સમગ્ર દેશમાં કોરોના વાયરસની વેક્સિન મફત અપાશે: હર્ષવર્ધન

દેશભરમાં ચાલી રહેલા કોરોના વેક્સિનના ડ્રાઈ રન વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં કોરોના વેક્સિન મફતમાં આપવામાં આવશે. દિલ્હીમાં કોરોના વેક્સીનેશનના ડ્રાઈ રનની તૈયારીનું નિરીક્ષણ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું કે, માત્ર દિલ્હી જ નહીં, સમગ્ર દેશમાં કોરોના વેક્સિન ફ્રીમાં લગાવવામાં આવશે. જાેકે અહીં એક વાત મહત્વપૂર્ણ છે કે તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન નહીં આપવામાં આવે.

સરકાર પહેલા ઘણીવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે તમામ ભારતીયોને વેક્સિનની જરૂર નથી. માત્ર એટલી જ વસ્તીને વેક્સિન આપવામાં આવશે, જેનાથી કોરોના પ્રત્યે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થઈ જાય એટલે કે કોરોનાના સંક્રમણની ચેન તૂટી જાય. હવે સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે જેમને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે, તેમને એક પણ રૂપિયો ચૂકવવાનો નહીં રહે. વેક્સિન કોને અપાશે, તે સરકાર નક્કી કરી રહી છે.

પહેલા ચરણમાં ૫૧ લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે, જેમાં હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર અને ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકો અથવા અન્ય ગંભીર બીમારીથી પીડિત લોકો હશે. સ્વાસ્થ્ય મંત્રીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ પણ વેક્સિનને લઈને અફવાઓથી બચવાની ભલામણ કરી હતી. હર્ષવર્ધને કહ્યું, હું લોકોને અપીલ કરું છું કે અફવાઓ પર ધ્યાન ન આપે. વેક્સિનની સુરક્ષા અને તેની ઉપયોગિતા સુનિશ્ચિત કરવી અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શનિવારે દિલ્હીના ગુરુ તેગબહાદુર હોસ્પિટલમાં પહોંચીને કોરોના વેક્સિનના ડ્રાઈ રનનું નિરીક્ષણ કર્યું હતું. જણાવી દઈએ કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ ૧૧૬ જિલ્લામાં કોરોના વેક્સિનનું ડ્રાઈ રન ચાલી રહ્યું છે. આ માટે કુલ ૨૫૯ વેક્સીનેશન બૂથ બનાવવામાં આવ્યા છે. હકીકતમાં ડ્રાઈ રનમાં કોઈ વેક્સિનનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો પરંતુ માત્ર તેની તપાસ કરવામાં આવી રહી છે કે વેક્સીનેશન માટે બનાવવામાં આવેલી યોજના કેટલી ઉપયોગી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top