IBએ ગુમ PSIને જ ગણાવ્યા આરોપી, કહ્યું- ‘હાજર થઇ રજૂ કરી શકે છે પક્ષ’

ગાંધીનગરની રાંદેસણની શુકન હાઇટ્સ સોસાયટીમાં રહેતા પીએસઆઈ અનિલ જોધભાઈ પરમાર મંગળવારે સવારે 10.30 વાગ્યે નોકરી પર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હતા. આ મામલે IBએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં IBના વડા આર બી બ્રહ્મભટ્ટે વાત કરતાં જણાવ્યું કે પીએસઆઇ અનિલ હાજર થઇને પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. સાથે જ તેઓએ જણાવ્યું કે પૈસાની લેતી દેતી મામલે ખાતાકીય તપાસના આદેશ હતા. પીએસઆઇને સો-કોઝ નોટિસ પાઠવવામાં આવી હતી.

ગાંધીનગર ખાતેથી ઇન્ટેલીજન્સ બ્યૂરોમાં ફરજ બજાવતા પીએસઆઇ અનિલ જોધાભાઇ પરમારે ચીઠ્ઠી લખી ગુમ થઇ ગયા છે, ચીઠ્ઠીમાં તેઓએ ઉપરી અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યા બાદ ઇન્ટેલીજન્સ બ્યૂરોના વડા આર બી બ્રહ્મભટ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે પીએસઆઇ અનિલ પરમાર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે.

અધિકારીઓએ પીએસઆઇ અનિલ પર જ લગાવ્યા આરોપ

એક તરફ પીએસઆઇ અનિલે ચીઠ્ઠી લખી ઉપરી અધિકારીઓને પોલ ખોલી છે, તો બીજી બાજુ ઇન્ટેલીજન્સ બ્યૂરો દ્વારા પીએસઆઇ પર જ આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું કે પીએસઆઇ અનિલની ગેરકાયદે પ્રવૃતિઓમાં સંડોવણી હતી. આ કારણે તેઓની અનેક વખત બદલીઓ કરાઇ હતી. પીએસઆઇ અનિલ ખંભાળિયામાં ફરજ પર હતા ત્યારે તેમનો પૈસાની લેતી દેતી મામલે વિવાદ થયો હતો. આ મામલે ખાતા તરફથી પીએસઆઇ વિરુદ્ધ સો કોઝ નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી.

ઇન્ટેલીજન્સ બ્યૂરોના વડા આર બી બ્રહ્મભટ્ટનું કહેવું છે કે પીએસઆઇ અનિલ હાજર રહી પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. હાલ તો પીએસઆઇ અનિલની LCB દ્વારા શોધખોળ ચાલી રહી છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા જ સુરતમાં એક પીએસઆઇએ ઉપરી અધિકારીઓના ત્રાસના કારણે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. ત્યારે ફરી એકવાર અન્ય પોલીસકર્મીએ કંટાળી ગુમ થઇ ગયા છે, ત્યારે હાલ સમગ્ર ડિપાર્ટમેન્ટ પર આંગળી ચિંધાઇ રહી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here