પાસના પૂર્વ આગેવાન તેમજ હાલ ભાજપના સભ્ય રેશ્મા પટેલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને એક પત્ર લખ્યો છે. પત્ર લખીને રેશ્મા પટેલે પાટીદારોને અનામત અંગે સમર્થન કરવા અંગેની લેખિતમાં સ્પષ્ટતા કરવા કહ્યું છે.
પત્રમાં રેશ્મા પટેલે લખ્યું છે કે, ગુજરાતની ચૂંટણી પહેલા તે પણ PAASમાં કાર્યરત હતી. પરંતુ ચૂંટણી સમયે હાર્દિક પટેલનો ઝૂકાવ કોંગ્રેસ તરફ વધી જતાં તે ભાજપમાં જોડાઈ હતી. ચૂંટણી સમયે કોંગ્રેસે પાટીદારોને ઓબીસીમાં સમાવવામાં આવશે તેવી કોઈ લેખિતમાં ખાતરી આપી ન હતી. પાસમાં હતી ત્યારે પણ મારો ઉદેશ્ય પાટીદાર સમાજને અનામત મળે તે હતો અને આજે પણ એ જ છે.
25મી ઓગસ્ટથી હાર્દિક જ્યારે ઉપવાસ પર બેઠો હતો ત્યારે કોંગ્રેસના વિવિધ નેતાઓ તેને મળવા પહોંચ્યા હતા. આ સમયે પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. ભાજપ સરકાર કહી ચુકી છે પાટીદારોને ઓબીસીમાં અનામત ન મળે, તેમ છતાં કોંગ્રેસ એવું માને છે કે પાટીદારોને ઓબીસીમાં અનામત મળે. આ માટે કોંગ્રેસ પક્ષ તરફથી નીચેની બાબતે સ્પષ્ટ કરવામાં આવે.
1) કોંગ્રેસ પક્ષ લેખિતમાં જાહેર કરે કે પાટીદાર સમાજને ઓબીસીમાં અનામત મળવું જોઈએ. આ વાત સાથે કોંગ્રેસ સંપૂર્ણ રીતે સહમત છે.
2) કોંગ્રેસ પક્ષ પાસે પાટીદારોને ઓબીસીમાં અનામત આપવા અંગે જે ફોર્મ્યુલા છે તે જનતા અને સરકાર સમક્ષ જાહેર કરે.
3) પાટીદારોને અનામત મળે તે માટે કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પ્રાઇવેટ મેમ્બર બીલ પ્રસ્તાવ રજૂ કરે. આવો પ્રસ્તાવ મૂકી દીધો હોય તો જનતા સમક્ષ જાહેર કરે.