદથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બેન છે પરંતુ મે 2020થી વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ વંદે ભારત મિશન ઉડી રહી છે. વિદેશમાં ફસાયેલા મુસાફરોને પરત લાવવા માટે વંદે ભારત મિશન ચલાવવામાં આવ્યુ અને કેટલાક દેશ સાથે એર બબલનો કરાર પણ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 45,951 નવા કેસ સામે આવ્યા છે. આ સમયમાં 817 દર્દીના મોત થયા છે. મંત્રાલય તરફથી બુધવાર સવારે જાહેર આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોવિડ-19 વિરોધી રસીના 33.28 કરોડ ડોઝ આપવામાં આવી ચુક્યા છે.

છેલ્લા 24 કલાકમાં 36,51,983 લોકોને રસી આપવામાં આવી ચુકી છે. દેશમાં આ સમયે કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 5 લાખ 37 હજાર 064 થઇ ગઇ છે જે કુલ કેસના 1.77 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 60,729 દર્દી કોરોના સંક્રમણને હરાવવામાં સફળ રહ્યા છે. આ સતત 48મો દિવસ છે જ્યારે સંક્રમણથી વધુ સ્વસ્થ થનારાઓની સંખ્યા રહી છે. કેન્દ્રીય મંત્રાલય અનુસાર, રિકવરી રેટ સુધાર સાથે 96.92 ટકા પર પહોચી ગયો છે.

જો કુલ આંકડાની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી કુલ 3 કરોડ 3 લાખ 62 હજાર 848 લોકો આ વાયરસની ઝપટમાં આવી ચુક્યા છે, જેમાંથી 2 કરોડ 94 લાખ 27 હજાર 330 દર્દી અત્યાર સુધી સ્વસ્થ થઇ ચુક્યા છે જ્યારે 3 લાખ 98 હજાર 454 લોકોના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ પાંચ લાખ 37 હજાર 64 દર્દીની સારવાર ચાલી રહી છે.

Scroll to Top