બાપ-દાદાની મિલકતમાં દીકરી અને દીકરો, કોનો કેટલો અધિકાર? જાણો

બાપ-દાદા મિલકત પર માત્ર દીકરાઓનો જ અધિકાર છે, એવું તમે માનતા તો વાસ્તવમાં તમે ખોટું માનો છો.

બાપ-દાદાની મિલકતની વહેંચણી માટે ઘણા નિયમ-કાયદા છે અને આ મુદ્દો આટલો સરળ નથી.

હાલમાં જ દિલ્હી હાઈ કોર્ટે મિલકતની વહેંચણીના એક કેસમાં આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે પિતાની સંપૂર્ણ સંપત્તિ દીકરાને મળી શકે નહીં, કારણ કે મા હજુ હયાત છે અને પિતાની મિલકતમાં બહેનનો પણ અધિકાર હોય છે.

શું હતો સમગ્ર કિસ્સો?

દિલ્હીમાં રહેતી એક વ્યક્તિનાં મૃત્યુ બાદ એમની મિલકતની વહેંચણી થઈ હતી.

મૃતકની સંપત્તિનો અડધો ભાગ કાયદાકીય રીતે એમનાં પત્નીને તથા અડધો ભાગ એમનાં બે બાળકોને (એક દીકરો અને એક દીકરી) મળવાનો હતો.

જોકે, દીકરીએ સંપત્તિમાંથી ભાગ માંગ્યો, ત્યારે દીકરાએ તેને એ આપવાનો ઇન્કાર કર્યો હતો.

એ પછી દીકરીએ અદાલતમાં ધા નાખી હતી. કોર્ટમાં માતાએ પણ દીકરીનો પક્ષ લીધો. તેનો વિરોધ કરતાં દીકરાએ દલીલ કરી હતી કે સમગ્ર મિલકત એને જ મળવી જોઈએ.

તેના અનુસંધાને દિલ્હી હાઈકોર્ટે હિંદુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે અત્યારે મૃતકનાં પત્ની હયાત છે. તેથી તેમનો અને મૃતકનાં દીકરીનો પણ મિલકતમાં સમાન હક છે.

એ ઉપરાંત કોર્ટે એક લાખ રૂપિયા નુકસાનના વળતર પેટે ચૂકવવાનો આદેશ પણ દીકરાને આપ્યો હતો.

તેનું કારણ એ કે આ કેસને કારણે માતાએ આર્થિક અને માનસિક નુકસાન વેઠવું પડ્યું હતું.

કોર્ટે જણાવ્યું હતું કે દીકરાનો દાવો જ ખોટો છે. કોર્ટના જણાવ્યા મુજબ, આજના સમયમાં આવું બનવું એ કોઈ નવાઈની વાત નથી.

પિતાની મિલકતમાં દીકરીનો હક નથી?

આપણા સમાજમાં મોટે ભાગે દીકરાને જ પિતાની સંપત્તિનો વારસદાર ગણવામાં આવે છે, પણ 2005માં કાયદામાં સુધારા બાદ દીકરા-દીકરી બન્નેને પિતાની સંપત્તિમાં સમાન હક આપવામાં આવ્યો છે.

2005 પહેલાંની સ્થિતિ અલગ હતી અને હિંદુ પરિવારોમાં દીકરો જ ઘરનો કર્તાહર્તા ગણાતો હતો. પૈતૃક સંપત્તિમાં દીકરા-દીકરીને સમાન હક નહોતો.

દિલ્હીમાં વકીલ તરીકે કાર્યરત જયતિ ઓઝાનાં જણાવ્યા અનુસાર, કોઈ પૈતૃક સંપત્તિની વહેંચણી 20 ડિસેમ્બર-2004 પહેલાં કરવામાં આવી હોય તો એમાં દીકરીનો હક માન્ય નહીં ગણાય.

તેનું કારણ એ છે કે એવા કિસ્સામાં જૂનો હિંદુ ઉત્તરાધિકાર કાયદો લાગુ પડશે. તેવા કિસ્સામાં વહેંચણીને પણ રદ કરવામાં નહીં આવે.

આ કાયદો હિંદુ ધર્મ સાથે સંબંધ ધરાવતા લોકો એ ઉપરાંત બૌદ્ધ, શીખ અને જૈન સમુદાયનાં લોકોને પણ લાગુ પડે છે.

પૈતૃક સંપત્તિનો અર્થ?

મિલકતમાં હક કોનો હશે અને કોનો નહીં એ સમજવા માટે ‘પૈતૃક સંપત્તિ’ કોને કહેવામાં આવે છે, જાણવું જરૂરી છે.

સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના પિતા, દાદા કે વડદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને ‘પૈતૃક સંપત્તિ’ કહેવામાં આવે છે.

બાળક જન્મતાંની સાથે જ પૈતૃક સંપત્તિનું વારસદાર બની જતું હોય છે.

મિલકત બે પ્રકારની હોય છે. એક જે જાતે અર્જિત કરી હોય અને બીજી જે વારસામાં મળી હોય.

આપકમાઈથી ઊભી કરેલી મિલકતને ‘સ્વઅર્જિત’ કહેવામાં આવે છે, જ્યારે વારસામાં મળતી મિલકતને ‘પૈતૃક સંપત્તિ’ કહેવામાં આવે છે.

પૈતૃક સંપત્તિમાં કોનો-કોનો ભાગ હોય છે?

કાયદાનાં જાણકાર ડૉ. સૌમ્યા સક્સેના જણાવે છે કે કોઈ પણ વ્યક્તિની પૈતૃક સંપત્તિમાં તેમનાં પત્ની અને તમામ બાળકોનો સમાન હક હોય છે.

દાખલા તરીકે, કોઈ પરિવારમાં એક વ્યક્તિનાં ત્રણ બાળકો હોય તો પૈતૃક સંપત્તિની વહેંચણી પહેલાં તેમનાં ત્રણ બાળકો વચ્ચે થશે.

એ પછી ત્રીજી પેઢીનાં બાળકો તેમના પિતાના ભાગમાંથી પોતાનો હક લઈ શકશે.

ત્રણેય બાળકોને પૈતૃક સંપત્તિનો એક-એક તૃતીયાંશ ભાગ મળશે અને તેમનાં બાળકો અને પત્નીને સમાન ભાગ પ્રાપ્ત થશે.

જોકે, મુસ્લિમ સમુદાયમાં આવું નથી. આ સમુદાયમાં અંતિમ પેઢીની વ્યક્તિની હયાતી હોય, ત્યાં સુધી પૈતૃક સંપત્તિનો વારસો બીજાને મળતો નથી.

પૈતૃક સંપત્તિ વેચાણના નિયમો

પૈતૃક સંપત્તિ વેચવા સંબંધી નિયમો ઘણા કઠોર છે, કારણ કે પૈતૃક સંપત્તિમાં ઘણા લોકોનો ભાગ હોય છે. તેથી જ્યાં સુધી એની વહેંચણી કરવામાં ન આવે, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એને પોતાની મરજીથી વેચી શકે નહીં.

સૌમ્યા જણાવે છે કે પૈતૃક સંપત્તિ વેચવા માટે તમામ ભાગીદારોની મંજૂરી લેવી જરૂરી છે. એ પૈકીનો કોઈ એક પણ રાજી ન હોય તો પૈતૃક સંપત્તિ વેચી શકાય નહીં.

તમામ વારસદારો રાજી હોય તો પૈતૃક સંપત્તિ વેચી શકાય છે. બીજાં પત્નીનાં બાળકોને પણ સમાન હક મળે?

હિંદુ મેરેજ એક્ટ મુજબ પહેલાં પત્ની હયાત હોય તેવા સંજોગોમાં બીજાં લગ્ન માન્ય ગણાતાં નથી, પણ પ્રથમ પત્નીનાં મૃત્યુ બાદ કોઈ વ્યક્તિ બીજાં લગ્ન કરે તો તેને માન્ય ગણવામાં આવે છે.

આવા સંજોગોમાં બીજાં પત્નીનાં બાળકોને પણ મિલકતમાં હક મળશે. બીજાં પત્નીનાં બાળકોને સંપત્તિમાં ભાગ મળશે, પણ પૈતૃક સંપત્તિમાં નહીં મળે.

પૈતૃક ન હોય તેવી સંપત્તિ પર કોનો હક?

મિલકત સ્વઅર્જિત હોય અને સંપત્તિનો માલિક ઇચ્છે તો એના જીવનકાળમાં કે વસિયતનામા દ્વારા મૃત્યુ બાદ કોઈને પણ પોતાની મિલકત આપી શકે છે, પણ વસિયતનામું ના હોય તો?

ડૉ. સૌમ્યા કહે છે, ” પૈતૃક સંપત્તિ સિવાયની અર્જિત કરેલી મિલકતમાં વ્યક્તિનાં પત્ની અને તેમનાં બાળકો ઉપરાંત મૃતકનાં માતા-પિતા આજીવિકા માટે એમના પર નિર્ભર હોય તો તેમને પણ તેમાંથી ભાગ મળશે.”

”માતા-પિતા પોતાનો ભાગ લેવાં ઇચ્છતાં ન હોય તો કોઈ પણ વારસદાર એમનો ભાગ લઈ એમની જવાબદારી ઉઠાવી શકે છે.”

જોકે, ભારતીય દંડ સંહિતાની કલમ 125માં મેન્ટેનેન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તે મુજબ કોઈ વ્યક્તિ પર નિર્ભર તેમનાં પત્ની, માતા-પિતા અને બાળકો પોતાનાં ભરણપોષણ માટે કાયદેસર દાવો કરી શકે છે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top