ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતથી જ કોરોના મહામારીએ રોકેટ ગતિની સ્પીડ પકડી છે. ડિસેમ્બર મહિનામાં કોવિડ-19ના ખુબ જ ઓછા કેસો નોંધાઇ રહ્યા હતા પરંતુ કોરોનાના નવા ઓમિક્રોન વોરિએન્ટ દેશમાં ઘૂસતા જ જાણે કોરોના મહમારીની ત્રીજી લહેર આવી ગઇ હોય તેમ કોરોના કેસમાં વિસ્ફોટ થઇ રહ્યો છે. જોકે કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકાર કડક નિયમો તો બનાવી રહી છે પરંતુ તેનો અમલ નથી થઇ રહ્યો.
રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં વધારો કરાયો છે અને નવી ગાઈડલાઈન્સમાં પણ ફેરફાર કરાયા છે. પરંતુ નેતાઓ જ રાજ્યના નાગરિકોને મોતના મુખમાં ઠેલી રહયા હોય તેવા દ્રશયો અનેકવાર સામે આવી ચૂકયા છે. રાજ્યમાં હજારો લોકોની ભીડ ભેગી કરીને ઉજવણીના નામે તાયફાઓ થઇ રહ્યા છે. ગઈકાલે જ સોમનાથમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં 1 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જ્યાં હવે કોરોનાનો રાફડો ફાટે તો નવાઇ નહીં.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે છતા ભાજપના નેતાઓ કોરોના ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ મેરેથોન દોડ યોજવામાં આવી રહી છે. આ મેરેથોનને લીલી ઝંડી સાંસદો અને રાજકીય નેતાઓ આપી રહ્યા છે. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા સરેઆમ ઉડે છે.
પોતાના પરિવાર માટે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરો
રાજ્યમાં 1 જાન્યુઆરીથી વધી રહેલા કોરોના સંક્રમણને પગલે સરકારે વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રાખવાની જાહેરાત તો કરી, પરંતુ હવે ભાજપના નેતાઓ જ સરકારને ગાંઠતા નથી. નેતાથી લઇ રાજકીય અધિકારીઓ ભીડ ભેગી કરીને સરકારની ગાઇડલાઇન્સના ધઝાગરા ઉડાવી રહયા છે જે એક ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપે છે, ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. જો આ પરિસ્થિતિ યથાવત રહેશે તો થોડા દિવસોમાં જ કોરોના કેસમાં ધરખમ વધારો થશે અને હાલમાં જે કેસ 5000ની આસપાસ નોંધાઇ રહ્યા છે તે 50,000નો આંક પણ વટાવી શકે છે. જોકે અહિં જાહેર જનતાએ સમજવાનું રહેશે કે નેતા અને બાબુઓના ચક્કરમાં પોતાની જિંદગીને જોખમમાં ના મૂકે અને પોતાના પરિવાર માટે થઇ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરો.