અમદાવાદમાં કચરાનું કૌભાંડ: કચરાથી કરોડોની આવક થતા કોન્ટ્રાક્ટરો બેફામ

અમદાવાદ: અમદાવાદ શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સહિતની ગાડીઓ કચરો ઉપાડવા કોન્ટ્રાક્ટ પર મૂકવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારોમાં કચરો ઉપાડવા પણ ગાડીઓ આવતી ન હોવાની પણ ફરિયાદો વધી રહી છે.

જાહેર માર્ગો પર તેમજ તંત્ર દ્વારા લગાડવામાં આવેલા સૂકા-ભીના કચરાના ડબ્બામાંથી પણ કચરો ઉપાડવામાં આવતો ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે. તેવામાં કેટલાક ગાડીવાળાઓ ડોર ટુ ડોર ગાર્બેજનો વજન વધારવા માટે ગાડીમાં કચરાની સાથે માટી પણ ભરતા હોવાની ફરિયાદ સામે આવી છે સાથે જ શહેરમાં કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટરોની ગાડીઓએમાં કચરાનું વજન વધારવાના વીડિયો પણ વાયરલ થઇ ચૂક્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે ફરી એકવાર બેફામ બન્યા છે.

થોડા સમય પહેલા જ ગોમતીપુર વોર્ડના એક જાગૃત નાગરિક દ્વારા ખાલી જગ્યાઓમાં ભરેલી માટી સહિત કાટમાળ ગાડીમાં ભરીને ગાર્બેજનો વજન વધારી રહ્યા છે તેવી જાણકારી આપી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતાં લોકોમાં રોષની લાગણી વ્યાપી ગયો હતો. છતા સ્થિતિ ઠેર ની ઠેર જોવા મળી રહી છે.

શહેરના અનેક વિસ્તારોમાં યોગ્ય સફાઈ થતી ન હોવાને કારણે ઠેર ઠેર કચરાના ઢગલાં જોવા મળતા હોય છે. જેના કારણે હર હંમેશ સફાઈ માટેની ફરિયાદો ઊઠતી હોય છે. તેવામાં કચરો ઉપાડવાની જગ્યાએ કચરો ઉપાડનારી ગાડીઓ માટી સહિત કાટમાળ સહિત પથ્થરો ભરીને ગાડીનું વજન વધારવામાં આવતો હોવાનું ફરી એકવાર જાગૃત નાગરિક દ્વારા માલુમ પડ્યું છે.

ડોર ટુ ડોર સહિતની ગાડીઓમાં માટી સહિતનો કાટમાળ ભરતા હોવાની ફરિયાદો ઇનેકવાર થઇ છે. પરંતુ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સહિત ગાડીઓ વાળા પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાને કારણે બેફામ બન્યા છે. તંત્રને અનેક ફરિયાદો કર્યા બાદ પણ તંત્રના પેટનું પાણી પણ હલતું ન હોવાની ફરીયાદો ઊઠી છે. તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરો સહિત ગાડી વાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર લોકમાગ ઊઠવા પામી છે.

આ અગાઉ અમદાવાદ મનપાની ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની જુહાપુરા વિસ્તારમાં ગાડી ચલાવતા કિશોરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. શહેરની મોટા ભાગની ગાડીઓ પર નાની-નાની વયના છોકરાઓ ગાડીઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થતાં મોટર વ્હિક્લ એક્ટના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેવું સાબિત થઈ રહ્યું છે.

અમદાવાદના સાત ઝોનના 48 વોર્ડના વિવિધ વિસ્તારોમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રકારના વાહનો ખાનગી કોન્ટ્રાકટરોને કચરો એકઠો કરી પિરાણા ખાતે આવેલી મુખ્ય ડમ્પ સાઈટ ખાતે પહોંચાડવાનો કોન્ટ્રાકટ આપવામા આવેલો છે. જેમા મોટા ભાગની ગાડીઓમાં ડ્રાઇવરો પાસે લાઇસન્સ નથી તો ઘણી ગાડીઓની હાલત એટલી ખરાબ હોય છે કે ગમે તે ઘડીએ અકસ્માત સર્જાઇ શકે છે. ત્યાં જ કેટલીક ગાડીઓમાં તો એક સાથે ચારથી પાંચ લોકો બાળકોને લઇ બેઠા હોય છે. કચરાના પૈસામાંથી કમાણી કરતા કોન્ટ્રાક્ટરોને મજૂરોને કંઇ પડી ન હોય તેમ તેમને તેમના હાલ પર છોડી દીધા છે.

ખરેખરમાં ડોર ટુ ડોર કચરાના કલેક્શનમાં માત્ર ઘરે-ઘરે જઇને કચરો લેવાનો હોય છે, પણ જેની પાસે આ કોન્ટ્રાક્ટ છે તે કંપનીની ગાડીઓ રોડ ઉપરથી કચરો લે છે, કિચન વેસ્ટ કચરો છે કોમર્શિયલ કચરો પણ લે છે, જે યોગ્ય નથી આવી રીતે તેઓ ગાડીનો વજન વધારીને વધુ પૈસા કોર્પોરેશન પાસે વસુલીને કૌભાંડ આચરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડોર ટુ ડોર કચરાની ગાડીમાં પથ્થર નાંખીને કચરાનું વજન વધારવાની ઘટનાઓ આ પહેલા પણ બની ચૂકી છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી ન કરવાના કારણે કૌભાંડી કોન્ટ્રાક્ટરો સુધાવાનું નામ નથી લેતા. માર્ચ 2019માં ભજપના મહિલા કોર્પોરેટર હીના પરમારની સોસાયટીની સામેથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્ટ કરતી ગાડીમાં રેતી અને પથ્થરો ભરવામાં આવ્યા હોવાની ઘટનાં સામે આવી હતી. ત્યારે પણ ગાડીને સીઝ કરીને કોન્ટ્રકટર સામે કડક કાર્યવાહી કરવાની બાહેધરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. આ ઘટના પહેલા જુલાઈ 2018માં અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારની ગાર્બેજ કલેક્શન કરતી ગાડીમાં કચરાનું વજન વધારવા માટે ડ્રાઈવર કચરા પર પાણી છાંટતો પકડાઈ ગયો હતો. ત્યારે પણ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ ગાડી જપ્ત કરીને કોન્ટ્રકટરને નોટીસ આપવાની કામગીરી કરવામાં આવી હતી.

Scroll to Top