ભ્રષ્ટાચારી અધિકારીઓને ખુલ્લા પાડવા ગુજરાત એસીબીએ એક નવતર પહેલ શરૂ કરી છે. ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા ભ્રષ્ટ અધિકારી વિશે માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અપ્રમાણસર મિલકત ધરાવતા કોઈપણ સરકારી કર્મચારી વિશે માહિતી આપનાર વ્યક્તિને ૨૫ લાખ સુધી ઈનામ આપવાની જાહેરાત કરી છે.
અપ્રમાણસર મિલકત ધરાવતા કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી વિશે માહિતી આપનારને રૂપિયા ૨૫ લાખ સુધીનું ઈનામ આપવામાં આવશે. તેમજ જે અંગે માહિતી આપનારનું નામ અને તેની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો
રાજ્યમાં જ્યારે ભ્રષ્ટ્રાચારે માઝા મુકી છે. સરકારી બાબુઓ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભ્રષ્ટાચારથી સરકાર અને વહિવટીતંત્ર પણ ભીસમાં મુકાઈ જાય છે. ત્યારે, હવે સરકારે તે અંગે સજાગ બનીને આવા ભ્રષ્ટાચારીઓને ઉઘાડા પાડવા એન્ટી કરપ્શન બ્યૂરોમાં વ્યાપક ભરતી કરવા કમર કસી છે. તેમજ લોક ભાગીદારી દ્વારા ભ્રષ્ટાચાર નિવારવા કદમ ઉઠાવવા પ્રયાસ કર્યો છે.
લાંચિયા અધિકારીઓનો ઝડપવા કઠીન
એન્ટી કરપ્શન બ્યૂરોને લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા તેમજ ભ્રષ્ટ અધિકારીઓને શોધી કાઢવા ઘણું જ અઘરું કામ હોવાથી ભ્રષ્ટ કર્મી-અધિકારી વિશે માહિતી આપનાર માટે માતબર ઈનામની જાહેરાત કરવામાં આવી છે. એસીબી આવા ભ્રષ્ટ અધિકારીઓ પર બાજ નજર રાખી તેમના વહેવારોને તપાસવાની અને તેમના પર નજર રાખવાની કામગીરી કરશે.
સામાન્ય રીતે રાજકીય દબાણ કે વગના કારણે તપાસ અધિકારીની જ બદલી કરી નાખવામાં આવે છે. અથવા દબાણવશ અધુરા પુરાવાના કારણે કેસને તોડી નાખવામાં આવતો હોય છે. રાજ્યના વહીવટી તંત્રમાં જ વધેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે સરકાર કટીબદ્ધ બની કેટલી સફળતા મેળવે છે તે હવે પછી લેવાનાર આકરાં પગલાં અને ભ્રષ્ટાચારના કેસો અને તપાસ પરથી ખ્યાલ આવશે.
અગાઉ પણ 10 ટકા ઈનામ પેટે આપવાની થઈ હતી જાહેરાત
કોઈપણ નાગરિક પાસે સરકારી વિભાગના અધિકારી કે આડતિયા દ્વારા લાંચની માંગણી કે આડકતરી રીતે વ્યહવાર કરવાનું કહેવામાં આવે અથવા કામના બદલામાં ગેરકાનુની નાણાં માંગવામાં આવે તો એસીબીનો સંપર્ક કરી શકાય છે. જેમાં આવા લાંચિયા અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકત ઝડપાશે તો માહિતી આપનાર ઈનામના હકદાર બનશે.
આ અગાઉ ઇન્કમટેક્ષ વિભાગે પણ આ પ્રકારની યોજના અમલી બનાવી ભ્રષ્ટાચારને નાથવા ૧૦ ટકા ઈનામની જાહેરાત કરી હતી. તેમાં ઈન્કમટેક્સ ચોરી કે સરકારી અધિકારીઓની અપ્રમાણસર મિલકત મુદ્દે માહિતી આપનારને લાંચિયા અધિકારી પાસેથી જે બેહિસાબી મિલકત મળે તેના દસ ટકા ઇનામ પેટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું
રાજ્યના દરેક વિભાગો અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ વધી ગયું છે. કાનુની છટકબારીઓ અને ટેક્નિકલી છેડછાડ કરવા ઉપરાંત આકાઓના આશિર્વાદના કારણે ભ્રષ્ટાચાર વધી ગયો છે. ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવનાર કે પગલાં લેનારને કોઈપણ રીતે ચૂપ કરી દેવામાં આવે છે. ત્યારે, હવે સરકારની આ નવી પહેલ કેટલી કારગત નિવડશે તે જોવું રહ્યું.