બે દિવસ બાદ ખેડૂતો માટે મોટી જાહેરાત કરીશું: નીતિન પટેલ

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું છે. આ માટે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ કરી છે. જેની સામે રાજ્યના ડે. સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે અમારી સરકારે ઘણાં મહત્વના કાર્યો કર્યા છે.

નીતિન પટેલે કહ્યું કે, વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ કરી કોંગ્રેસ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી કામગીરી સામે કોંગ્રેસ ભૂતકાળની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એકપણ વખત ખેડૂતો પર લાઠીચાર્જ કે ગોળીબાર કર્યો નથી. જ્યારે કોંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા છે. યુવા કોંગ્રેસીઓ અત્યારે હોદ્દેદારો છે તેમણે કોંગ્રેસનો ભૂતકાળ તપાસવો જોઇએ. કોંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી.

નીતિન પટેલે સરદાર સરોવર અંગે જણાવતા કહ્યું કે, ‘કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે કંઇ કર્યું નથી. સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. હાલ ખેડૂતોને મહત્તમ પાણી પહોંચે તેવા અમારા પ્રયત્નો રહ્યાં છે. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં 70થી 80% સબસિડી ખેડૂતોને આપી છે. કોંગ્રેસને સાચી રીતે ખેડૂતોના પ્રશ્ન ઉકેલવામાં રસ નથી પરંતુ કઇ રીતે રાજકીય લાભ લઇ શકે તે જ તરફ કામ કરે છે. તેઓ આવું કરીને રાજ્યની શાંતિ ડહોળી રહ્યાં છે. તેમણે ખેડૂતોની મદદ માટે સરકારના મંત્રીને મળીને તેનો કોઇ રસ્તો કાઢવો જોઇએ.’

તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસને ખેડૂતોના પ્રશ્નોને હલ કરવામાં રસ નથી પરંતુ કઇ રીતે રાજકીય લાભ લઇ શકે તે જ તરફ કામ કરે છે.’

નીતિન પટેલે કહ્યું કે, ‘ગુજરાતના ખેડૂતો અમારી સરકારની જાહેરાતોથી ખુશ છે. 2 દિવસ પછી ખેડૂતોને ફાયદો થાય તેવી જાહેરાત કરવામાં આવશે. હાલ ચોમાસું સત્ર ચાલે છે તેથી હાલ નહીં પરંતુ બે દિવસ પછી કરવામાં આવશે.

તેમણે આગળ જણાવતા કહ્યું કે, ‘અમે સવાસો કરોડ ગુજરાતીઓ માટે કામ કરીએ છીએ જ્યારે કોંગ્રેસ ચોક્કસ નાતી-જાતિમાં માટે જ કામ કરે છે. કોંગ્રેસ ખેડૂતો માટે નહીં પોતાની માટે અને મીડિયામાં આવવા માટે જ આ રેલી કરવામાં આવી રહી છે. ‘

નોંધનીય છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ તરફથી ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે નવ વાગ્યે શરૂ થવાનો હતો પરંતુ 10 વાગ્યા સુધી કાર્યક્રમ શરૂ થયો ન હતો. રેલીમાં મુકવામાં આવેલી ખુરશીઓમાં ક્યાંય સુધી પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ કોંગ્રેસ તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ લોકોને તેમના કાર્યક્રમ સુધી પહોંચવા નથી દેતી

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here