ગુરુવારે મળેલી પ્રથમ કબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા હતા, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી મહત્વના બે ખાતા અન્ય મંત્રીને સોંપાતા નિતિન પટેલ નારાજ જોવા મળ્યાં હતા તેમની પાસેથી નાણાં ખાતુ લઈ સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે અને શહેરી વિકાસ ખાતું સીએમએ રૂપાણીએ પોતાના પાસે રાખ્યું છે. જેને લઈને તેમણે પત્રકાર પરિષદમાં પણ મૌન રાખ્યું હતું.
સૂત્રો અનુસાર ખાતાની વહેંચણીને લઈને થયેલા અપમાનથી નારાજ નિતિન પટેલને મનાવવા ભાજપે મોવડીમંડળ બે-ત્રણ દિવસનો સમય માગ્યો છે. જો નિતિન પટેલનું માન જળવાય તેવું પગલું ભાજપ મોવડીમંડળ દ્વારા નહીં લેવામાં આવે તો કદાચ નીતિન પટેલ મંત્રીમંડળમાંથી રાજીનામું આપે તેવી પ્રબળ સંભાવના છે.
સૂત્રો પ્રમાણે ખાતાની ફાળવણીને લઈને નારાજ નીતિન પટેલ શુક્રવારે રાત્રે સ્વર્ણિમ સંકુલથી નીકળીને સીધા જ અમદાવાદના થલતેજના મણિભદ્ર સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમને મળવા માટે સંખ્યાબંધ સમર્થકો ઉપસ્થિત હતા.
શુક્રવારે ભાજપના ટોચના નેતાઓએ નીતિન પટેલને મનાવવાની કોશિશ કરી હતી. ટોચના સૂત્રો જણાવે છે, નીતિન પટેલ નારાજ છે અને ટોચના નેતાઓ તેમને પાર્ટી પર અસર થાય તેવી કોઈ નવાજૂની ન કરવા સમજાવી રહ્યા છે.
સત્તાવાર રીતે કોઈ પણ નિવેદન કરવા તૈયાર નથી. વાઘાણીએ જણાવ્યું, “મને જાણ છે ત્યાં સુધી કોઈ નેતાઓ વચ્ચે મતભેદ નથી. જો કોઈ સમસ્યા હશે તો અમે તેનો નિવેડો લાવીશું. સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની ટીમ હેઠળ જ કાર્યરત રહેશે. પાર્લામેન્ટ સેશનને કારણે જ ગુરૂવારે કેબિનેટ મીટીંગ શરૂ કરવામાં મોડુ થઈ ગયુ હતુ.”