મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ફેન્સ માટે માત્ર એક ક્રિકેટર નથી પરંતુ એક ઈમોશન છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ધોની 41 વર્ષનો છે અને તેણે ફરી એકવાર ચેન્નઈ સુપર કિંગ્સને IPL ટાઇટલ જીતાડ્યું છે. IPLની આ સિઝન ધોનીની છેલ્લી સિઝન હશે કે કેમ તે અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે અને ટાઈટલ જીત્યા બાદ ધોનીના શબ્દો પરથી એવું લાગી રહ્યું છે કે તે આગામી સિઝનમાં ચેન્નઈની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. ધોનીએ કહ્યું હતું કે નિવૃત્તિ અંગે નિર્ણય લેવા માટે તેની પાસે હજુ ઘણો સમય બાકી છે. નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે, પરંતુ લોકોનો પ્રેમ જોઈને તે વધુ રમવા ઈચ્છે છે.
ધોનીના સન્યાસની IPLના શરૂઆતથી અટકળો ચાલી રહી હતી
IPL 2023ની શરૂઆતથી જ એવી અટકળો ચાલી રહી હતી કે આ ધોનીની છેલ્લી સિઝન હશે. જે રીતે દરેક ગ્રાઉન્ડ પર દર્શકોએ તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો તે જોતા આની સંભાવના વધી રહી હતી. ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે પાંચ વિકેટની જીત બાદ જ્યારે ધોનીને પૂછવામાં આવ્યું કે શું આ તેની છેલ્લી સિઝન છે તો તેણે કહ્યું, ‘જો જુઆ જઈએ તો મારા માટે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે તે કહેવું ખૂબ જ સરળ છે કે હું હવે વિદાય લઇ રહ્યો છું પરંતુ આગામી 9 મહિના સુધી સખત મહેનત કરીને પરત ફરવું અને વધુ એક સિઝન રમવી મુશ્કેલ છે.’
હું પાછો આવીશ અને બને તેટલું રમીશ-ધોની
ધોનીએ વધુમાં કહ્યું કે ચેન્નઈના ફેન્સે જે રીતે મારા પર પ્રેમ વરસાવ્યો છે, તેમના માટે વધુ એક સિઝન રમું તે મારા તરફથી તેમને ભેટ હશે. તેઓએ જે પ્રેમ અને જુસ્સો બતાવ્યો છે, મારે પણ તેમના માટે કંઈક કરવું જોઈએ. ધોનીએ કહ્યું, ‘આ મારા કરિયરનો છેલ્લો સ્ટેજ છે. અહીંથી જ શરૂઆત થઈ અને આખું સ્ટેડિયમ મારા નામનો જયઘોષ કરી રહ્યો હતો. ચેન્નઈમાં પણ આવું થયું હતું પરંતુ હું પાછો આવીશ અને મારાથી બને તેટલું રમીશ.