અમદાવાદઃ 4 જુનના રોજ દિનેશ બાંભણિયાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ પર અનેક આરોપો લગાવી અરજી કરી હતી. પરંતુ આ અરજી કર્યાના 24 કલાકમાં જ દિનેશ બાંભણિયા ઢીલો પડી ગયો છે. આજે દિનેશે જણાવ્યું કે, અલ્પેશ કથિરીયાની વાતથી હું મારી નૈતિક જવાબદારી સ્વીકારી સમાજનું આંદોલન તોડવાના પ્રયાસો સફળ થવા દઈશું નહીં. જેથી હું સમાજ માટે જ્યારે પણ અલ્પેશ, મનોજ, ઉદય, ગીતાબેન અને હર્ષદભાઈની મધ્યસ્થીમાં કહેશે ત્યારે હાર્દિક પટેલ અને ટીમ સાથે બેસીને ચર્ચા કરીશ.
દિનેશે આગળ કહ્યું કે, આ બેઠકમાં અમારી ટીમમાં થયેલા મતભેદો દૂર કરીશું અને એક થઈ અનામત માટે લડીશું. હવે સમાજના કોઈપણ આંદોલનકારી માટે ખરાબ સવાલ-જવાબ પણ કરીશું નહીં. દિનેશના આ નિવેદન બાદ સુત્રોએ જણાવ્યું કે, દિનેશ આંદોલન સાથે સંકળાયેલો રહેવા માગતો હોવાથી સમાધાન કરવા માટે તૈયાર થયો છે.
આ એજ દિનેશ બાંભણીયા છે જે હાર્દિક પર કરોડો રૂપિયા લીધા હોવાની વાત કરી રહ્યા હતા પણ હવે તેમને અચાનક હાર્દિક સાથે સમાધાન કરવા મજબુર થવું પડ્યું છે. પાસ કન્વીનરો ના આવા વલણથી સમાજ સાથે તેઓ રમત રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. સવારે કરોડોના આરોપો અને સાંજે સમાધાન આ વાત હવે લોકોને ગળે ઉતરી રહી નથી.
હાર્દિકનો વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલા જ અચાનક સાથ છોડનારા દિનેશ બાંભણિયાએ અડાલજ પોલીસ મથકમાં અરજી આપીને જણાવ્યું હતું કે, હાર્દિકે મારી સામે વ્યક્તિગત આક્ષેપો કરીને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. પોતાની પ્રસિધ્ધી માટે મારી સામે કરેલા આક્ષેપો વાહિયાત છે, તેથી મારી છબી ખરડનારા હાર્દિક સામે કાયદેસરના કાર્યવાહી કરીને પગલા લેવા મારી વિનંતી છે.
પાટીદારોને અનામત અપાવવા પોતે હાર્દિક સાથે લડાઇમાં છે પરંતુ કોઇ પોતાની જ પ્રસિધ્ધિ ઇચ્છતું હોય તેની સાથે નથી. અનામત મુદ્દે અમારૂ આંદોલન ભાજપ હોય કે કોંગ્રેસ તેની સામે ચાલુ જ રહેશે. પાસના નેતાઓ અલપેશ કથીરિયા વિગેરેની મધ્યસ્થીથી મારી ભૂલ સ્વીકારીને આંદોલનને તોડવાના પ્રયાસો સફળ નહીં થવા દઇએ.