રક્તદાન-દેહદાન અને નેત્રદાન બાદ સુરતમાં મહિલાઓ કરી રહી છે ધાવણદાન

સુરતઃ રક્તદાન-દેહદાન અને નેત્રદાન જેવી પ્રવૃતિઓમાં અગ્રેસર રહેલું સુરત શહેર હવે ધાવણદાનમાં પણ આગળ આવી રહ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં 2008થી શરૂ થયેલી મિલ્કબેંકને સારો પ્રતિસાદ મળતાં હવે આગળ વધીને વધુ એક મિલ્કબેંક શરૂ કરવાની વિચારણા થઇ રહી છે.

અભુતપુર્વ પ્રતિસાદ સાંપડ્યો

છેલ્લા આઠ વર્ષથી સુરત શહેરની સ્મીમેર હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં કાર્યરત એવી યશોદા મિલ્કબેંકને સારો પ્રતિસાદ સાંપડ્યો છે. 2008માં સુરત સ્મીમેર હોસ્પિટલમાં પિડિયાટ્રીક એસોસિયેશન અને રોટરી ક્લબનાં સહયોગથી યશોદા પ્રોજેક્ટ હેઠળ મધર મિલ્કબેંક શરૂ કરવામાં આવી હતી. આ મિલ્કબેંક શરૂ કરાઇ ત્યારથી જ તેને અભુતપુર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ મિલ્કબેંક થકી જરૂરિયાતમંદ બાળકોને માતાનું દૂધ મળી રહે છે.

હ્યુમન મિલ્કબેંક આશિર્વાદરૂપ 

નવજાત બાળકો માટે માતાનું દૂધ ખુબ જ મહત્વનું છે. બાળક છ મહિનાનું થાય ત્યાં સુધી બાળક માટે માતાનું દૂધ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ ક્યારેક સંજોગો એવા ઉભા થાય કે કોઇક કારણોસર બાળકને માતાનું દૂધ મળી શકતું નથી. જેમાં બાળક અધુરા માસે જન્મે ત્યારે, માતાની તબિયત લથડે ત્યારે, જે માતાને ધાવણ ન આવતું હોય ત્યારે, અથવા જેની સારસંભાળ રાખવાવાળું કોઇ ન હોય ત્યારે આવા સંજોગોમાં બાળકોને આવી હ્યુમન મિલ્કબેંક આશિર્વાદરૂપ સાબિત થઇ રહી છે.

મિલ્કબેંકમાં 4,37,460 મિલિલિટર દૂધ એકત્ર થયું

1984માં મુંબઇમાં સૌથી પહેલી મધર મિલ્કબેંક શરૂ કરવામાં આવી હતી. અને તે પછી રાજ્યમાં વડોદરામાં પહેલી મિલ્કબેંક શરૂ કરાઇ હતી. અને પછી સુરતમાં 2008માં આ મિલ્કબેંક શરૂ થઇ હતી. અત્યારસુધી સુરતમાં શરૂ થયેલી મિલ્કબેંકમાં 4,37,460 મિલિલિટર દૂધ એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાંથી 4,31,236 મિલિ દૂધ જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવ્યું છે.

સુરતમાં અત્યારસુધી 5130 માતાઓએ ધાવણદાન કર્યું છે જેનો લાભ 3715 બાળકોએ લીધો છે. સુરતમાં સ્મીમેરમાં ચાલતી મિલ્કબેંકમાં પધ્ધતિસર રીતે માતાઓએ ધાવણથી દાન કરેલાં દૂધને સ્ટોર કરવામાં આવે છે. જે 3 મહિના સુધી ચાલી શકે છે. અત્યારે તો સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં જરૂરિયાતમંદ માતાઓ અને બાળકોને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે.આખા રાજ્યમાં માત્ર વડોદરા અને સુરતમાં જ મિલ્કબેંક કાર્યરત

સુરતમાં વર્ષે દર વર્ષે માતાઓ દ્રારા આપવામાં આવતા ધાવણદાનનું પ્રમાણ વધી રહ્યું છે. સુરત શહેરની મિલ્કબેંક સૌથી વધુ એક્ટીવ પણ છે. અને આ જ કારણ છે કે સુરતમાં જરૂરિયાત અને વધુમાં વધુ બાળકોને આ લાભ મળી રહે તે હેતુ સાથે વધુ એક મિલ્કબેંક શરૂ કરવાની વિચારણા પણ કરવામાં આવી છે.

આખા રાજ્યમાં માત્ર વડોદરા અને સુરતમાં જ મિલ્કબેંક કાર્યરત છે. જ્યારે દેશના ગણ્યા ગાંઠ્યા શહેરોમાં જ બે મિલ્કબેંક છે. સમગ્ર દેશમાં સુરતની મિલ્કબેંક પણ સૌથી વધુ કાર્યરત હોવાનું પિડિયાટ્રીક એસોસિયેશનનું કહેવું છે.

સ્ટ્રેરીલાઇઝ અને પેશ્યુરાઇઝ કરીને દૂધને સાચવવામાં આવે

પ્રજ્ઞા પ્રજાપતિ (રેસીડન્ટ તબીબ ,સ્મીમેર હોસ્પિટલ) એ જણાવ્યું હતું કે, અમે સ્ટ્રેરીલાઇઝ અને પેશ્યુરાઇઝ કરીને દૂધને સાચવવામાં આવે છે. અમે માતાઓને યોગ્ય સમજ આપીએ છીએ ધાવણદાન વિશે. જે બાળકોની હાલત ગંભીર હોય અથવા જેની માતા ધાવણ આપી નથી શકતી તેને આ મધર્સ મિલ્કબેંક કામ લાગે છે.

બાળકો માતાના દૂધથી વંચિત ન રહી જાય તે માટે ધાવણ દાન

ડો.નિરાલી મહેતા (કોઓર્ડિનેટર, હ્યુમન મિલ્કબેંક, સુરત) એ જણાવ્યું હતું કે, આપણે સામાજીક લેવલે જાગૃતિ લાવીને તેનું મહત્વ વધાર્યું છે. આવનારા દિવસોમાં પણ આ કોનસેપ્ટથી બીજી ધાવણબેંક શરૂ થઇ છે. માતાનાં દૂધની તોલે બીજું કોઇ આવે તેમ નથી. માતાનું ધાવણ બાળકના સર્વાંગી વિકાસ માટે છે.ધાવણથી માતા અને બાળકને સૌથી વધારે ફાયદાકારક છે. એટલા માટે જ ઓગષ્ટનો પહેલો વીક વિશ્વ સ્તનપાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ધાવણ દાન જ્યારે સુરતમાં શરૂ કરાયું ત્યારે સૌને શંકા હતી કે આ સફળ રહેશે કે નહીં. પણ આજે યશોદા મિલ્કબેંકમાં ઘણી બધી માતાઓ આવે છે જે પોતાના બાળક માટે તો ખરું જ પણ અન્ય બાળકો પણ માતાના દૂધથી વંચિત ન રહી જાય તે માટે ધાવણ દાન કરે છે.

દૂધ અમૃત સમાન સાબિત થાય

સીમરન પટેલ (મિલ્ક ડોનર) એ ઉમેર્યું હતું કે, મારી ડિલિવરીને 7 દિવસ થયા છે. હું મારા બાળકની સાથે બીજા બાળકને પણ દૂધ મળી રહે તે માટે મિલ્ક ડોનેટ કરું છું. માત્ર બીજી માતાઓ જ નહીં પણ આ યશોદા મિલ્કબેંકમાં સ્મીમેર હોસ્પિટલની નર્સ પણ યશોદાની ભૂમિકામાં રહી મિલ્ક ડોનેટ કરે છે. અહીં ફરજ બજાવતી 30 થી પણ વધુ નર્સે વધુ વખત ધાવણ દાન આપ્યું છે. ઘણા બાળકો તરછોડી દેવામાં આવતા હોય છે, કેટલાક બાળકોની માતાને દૂધ નથી આવતું, જ્યારે કેટલાક બાળકોની માતા તેમની સાથે નથી હોતી તેવા બાળકોને માટે આ દૂધ અમૃત સમાન સાબિત થાય છે.

સુરતમાં 21 જેટલા કેમ્પ થયા

રસીલા ખેંની (નર્સ)એ જણાવ્યું હતું કે, અમે નર્સ પણ અહીં મિલ્ક ડોનેટ કરીએ છીએ. અને ઘણો આનંદ થાય છે. યશોદા મિલ્કબેંકનું નામ પણ સાર્થક જ કરીએ છીએ. યશોદા મિલ્કબેંકને વધુ પ્રોત્સાહન મળે તે માટે મિલ્ક ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવે છે. અત્યારસુધી સુરતમાં 21 જેટલા કેમ્પ થયા છે. જેમાં 80,000 મિલિ દૂધ એકત્ર થયું છે. આ કેમ્પમાં 1731 માતાઓએ ભાગ લીધો હતો.

આમ,આ હ્યુમન મિલ્કબેંક નવજાત બાળકો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ રહી છે. હજી પણ સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં ચાલતી મિલ્કબેંકનું દૂધ માત્ર સ્મીમેર હોસ્પિટલમાં જ પુરૂ પાડવામાં આવે છે. પણ હવે જે રીતે હજી એક મિલ્કબેંક શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે તે પ્રમાણે હવે જરૂરિયાતમંદ બાળકો સુધી પણ આ દૂધ પહોંચાડવાનો વિચાર ચાલી રહ્યો છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button