અમદાવાદ, સુરત, વડોદરા સહિત ગુજરાતભરમાં જ્યોતિષી, તાંત્રિક વિધીના બહાને લોકોને શીશામાં ઉતારી નડતર છે, તમારે વિધી કરવી પડશે કહીને વિધીના બહાને સોનુ અને રોકડ લઈને રાતોરાત રફુચક્કર થઈ જતી મેરઠની ગેંગનો ક્રાઈમ બ્રાંચે વેશપલ્ટો કરી પર્દાફાશ કર્યો હતો. રાજકોટ ક્રાઇમબ્રાંચે આ મામેલ બે શખ્સોની વડોદરાના સયાજીગંજ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલામાં આશિષ ઉર્ફે કુબેર ઉર્ફે સોનુ ઉર્ફે પ્રદિપ ઉર્ફે અમનજી ઉર્ફે અરમાનજી ઉર્ફે કબીરજી ઉર્ફે ઉબેદ હબીબભાઈ ઉર્ફે મલીકભાઈ ઉર્ફે ખલીલભાઈ મલેક (ઉ.24) અને ઝાકીરઅલી નુરમહમદ મલીક (ઉ.48)નો સમાવેશ થાય છે. જ્યારે તેમના અન્ય સાથીદાર નદીમ ઉર્ફે આલમગીર, જીબરાન, અશ્વીન કશ્યપ અને મોઈનખાન ઝાહીદની શોધખોળ આદરી છે.
રાજકોટમાં રહેતા રાજેશભાઈ રૂપાપરા (ઉ.42) અને તેના મિત્ર જગદીશભાઈ પીઠવા સાથે તાંત્રિક વિધીના નામે ચાર શખ્સોએ રૂા. 10.50 લાખના સોનાના ઘરેણા લઈ રફુચક્કર થઈ ગયાની ફરીયાદના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ આર.સી. કાનમીયા, બીપીનદાન ગઢવી સહિતની ટીમ તાંત્રિકની રાજકોટ ઓફિસ પર વેશપલ્ટો કરી ડમી ગ્રાહક બની પહોંચ્યા હતા.બાદમાં બંને આરોપીને ઝડપી લઈ ધાતુના બીસ્કીટ, 7 મોબાઈલ, રોકડ, બનાવટી આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓ રાજકોટ ઉપરાંત ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઓફિસ ભાડે રાખીને જ્યોતિષ વિદ્યાના અને તાંત્રિક વિધીના જાણકાર હોવાની જાહેરાતો આપતા હતા. બાદમાં આરોપીઓનો સંપર્ક કરનાર લોકોને તેની ઓફિસે મળવા બોલાવી ખોટા તંત્ર-મંત્રના નાટક કરી ‘નડતર છે વિધી કરવી પડશે’ કહી વિધીના બહાને તેની પાસે રહેલું સોનુ એક કોડીયામાં મુકાવી માથે કપડુ ઢાંકી બાદમાં નજર ચુકવી તે કોડીયુ લઈ તેના બદલે બીજુ કોડીયું કે જેમાં ખોટુ સોનુ અને ખીલીઓ મુકેલી હોય તે મુકી દેતા હતા અને ગ્રાહકને ઘરે જઈને તેણે આપેલા સમયે કોડીયુ ખોલવાનું જણાવી પાછળથી રફુચક્કર થઈ જતા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓ લોકોને ઠગવાની પહેલેથી જ સંપુર્ણ પ્લાન ઘડી કાઢતા હતા. જે મુજબ તેની ભાડે રાખેલી ઓફિસની બહાર એક શખ્સને શંકાસ્પદ લોકોને ઓળખવા અને પોલીસને જાણ ન થાય તે માટે પહેરેદાર તરીકે રાખવામાં આવ્યો હતો. જો કોઈ શંકાસ્પદ લોકો નજરે ચડે તો તેની જાણકારી આરોપીઓ સુધી પહોંચી જતી હતી.
તાંત્રિક વિધીના બહાને લોકો સાથે ઠગાઈ કરતી આ ટોળી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ટુંક સમય માટે જ ઓફિસ ભાડે રાખતા હતા. બાદમાં ગ્રાહક તેનો સંપર્ક કરે ત્યારે સ્થાનિક શહેરની નોકરી પર રાખેલા યુવતિ દ્વારા અલગ જ સ્થળે મળવા બોલાવવામાં આવતા હતા. ગ્રાહકની સંપુર્ણ જાણકારી અને તપાસ કર્યા બાદ તેને ઓફિસે લઈ આવવામાં આવતા હતા. ઓફિસમાં પણ તંત્ર-મંત્રને અનુરૂપ વાતાવરણ બનાવી ગ્રાહક પાસેથી રૂા. 151 એન્ટ્રી ફી લઈને તેને આરોપીઓ સાથે મળવામાં આવતા હતા. બાદમાં આરોપીઓ તેને પોતાની માયાજાળમાં ફસાવી ઠગાઈ કરતા હતા.
ઝડપાયેલો આરોપી આશિફ ઉર્ફે ખલીલ મલિક અગાઉ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં તંત્ર-મંત્રના વિધીના બહાને દાગીના પડાવવામાં પકડાયો છે. જ્યારે ઝાકીરઅલી યુપીના મેરઠમાં મારામારીમાં વોન્ટેડ છે.