અમદાવાદ: હાર્દિક પટેલ 16 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે તે વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર કરાવીને પરત ફરતાં હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપી વિશ્વકર્મા દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. સાથે પોલીસકર્મીઓએ મીડિયાના કેમેરા છીનવવાનો પ્રયાસ કર્યો હતો.
જેસીપીની દાદાગીરી મીડિયાએ કેમેરામાં કેદ કરી
જેસીપી દ્વારા મીડિયાકર્મીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતા મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસની દાદાગીરીને તાબે થયા વગર મીડિયાકર્મીઓએ ગ્રીનવુડ રિસોર્ટમાં જવા માટે પ્રયાસ ચાલુ રાખ્યા હતા પરંતુ પોલીસ એકની બે થવા તૈયાર ન હતી. ત્યારે પોલીસે કરેલા દુર્વ્યવહારને મીડિયાના કેમેરામેન્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા.
સીપીએ આપ્યા તપાસના આદેશ
હાર્દિકનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે જેસીપીએ જેસીપી ઝોન 1ને તપાસ કરવાનો આદેશ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘે આપ્યો છે. મીડિયા સાથે થયેલા દુર્વ્યવહાર બાદ પણ ગ્રીનવુડ રિસોર્ટમાં મીડિયાકર્મીઓને જવા દેવામાં આવ્યા નથી.
પાસે મીડિયા સાથેના દુર્વ્યવહારને વખોડ્યો
મનોજ પનારાએ પાસ વતી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આઝાદી નથી, તાનાશાહી આવી ગઈ છે. લોકશાહી સંપૂર્ણપણે ખતમ કરવાની પ્રવૃતિ ગુજરાત સરકાર કરી રહી છે. મીડિયાકર્મી પર લાઠીચાર્જ થાય, ગુજરાત અને દેશની જનતા કહું છું ચોથા સ્તંભ પર આવું થાય ત્યારે હાર્દિક પર શું થતું હશે. જેલથી બદતર હાલત, ખરાબ પરિસ્થિત પોલીસના માધ્યમથી સરકારે કરી છે.
DCP પર હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ
16 દિવસથી ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને આજે બપોર બાદ SGVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ હાર્દિક ગ્રીનવૂડ રિસોર્ટ સ્થિત ઉપવાસ છાવણી પહોંચ્યો હતો. ઉપવાસ છાવણી પહોંચ્યા બાદ હાર્દિક ઉપવાસ બેસી ગયો હતો. જો કે અહીં પાસ કન્વીનર નિખિલ સવાણીએ પોલીસ પર ધક્કામુક્કી કરવાનો આરોપ મુકી જણાવ્યું હતું કે, ડીસીપી રાઠોડે હાર્દિકને જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેમજ ડીસીપી અને હાર્દિક વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ ઘટનાને પગલે મનોજ પનારા પણ ઉપવાસ છાવણીમાંથી દોડીને ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મીડિયા કર્મીઓ સાથે પોલીસની ગેરવર્તણૂંક
આ ઉપરાંત પોલીસે હાર્દિક સાથે બોલાચાલી કર્યા બાદ મીડિયા કર્મીઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હતી. હાર્દિકના આગમનને પગલે ઉપવાસ છાવણી પર પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ ચૂસ્ત કરી હતી અને જેસીપી અને ડીસીપીને પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
હાર્દિકનું મેડિકલ ચેકઅપ
આજે એસ.જી.વી.પી. હોસ્પિટલમાં દાખલ હાર્દિકનું પાંચ ડૉક્ટર દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.તેમજ ટેસ્ટ માટે તેના બ્લડ અને યુરિન સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા, જેમાં બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, અને થોડું ઇલેક્ટ્રોલાઈટ ઇમબેલેન્સ જોવા મળ્યું છે. જ્યારે B12 અને વિટામિન D પણ ઓછું છે. જેની પણ સારવાર કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે તેનું ડિહાઈડ્રેશન પણ ચેક કરવામાં આવ્યું હતું અને ડિસ્ચાર્જ બાબતે પણ તબીબો સાથે વાત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેને રજા આપવામાં આવી હતી