ભાવનગર શહેરમાં 50થી વધુ સ્થળોએ GST વિભાગના દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જો કે, બોગસ બિલિંગ સાથે સંકળાયેલા કેટલાક સ્થાનિક લોકોએ જીએસટીના અધિકારીઓને તમામ માહિતી આપી દેતા બોગસ બિલિંગ કરતા મોટા માથાઓની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો છે. જેથી તમામ મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ભાવનગરમાં જીએસટી વિભાગની ટીમો દ્વારા આજે વહેલી સવારે કુંભારવાડા વિસ્તારમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, આ વાતની મોટા મોટા વેપારીઓને જાણ થતા તેઓ તાત્કાલિક પોતાના ધંધોઓ બંધ કરી ફરાર થઈ ગયા હતા. જીએસટી વિભાગે આખો દિવસ આમથી તેમ ગાડીઓ દોડાવ્યે રાખી છતાં કોઈ ખાસ હાથ નહોતું લાગ્યું.
કુંભારવાડા વિસ્તારમાં બોગસ બિલિંગના ચાલતા કાળા કારોબાર પકડવા સ્ટેટ જીએસટીની અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની ટીમોના 80 જેટલા કર્મચારીઓ 30 જેટલા વાહનો સાથે 50થી વધુ સ્થળો પર ત્રાટક્યા હતા, અને મોડી રાત્રી સુધી ઓપરેશન ચાલુ રાખ્યું હતું.
દરોડા દરમ્યાન અધિકારીઓએ શહેરના નવાપરા વિસ્તારના બિચ્છું નામના શખ્સને ઝડપી લીધી હતો. પરંતુ તે ટીમને અન્યની માહિતી આપવાના બહાના તળે અધિકારીઓ પાસેથી છટકી ગયો હતો. ત્યારે અધિકારીઓએ તેની જગ્યા પર તેના ભાઈને ઉઠાવી લીધો હતો.
જયારે સ્ટેટ જીએસટી વિભાગની ટીમો વહેલી સવારે નદીમ અમિપરાને શોધવા પહોંચી ગઈ હતી. પરંતુ આ વાત લાઈક થઈ જતાં શહેરમાં બોગસ બિલિંગ અને ખોટી વેરા શાખા સાથે સંકળાયેલા વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.