અત્યારે બ્લેક ફંગસ અને કોરોનાની બીજી લહેરથી દેશભર હજી બહાર આવ્યો નથી, બીજીતરફ વ્હાઈટ ફંગસે પણ માથુ ઉચક્યું છે. ત્યારે હવે ગ્રીન ફંગસની નવી બિમારી સામે આવી છે. મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં ગ્રીન ફંગસનો દેશનો સૌથી પ્રથમ કેસ સામે આવ્યો છે. આ દર્દીની મુંબઈમાં સારવાર ચાલી રહી છે. વિશેષજ્ઞોએ ગ્રીન ફંગસને બ્લેક-વ્હાઈટ ફંગસની તુલનામાં ક્યાંય વધારે ખતરનાક ગણાવી છે.
ઈન્દોરના માણેકબાગ રોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષના વિશાલ શ્રીધરને થોડા દિવસ પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. થોડા દિવસ પછી ઠીક થઈને તેઓ ઘરે પાછા ફર્યા પરંતુ ત્યારબાદ પરેશાની ઊભી થતા ફરીથી હોસ્પિટલોમાં લઈ જવા પડ્યા. શ્રી અરવિંદો ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસના છાતી રોગ વિભાગના પ્રમુખ ડો.રવિ દોશીએ જણાવ્યું કે પહેલા અમને શંકા હતી કે દર્દીને બ્લેક ફંગસ સંક્રમણ થયું છે. પરીક્ષણ કર્યા બાદ ખબર પડી કે તેના સાઈનસ, ફેફસા અને બ્લડમાં ગ્રીન ફંગસ ઈન્ફેક્શન થયું છે.
આ દર્દીના જમણા ફેફસામાં રસી થઈ ગઈ હતી. ફેફસા અને સાઇનસમાં એસપરજિલસ ફંગસ થઈ ગયો હતો, જેને ગ્રીન ફંગસ કહેવાય છે. નિષ્ણાતોના મતે ગ્રીન ફંગસ બ્લેક ફંગસથી પણ વધુ જોખમી છે. તેથી દર્દીની સ્થિતિ સતત ખરાબ થઈ રહી હતી. દર્દીના મળમાં લોહી આવતું હતું અને તાવ પણ 103 ડિગ્રી હતો. એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન પણ ગ્રીન ફંગસ પર કામ કરતું નથી.
મહત્વનું છે કે, ભારતમાં સતત 34માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 26 કરોડ 19 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 28 લાખથી વધુ લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.