પ્રેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં આજે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું હતું. જે અંગે ભાજપના પ્રવક્તા આઈ. કે. જાડેજાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
આઇ. કે. જાડેજાએ આ અંગે વાત કરતા જણાવ્યું કે, “પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કેન્દ્ર ચિતીંત છે. પરંતુ કોંગ્રેસે જે પ્રકારે રાજકીય રોટલા શેકવા માટે ભારત બંધનું એલાન આપ્યું હતું, તેમાં બંધ એકદમ નિષ્ફળ રહ્યું છે. ગુજરાતીઓનું જનજીવન બરાબર ચાલ્યું હતું. ગુજરાતની જનતા કોંગ્રેસને આ પ્રકારનો ટેકો આપવા તૈયાર નથી. કોંગ્રેસે હિંસાત્મક રીતે, તોડફોડ કરીને કોઇને કોઇ રીતે પ્રચાર મીડિયામાં રેહવા માટે આ બધું કર્યું છે. લોકશાહીનો દુરૂપયોગ કરીને બંધને લોકો પાડે તેવા નિર્થક પ્રયાસો કર્યા છે. રસ્તા પર ટાયરો સળગાવીને ટ્રાફિકને પાંચ દસ મિનિટ રોકવાના પ્રયત્નો કર્યા છે.”
તેમણે આગળ જણાવતા કહ્યું કે, “અમે પેટ્રોલ ડીઝલના ભાવ અંગે ચિંચીત છીએ. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણું જોવાનું હોય છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય માર્કેટ, માંગ અને પુરવઠો, આંતરરાષ્ટ્રીય સ્થિતિના કારણે આ ભાવ વધ્યાં છે. જીએસટી માટે પણ એક કમિટિ બનાવવામાં આવી છે તેમાં પણ આ અંગે વિચાર થઇ રહ્યો છે.”
જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે આ ભાવવધારા સમયે પણ મનમોહન સિંહે જવાબ આપ્યો હતો કે, પૈસા ઝાડ ઉપર ઉગતા નથી. આવો જવાબ આપનારાઓ જ આંદોલન કરવા નીકળ્યાં છે. વર્ષ 2013માં પેટ્રોલ ડીઝલનો ભાવ 83. 62 રૂપિયા હતો. પછી નરેન્દ્રભાઇની સરકાર આવીને પેટ્રોલના ભાવ ઘટતા ગયા છે. હાલ ભાવને સ્થિર રાખવાની સ્થિતિ અંગે ચિંતા છે. કોંગ્રેસ પોતાનો ભૂતકાળ જુએ, મનમોહનસિંહનું શાસન જુએ અને તેમના શબ્દોને યાદ કરે. ગુજરાતની શાણી પ્રજાએ કોંગ્રેસના ભારત બંધને સંપૂર્ણ પણે જાકારો આપ્યો છે.
હાર્દિક પટેલ અંગે વાત કરતાં જણાવ્યું કે, “લોકશાહીમાં દરેક લોકો કોઇપણ પ્રકારનું આંદોલન કરી શકે છે. અનામતનો મુદ્દો હાર્દિક પટેલ પણ વીસરી રહ્યાં છે, કોંગ્રેસ પણ ખંડનાત્મક પ્રવૃત્તિ કરીને ગુજરાત કઇ રીતે અશાંત રહે તેવું કામ કરી રહી છે. કોંગ્રેસને એટલું જ કહેવું છે કે આ ગુજરાત છે તેમણે ક્યારેય ગુજરાતનું અહીત કરનારાને કદીયે સ્વિકાર્યા નથી.