વાપી: શહેરની શુક્રવારે મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમે જયારેે કોલેજોની મુલાકાત લઇએ છીએ ત્યારે સંચાલકો અને અધ્યાપકો એવી ફરિયાદ કરે છે ઉચ્ચતર માધ્યમિકમાંથી માલ ખરાબ આવે છે. ઉચ્ચતર માધ્યમિકના સંચાલકો માધ્યમિક શાળાઓનો દોષ આપે છે. નીચેથી માલ ખરાબ આવે છે એવી ફરિયાદો આવે છે, પરંતુ આ સામુહિક જવાબદારી છે. સરકારની સાથે લોકો પણ ભાગીદાર બંને વિદ્યાર્થીઓનો પાયો જ મજબુત બનશે તો આ ફરિયાદો રહેશે જ નહીં. આ કાર્યક્રમ બાદ ઘણાં બુધ્ધિજીવીઓમાં એવી ચર્ચા થઈ હતી કે આવા શબ્દો બોલનારનો ઉધડો લેવાની જગ્યાએ મંત્રી આ જ શબ્દ જાહેરમાં બોલ્યા.
વાપી આવેલા શિક્ષણ મંત્રીએ વાંધાજનક શબ્દનું પુનરાવર્તન કર્યું
વાપીની ઉપાસના સ્કુલમાં શુક્રવારે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી ટેકનોલોજી બેઇઝડ શિક્ષણ એપ આઇકેન નું લોન્ચિંગ કર્યું હતું. શિક્ષણમંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજય સરકાર વિદ્યાર્થીઓને ડીજીટલ શિક્ષણ આપવા માટે કદમ ઉઠાવી રહી છે, ત્યારે મા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી મેક્સસ iken એપથી શિક્ષણ ક્ષેત્રે વધુ સુવિધા પ્રાપ્ત થશે. આજના ડીજીટલ યુગમાં વિદ્યાર્થી, વાલી અને શાળાઓને એકસૂત્રે જોડવાનું કાર્ય કરશે. સાથે શિક્ષણમાં સુધારાને અવકાશ પણ મળશે.આજે એક ફરિયાદ આવી રહી છે નીચેથી માલ ખરાબ આવી રહ્યો છે. કોલેજોના સંચાલકો અને અધ્યાપકો ઉચ્ચતર માધ્યમિકમાંથી માલ ખરાબ આવે છે એવું કહે છે.
આવા શબ્દ બોલનારનો ઉધડો લેવાની જગ્યાએ એ જ શબ્દ જાહેરમાં બોલ્યા
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સંચાલકો અને શિક્ષકો પ્રાથમિક વિભાગમાંથી જ માલ ખરાબ આવે છે એવું કહે છે. ત્યારે એક ઉદાહરણ આપુ છે કે એક ટેકસટાઇલ કંપનીનો માલિક નાના ગામમાં રૂનું ઉત્પાદન કેવું થાય છે અને તેની ગુણવત્તા સારી છે કે નહી તેની ચકાસણી કરે છે. કારણ કે આ માલ તેની કંપનીમાં જ આવવાનો છે. આપણે પણ શિક્ષણ આપવાની જવાબદારી સરકારની સાથે આપણી પણ છે. સરકારની સાથે ભાગીદાર બની સામુહિક પ્રયાસથી વિદ્યાર્થીઓનો પાયો મજબુત બનાવીએ. સામુહિક પ્રયાસો થશે તો જ નીચેથી માલ ખરાબ આવે છે તે ફરિયાદો હલ થશે.
નવરાત્રિ વેકેશન અપાશે જ- `રાજ્ય સરકારે શાળાઓમાં નવરાત્રિ વેકેશનની જાહેરાત કર્યા બાદ એક તરફ સોશિયલ મીડિયામાં આ વિષય ગરમાયો છે. આ ઉપરાંત કેટલાક મોટા શહેરોમાં ઘણાં શિક્ષકો આ મામલે જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. ત્યારે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં ભારે અસમંજસનો માહોલ છવાઈ ગયો છે. જો કે આ મામલે શિક્ષણ મંત્રીએ જાહેર મંચ પરથી સ્પષ્ટ શબ્દમાં જણાવી દીધું હતું કે શાળાઓમાં નવરાત્રિ વેકેશન અપાશે જ.
વિદ્યાર્થીઓને ટેબલેટ અપાશે
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષે 3.50 લાખ વિદ્યાર્થીઓને સરકારે ટેબલેટ આપ્યાં હતાં. આ વર્ષે ઓગષ્ટના અંતમાં કે સપ્ટેમ્બરની શરૂઆતમાં આયોજન છે. 7થી 8 હજારના ટેબલેટ માત્ર 1 હજારમાં વિદ્યાર્થીને અપાય છે. રાજ્યમાં ધો.6,7 અને 8ના 22 હજાર વર્ગોમાં 10 ટકા વાંચન, 13 ટકા લેખન અને 14 ટકા ગણનમાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓ માટે વિદ્યામિશન કાર્યક્રમ યોજીને શિક્ષણ પૂરૂં પાડવાનો પ્રયાસ કરાયો છે.
બિલખાડી મુદ્દે મળી શકો છો: શિક્ષણ મંત્રીએ પ્રવચનમાં વાપી બિલખાડીના દબાણો અંગેના પ્રશ્ન રજૂ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ વિધાનસભાની ચૂંટણી વખતે જ વચન આપ્યું હતું. આ વચનને પાળી બતાવ્યું છે. કલેકટરની ટીમની કામગીરી પણ સારી રહી છે. વાપી બિલખાડીના પ્રશ્ન મામલે હજુ પણ કાંઇ કામ હોય તો હું ગાંધીનગર બેઠો છું. મંત્રીના આ શબ્દોથી હાજર સૌએ તાળીઓ પાડી તેમની જાહેરાતને વધાવી લીધી હતી