યોગીરાજમાં રોજ 52 મહિલાઓ સાથે દુષ્કર્મ! સપા સરકારની તુલનાએ 7 ગણાં વધારે

ઉત્તરપ્રદેશની યોગી સરકાર જ્યારથી સત્તામાં આવી ત્યારથી અપરાધીઓ વિરુદ્ધ કડક વલણ અપનાવેલું છે. અનેક અપરાધીઓના એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યા છે, બીજી તરફ અનેકને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પરંતુ આરટીઆઈ દ્વારા મળેલી માહિતી બાદ યોગી સરકારમાં ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઊભા કરી દીધા છે.

આ સરકારમાં દહેશ હત્યા, દુષ્કર્મ, છેડતી તથા મહિલા જાતીય શોષણના મામલા ઝડપથી વધ્યા છે, જે અગાઉની અખિલેશ સરકારથી ઘણા વધુ છે. રાઇટ ટુ ઇર્ન્ફોમેશન (આરટીઆઈ) હેઠળ આપવામાં આવેલા સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એસસીઆરબી)ના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે.

સામાજિક કાર્યકર્તા સંજય શર્માએ આરટીઆઈ હેઠળ સમાજવાદી પાર્ટીના શાસનકાળ અને ભાજપ શાસનકાળમાં થયેલા અપરાધોના આંકડા મેળવ્યા છે. આ આંકડા સપા શાસનકાળ 12 માર્ચ 2012થી લઈને 15 માર્ચ 2017 સુધીના છે. જ્યારે ભાજપ સરકારમાં 16 માર્ચ 2017થી લઈને 30 જૂન 2017 સુધીના અપરોધોનું વિવરણ છે. આરટીઆઈ હેઠળ મળેલી જાણકારી મુજબ, અખિલેશ સરકાર દરમિયાન ઉત્તર પ્રદેશમાં 2012થી 2017 સુધીના સમયમાં દહેજ હત્યાના 11,449 કેસ, બળાત્કારના 13,981 કેસ,શિયળભંગના 36,643 કેસ, અપહરણના 48,048 કેસ, છેડતીના 4,874 કેસ, મહિલા જાતીય શોષણના 51,027 કેસ અને પોક્સો એક્ટના 13,727 કેસ નોંધાયા છે.

સપા સરકારની તુલનાએ યોગી સરકારમાં દહેજ માટે હત્યા, દુષ્કર્મ, છેડતી તથા મહિલા જાતીય શોષણના મામલા ઝડપથી વધ્યા છે.

બીજી તરફ, યોગી સરકારમાં આ વર્ષે 16 માર્ચથી લઈને 30 જૂન સુધીના 107 દિવસોમાં જ દહેજ હત્યાના 3,435, બળાત્કારના 5,654, શિયળભંગના 17,249, અપહરણના 21,077, છેડતીના 1,410, મહિલા જાતીય શોષણના 20,573 અને પોક્સો હેઠળ 7,017 કેસ નોંધાયા છે. મીડિયા અહેવાલ મુજબ, સપા શાસનકાળમાં દરરોજ બળાત્કારના સરેરાશ 7 કેસ નોંધાતા હતા, પરંતુ હાલની યોગી સરકારમાં આ આંકડો રોજનો સરેરાશ 52 સુધી પહોંચી ગયો છે.

આ રીતે દહેજ હત્યા, શિયળભંગ, અપહરણ, છેડતી જેવા મામલાઓમાં પણ ઘણો વધારો નોંધાયો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઉત્તર પ્રદેશમાં મહિલા સુરક્ષાની સ્થિતિ ખરાબ છે અને યોગી સરકારને તે દિશામાં કડક પગલા ભરવા પડશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here