ગુજરાતમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે અને 18 વર્ષથી 45 વર્ષના યુવાનો અને યુવતીઓને રસી અપાઈ રહી છે. જાણીતી લોકગાયિકા ગીતા રબારી આ રસીકરણમાં વિવાદમાં ફસાઈ છે. ગીતા રબારીના ઘરે જઈને રસી અપાતાં વિવાદ થઈ ગયો છે.
હકીકતમાં લોકગાયીકા અને કચ્છની કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારીએ ગઈકાલે પોતાના ફેસબુક પેજ પર તેમણે કોરોના વેક્સિન લીધી છે તેવો ફોટો પોસ્ટ કર્યો હતો. આ ફોટાના બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ દેખાતું હતું કે, આ વેક્સિનેશન સેન્ટર નથી તેમનું ઘર છે. આને લઈને હવે વિવાદ વધી વધી ગયો છે અને લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે, લોકો કલાકો સુધી વેક્સિનેશન સેન્ટર પર લાઈનમાં ઉભા રહીને વેક્સિન લે છે તો પછી શાં માટે સેલિબ્રીટીને ઘરે જઈને વેક્સિન આપવામાં આવી?
સોશિયલ મીડિયા પર ફોટો જોતા જ કેટલાક યુઝર્સને ગુસ્સો આવ્યો હતો અને તેમણે કમેન્ટ્સમાં પ્રશ્નો કર્યા હતા કે, રજિસ્ટ્રેશન કરાવ્યું? કયો સ્લોટ મળ્યો હતો? પરંતુ વિવાદ વધતો જોઈને ગીતા રબારીએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી ડિલીટ કરી નાંખી હતી. પરંતુ જ્યાં સુધી પોસ્ટ ડિલીટ થાય ત્યાં સુધીમાં વિવાદ વકરી ગયો હતો અને લોકોએ આ ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં ફરતા કરી દિધા હતા.
જો કે, સમગ્ર મામલે તંત્ર હરકતમાં આવ્યું છે, કર્મચારીને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે. ઘરે વેક્સીન લેવાનું ધ્યાને આવતા ફરજ પરના જવાબદાર વ્યક્તિનો આ અંગે ખુલાસા નોટીસ પણ મોકલવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, જવાબદાર અધિકારી દ્વારા કયા પ્રકારનો જવાબ રજૂ કરવામાં આવે છે.
કારણ કે, કાયદો અને નિયમ હંમેશા બધા જ લોકો માટે સરખા જ હોય. કારણ કે વેક્સિનેશન એ સરકારી કાર્યક્રમ છે, અને તેમાં કોઈપણ વ્યક્તિ માટે નિયમો સરખા જ હોય. વડાપ્રધાન, મુખ્યમંત્રી જેવા દિગ્ગજ નેતાઓએ પણ વેક્સિનેશન સેન્ટર પર જઈને જ વેક્સિન લીધી હતી.