ચોમાસામાં વરસાદ અંગેની ખોટી આગાહી કરવાના આરોપસર મહારાષ્ટ્રના ખેડૂતોએ ભારતીય હવામાન વિભાગ સામે પોલીસફરિયાદ નોંધાવી છે. મરાઠવાડાના એક ગામના ખેડૂતોએ ભારતીય હવામાન વિભાગ પર બિયારણ અને જંતુનાશકોના ઉત્પાદકો સાથેની મિલીભગતમાં ચોમાસામાં સારો વરસાદ થવાની ખોટી આગાહી કરવાનો આરોપ મૂક્યો હતો.
પરભણી ગ્રામીણ પોલીસસ્ટેશનમાં દાખલ કરાયેલી પોલીસફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, મુંબઈ અને પૂણે હવામાન વિભાગની કચેરીઓના અધિકારીઓએ બિયારણ અને જંતુનાશકની ઉત્પાદક કંપનીઓ સાથે મળીને વરસાદ અંગેની ખોટી આગાહી કરી હતી. આ આગાહીઓને સાચી માનીને ખેડૂતોએ વાવણીની પ્રક્રિયા કરી હતી, પરંતુ આગાહી પ્રમાણે વરસાદ ન આવતાં ખેડૂતોને લાખો રૃપિયાનું નુકસાન થયું છે.
સ્વાભિમાની શેતકારી સંગઠનના મરાઠવાડાના પ્રમુખ માનિક કદમે લોકસભાના સાંસદ રાજુ શેટ્ટીની આગેવાનીમાં પોલીસફરિયાદ નોંધાવી છે. કદમે જણાવ્યું હતું કે, ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર સામે આઈપીસીની ધારા 420 અંતર્ગત કેસ નોંધાયો છે.
ગયા વર્ષે જૂન મહિનામાં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ખેડૂતોએ ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ સામે આવો જ કેસ નોંધાવ્યો હતો. હવામાન વિભાગના અધિકારીઓએ તેમને ખરીફ સિઝનમાં પૂરતો વરસાદ થવાની આગાહી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હતા.
તે સમયે પોલીસફરિયાદ કરનાર જી. થાવરેએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહીઓના આધારે ખેડૂતોએ વાવણી કરી હતી પરંતુ પ્રારંભિક વરસાદ થયા પછી વરસાદ અદૃશ્ય થઈ ગયો હતો. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડયું હતું, બિયારણ અને જંતુનાશકોની કંપનીઓ સાથે મળીને ખોટી આગાહી કરતા અધિકારીઓ સામે પગલાં લેવાં જોઈએ.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે કેન્દ્રીય પર્યાવરણમંત્રાલયને પત્ર લખી હવામાન વિભાગની ખોટી આગાહીઓ અંગે ફરિયાદ કરી હતી.