સુરતઃ જીવન સંગીની કરતાં વધુ સાથ,સંબંધ અને સમયનો સાથ આપનાર વ્યક્તિને સખા, મિત્ર કે ભાઈબંધના સંબંધનું નામ આપવામાં આવ્યું છે. વ્યક્તિની પોતાની ઉણપને પૂર્ણ કરી દુર્ગુણોની દરકાર ન લેતા સદગુણોને લક્ષ્માં રાખીને સજાવાયેલા સંબંધમાં બે વ્યક્તિ એટલી એકમેકની પૂરક બની જાય કે તે ભાઈ, ભાઈબંધ કે ભાગીદાર આ ત્રણેય સંબંધો એકાકાર જ લાગવા લાગે. આવી જ ભાઈબંધીની મિસાલ સુરતના ઉદ્યોગજગતમાં હિસાબોનું કામ એટલે સીએની પ્રેક્ટિસ કરતી જોડી રમાકાંત ગુપ્તા અને નિરજ બજાજમાં જોવા મળે છે. બન્ને મિત્રોએ શહેરમાં અનેક લોકોના હિસાબો રાખ્યા છે. કોઈને ખોટી સલાહ આપ્યા વગર લોકોને જાગૃત કરવાના અનેક કાર્યો પણ સતત કર્યા છે.
કોલેજકાળથી શરૂ થઈ દોસ્તી
ગુજરાતી ભાષામાં ઉક્તિ છે કે, શેરી મિત્ર સો મળે તાળી મિત્ર અનેક, પણ મિત્ર એવો કિજીયે.. આ ઉક્તિને ચરિતાર્થ કરતાં મૂળ રાજસ્થાનના વતની રમાકાંત ગુપ્તા અને નિરજ બજાજમાં જોવા મળે છે. સુરતને કર્મભૂમિ બનાવનારા રમાકાંત ગુપ્તાએ કહ્યું કે, અમારી બન્નેની દોસ્તી બહું જૂની છે. લગભગ પચ્ચીસેક વર્ષ પહેલાં જયપુરની કોમર્સ કોલેજમાં અમે સાથે હતાં. એક જ હોસ્ટેલની એક જ રૂમમાં રહેતાં હતાં. ત્યારબાદ મુંબઈમાં સાથે સીએ કર્યું હતું. આ દરમિયાન નિરજ બજાજે ઉમેર્યુ કેકહ્યું કે, મુંબઈથી મેં છ મહિના અગાઉ સીએ કમ્પલીટ કર્યું હોવાથી સુરત આવી ગયો હતો. અને એક નોકરી કરી એ દરમિયાન રમકાંત આવી ગયા અને અમે સાથે નવી ઈનિંગની શરૂઆત કરી હતી
.અતૂટ ભાઈબંધીમાં શરૂ થઈ ભાગીદારી
રમકાંતજીએ જણાવ્યું હતું કે, એ વર્ષ 2002નું હતું. નિરજજી મુંબઈથી સીએ પૂર્ણ કરી સુરત આવ્યાં. નોકરી કરતાં હતાં. એ દરમિયાન એક સજ્જનનો પરિચય થયો હતો. એમણે અમને દુકાન આપી હતી. અને અમે નાના પાયે બન્નેએ સાથે મળીને ઓફિસ શરૂ કરી હતી. ધંધામાં નીતિમત્તાના પારિવારિક વારસાને આગળ ધપાવવાનું શરૂ કર્યું હતું. નીતિમત્તા, પારદર્શિતા અને એક બીજા પ્રત્યેના ભરોસાના કારણે ક્યારે આટલા વર્ષો નીકળી ગયા તે ખબર પડી નથી. સુખઃ દુઃખ, તડકા-છાંયડા જે આવ્યાં તેને સાથે જ સ્વિકાર કરતાં ગયાં. આ દોસ્તી પાછળનું રહસ્ય સમજાવતાં બન્ને મિત્રોએ કુદરતી અંજળ, કે પૂર્વજન્મની લેણા-દેણી કે પછી એક બીજા પ્રત્યનું માન સન્માન તમે કંઈ પણ શકો.
નિરજજીએ કહ્યું કે, તેઓ(અનુભાઈ) મારાથી ઉંમરમાં છ મહિના નાના છે. સ્વભાવ થોડો ઉગ્ર કહી શકાય. જે કહેવું હોય તે મોં પર જ કહે છે. પાછળથી ન કહે. અને દીલ એકદમ સાફ એટલે કટુતા પછી ક્યારેય ન દેખાય. તેમને કામમાં પર્ફેકેશન જોઈએ. કામ પેન્ડિંગ હોય તો તેમને શાંતિ ન મળે. અને જપે પણ નહીં જ્યારે રમકાંતએ કહ્યું કે, તે શાંત છે. મારી ઉગ્રતાની ખબર છે એટલે કંઈ બોલાઈ ગયું હોય તો પણ ધીરજ રાખે અને મારાથી કોઈને કંઈ કહેવાઈ ગયું હોય તો પણ સંભાળી લે. આ તબક્કે બન્નેએ સાથે જણાવ્યું કે, એટલે જ કદાચ અમે એકબીજાના પૂરક છીએ.
એકબીજાને મનદુઃખ નથી થયા
‘બિપતિકાલ કર સતગુન નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા.’ (દુ:ખમાં પણ સાથ આપે તે મિત્રનો ગુણ છે. મિત્રતા તો એક રેશમી ઋણાનુંબંધ છે. એક ઉત્તમ અનુભવ છે. મૈત્રી એ તો શીતળ-મધુર છાંયડો છે)- સંત તુલસીદાસની આ પંક્તિ જાણે બન્નેની મિત્રતામાં ચરિતાર્થ થતી હોય તેમ જ્યારે બન્નેને પુછ્યું કે, ક્યારેક એકબીજાથી મન-દુઃખ થયા છે ખરા ત્યારે બન્ને સાથે જ કહ્યું કે, સ્વભાવ બન્નેના થોડા અલગ છે પરંતુ જતુ કરવાની ભાવના હોવાથી એવો એકેય પ્રસંગ પણ બન્યો નથી કે કહી શકાય. વળી એકાબીજાની એવી વાત પણ યાદ જ નથી રાખતા કે કટુતા આવે.
ભાઈબંધીની ભાગીદારીની છે ભાઈઓ જેવી
ભાઈબંધી બાદ ભાગીદારમાંથી ક્યારે ભાઈઓ જેવો સ્નેહ રચાઈ ગયો એ ખબર જ ન પડી હોવાનું કહેતા રમાકાંતજીએ કહ્યું કે મારી ધર્મપત્ની રીટા અને નિરજજીની પત્ની મીનાક્ષી એમ અમે તેમના કરતાં પણ વધારે સમય સાથે હોઈએ છીએ. સવારે નવ વાગ્યાથી લઈને સાંજેના સાત અને કોઈ કાર્યક્રમો હોય તેમાં પણ સાથે જ હોઈએ એટલે અમારા ધર્મપત્નીઓ પણ આ મૈત્રીમાં સાથ મળ્યો છે.
હરવા ફરવા પણ સાથે પરિવાર સાથે નીકળે
નિરજ બજાજએ જણાવ્યું હતું કે, આજે ભલે આ ઉંચાઈએ હોઈએ પરંતુ ગ્રાઉન્ડ લેવલથી શરૂ કર્યું ત્યારે રૂપિયા ખૂબ ઓછા હતાં. પરંતુ પ્રેમ આજના જેવો જ હતો. બન્નેએ સાથે મળીને પહેલું બાઈક લોન પર લીધું હતું. તેથી જ મનોરંજન હોય કે પ્રવાસ મોટાભાગે સાથે જ નીકળીએ. જેથી ક્યાંય અટવાઈએ તો રસ્તો પણ કાઢી લઈએ છીએ. બિચ, હિલ સ્ટેશન જેવી જગ્યાએ બન્નેને વધારે અનુકુળતાં આવે છે.