ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા પર જૂતાનો પ્રહાર કરનાર ગોપાલ ઈટાલીયાએ સ્ફોટક નિવેદન જાહેર કરીને પાટીદાર સમાજના લોકોને કહ્યું હતું કે, તમે યાદ રાખજો કે તમે દલિતો વિશે ભલે ગમે તેમ બોલ્યા પણ સમય આવ્યે જિગ્નેશ મેવાણીએ હાર્દિક પટેલની બે વાર મુલાકાત લીધી અને મજબૂત સમર્થન આપ્યું છે.
તમે યાદ રાખજો તમે અનામત વિશે નકારાત્મક બોલ્યા પણ તમારી મુશ્કેલીનાં સમયમાં ભારતરત્ન બાબા સાહેબનાં પૌત્ર શ્રી પ્રકાશ આંબેડકરે પણ આજે હાર્દિકની મુલાકાત લીધી અને મજબૂત સમર્થન આપ્યું છે.
યાદ રાખજો કે તમે ગોધરાકાંડમાં હિન્દુત્વનાં નશામાં ગમે તેવી હિંસા કરી પણ આજે તમારી સાથે અન્યાય થયો ત્યારે મુસ્લિમોએ હાર્દિક પટેલ માટે દુઆઓ, બંદગીઓ, નમાજો અને પ્રતીક ઉપવાસનાં કાર્યક્રમો કર્યા છે. હવે ખાસ યાદ રાખજો કે તમારા પૈસે જલસા કરતા અને દેશ વિદેશમાં મજા કરતા એકેય કથાકાર તમારા હક્ક માટે લડતા છોકરા હાર્દિકની હાલત પૂછવા આવ્યા નથી. તમે જે-જે મંદિરોમાં પૈસા નાંખીને દેશ-વિદેશમાં મંદિરો બનાવ્યા એ પરમપૂજ્યો અને પ્રગટ બ્રહ્મસ્વરૂપો તમારા બાળકોનાં ભવિષ્ય માટે લડી રહેલા હાર્દિકને મળવા આવ્યા નથી.
તમે એ પણ યાદ રાખજો કે તમે જેના પગમાં આળોટ્યા અને ખૂબ પૂજાઓ કરી એ તમારા ગુરુઓ, બની બેઠેલા ધર્મનાં ઠેકેદારોને તમારા પ્રશ્નો સાથે કોઈ લેવાદેવા નથી. તમે એ પણ યાદ રાખજો કે જેને તમે દાન-દક્ષિણા-પૈસા-રૂપિયા આપીને ખૂબ માથે ચડાવ્યા એ આજે તમારી સાથે તો નથી પણ તમારો બેફામ વિરોધ કરી રહ્યા છે.
આજે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો તમારા વિરોધમાં નથી એટલું યાદ રાખજો અને ‘વખત આવ્યે માણસ પરખાય’ આ આપણા વડીલોની કહેવત હતી ત્યારે દોસ્તો આપણી મુસીબતનાં સમયમાં કોણ સાથે છે અને કોણ વિરોધમાં છે એ બરાબર મગજમાં ફીટ કરી દેજો. હાર્દિક પટેલ 1 લાખવાર ખરાબ છે પણ ભાજપ કરતા 1 કરોડ વાર સારો છે. ખરો સમય છે, ઓળખાય એટલાને ઓળખી લેજો મિત્રો અને હજુ આ બધું તમે જો ન સમજી શકો તો તમારી બુદ્ધિને સલામ છે અને વિશેષમાં કંઈ કહેવાનું રહેતું નથી