વડોદરા: શહેરના લક્ષ્મીપુરા રોડ ઉપરથી મોટર સાઇકલ ઉપર પસાર થઇ રહેલા યુવાન-યુવતીને રોકીને લક્ષ્મીપુરા પોલીસ મથકના પોલીસ જવાને રૂપિયા 500નો તોડ કર્યો હતો. પોલીસ જવાને તોડ કર્યા બાદ પુત્ર અને તેના પિતાએ તોડબાજ પોલીસનો ઉધડો લેતો વીડીયો વાયરલ થયો છે. આ બનાવમાં મહિલા પી.એસ.આઇ.એ પિતા-પુત્રની અને ટોળે વળેલા લોકોની માફી માંગી મામલો થાળે પાડ્યો હતો.
પોલીસે કર્યો હતો યુવાન-યુવતી પાસેથી 500 રૂપિયાનો તોડ
પ્રાપ્ત વિગત અનુસાર ગુરૂવારે રાત્રે એક મનોજ (નામ બદલ્યું છે) અને સંગીતા (નામ બદલ્યું છે) મોટર સાઇકલ ઉપર લક્ષ્મીપુરા રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પેટ્રોલીંગમાં નીકળેલી પી.સી.આર. વાનના ચાલક ગોપાલ અને સુરજ નામના પોલીસ જવાને તેઓને રોક્યા હતા. અને મોબાઇલ ફોનમાં તેઓના ફોટા પાડી લીધા હતા.
યુવાન અને યુવતીનો ફોટો પાડયા બાદ કરાઈ હતી પૈસાની માંગણી
ફોટા પાડ્યા બાદ પી.સી.આર. વાનના ચાલક ગોપાલ અને કોન્સ્ટેબલ સુરજે તેઓ પાસે પૈસાની માંગણી કરી હતી. અને જણાવ્યું કે, તમો પૈસા નહિં આપો તો પોલીસ સ્ટેશન લઇ જઇશું. ગભરાઇ ગયેલા મનોજે તેના પિતાને ફોન ઉપર વાત કરી હતી. અને પોલીસ જવાન સુરજને પણ વાત કરાવી હતી. પો.કો. સુરજે મનોજના પિતાને જણાવ્યું કે, અમારી સાથે અમારા પી.આઇ., પી.એસ.આઇ. સાથે છે. સમજીને આપી દો. વાત થયા બાદ તેઓ મનોજ પાસેથી રૂપિયા 500 લઇને પી.સી.આર. વાનમાં રવાના થઇ ગયા હતા.
પિતા-પુત્રએ વાનને રોકીને કરી હતી વાત
દરમિયાન ઘરે ગયેલા મનોજ તેના પિતાને લઇ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે જઇ રહ્યો હતો. તે દરમિયાન તોડ કરનાર પી.સી.આર. વાન અંકોડીયા રોડ મળતા પિતા-પુત્રએ વાનને રોકી હતી. અને તેમાંથી રૂપિયા 500નો તોડ કરનાર પોલીસ જવાન સુરજને નીચે ઉતારી વાતચીત શરૂ કરી હતી. તે સમયે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું.
ફોન કરતા સ્થળ પર દોડી આવ્યા હતા મહિલા પીએસઆઈ
લોકોના ટોળા જોઇ ગભરાઇ ગયેલ પોલીસ જવાન સુરજે તુરતજ મહિલા પી.એસ.આઇ.ને ફોન કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને કોન્સ્ટેબલ સુરજ અને વાન ચાલક ગોપાલે કરેલા કૃત્યની પિતા-પુત્ર તેમજ ટોળે વળેલા લોકોની માફી માંગી હતી. અને બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આપી મામલો થાળે પાડ્યો હતો.
થોડા સમય પહેલા જ પીએસઆઈ સરવૈયા ઝડપાયા હતા લાંચ લેતા
નોંધનીય છે કે, જવાહર નગર પોલીસ મથકના પી.એસ.આઇ. આઇ.એમ. સરવૈયા બુટલેગર પાસેથી રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયો છે. આ બનાવની શાહિ સૂકાઇ નથી. લક્ષ્મીપુરા પોલીસ મથકની પી.સી.આર. વાનના કોન્સ્ટેબલ ગોપાલ અને સુરજ યુવાન અને યુવતી પાસેથી રૂપિયા 500નો તોડ કર્યાની બહાર આવેલી વિગતોએ પોલીસ તંત્રના ધજાગરા ઉડાવી દીધા છે.