ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડ (ATS)ને રવિવારે એક મોટી સફળતા મળી છે. ATS ની ટીમે બોટાદના જંગલમાંથી એક નામચીન ડૉનને ઝડપી લીધો છે. ખાસ વાત એ છે કે, આ ઓપરેશન ગુજરાત એટીએસ ટીમની 4 મહિલા પોલીસકર્મીઓએ પાર સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
ગેંગસ્ટરનું અહમ તોડવા માટે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ ચાર મહિલા અધિકારીઓને તેની ધરપકડની જવાબદારી સોંપી હતી. અને આ ચાર વિરાંગનાઓએ જાબાજ પુરૂષ પોલીસ અધિકારીઓ માટે પણ માથાનો દુખાવો બની ગયેલા કુખ્યાત આરોપીની બહાદુરી અને ચતુરાઈ પૂર્વક ધરપકડ કરી એક પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત એટીએસની ટીમે જૂનાગઢના કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખાની ધરપકડ કરી હતી. આ કુખ્યાત આરોપી રાજકોટમાં એક યુવાનની હત્યાના ગુનામાં વોન્ટેડ હતો, આ સિવાય તેની પર લૂંટ, ધાડ અને સરકારી કર્મચારી પર હુમલા જેવા અન્ય 23 ગુનામાં નોંધાયેલા હતા, પરંતુ પોલીસની પકડથી તે ઘણો દૂર રહ્યો, આખરે ફરાર કુખ્યાત જુસાબ અલ્લારખ્ખાને ચાર બહાદુર મહિલા એટીએસ અધિકારીઓની ટીમે બોટાદ નજીક દેવગઢ ગામના ડુંગરાળ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.
જુસાબ અલ્લારખા બોટાદના જંગલોમાં છુપાઈને બેઠો હતો – તમને જણાવી દઈએ કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, કુખ્યાત આરોપી જુસાબ અલ્લારખા બોટાદના જંગલોમાં છુપાઈને બેઠો છે, સાથે અહીં કેટલીક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે, આ માહિતી બાદ ATS ના ડીઆઇજી હિમાંશુ શુક્લાએ એક ટીમ બનાવી, જેમાં ઓપરેશનને પાર પાડવા ચાર મહિલા પીએસઆઇ સંતોક ઓડેદરા, પીએસઆઈ નિત્મિકા ગોહિલ, પીએસઆઈ અરૂણા ગામેતી અને પીએસઆઈ શકુંતલા મલેને જવાબદારી સોંપવામાં આવી.
મહિલા પીએસઆઈ ટીમે ચતૂરાઈ પૂર્વક ગઈ કાલે રાત્રે બોટાદના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કકર્યું, ત્યારે આ જંગલમાં જૂનાગઢનો કુખ્યાત વોન્ટેડ જુસાબ અલ્લારખા જોવા મળ્યો. મહિલા ટીમે બહાદુરી પૂર્વક તેને ઝડપી છઠ્ઠીનું ધાવણ યાદ દેવડાવી ઘૂંટણીએ પાડી દીધો.
કહેવાય છે કે, પોલીસ ખાતુ હોય કે, અન્ય કોઈ વિભાગ જેમાં મહિલા કર્મચારી ઓફિસ વર્ક કરવાનું વધારે પસંદ કરતી હોય છે, ત્યારે એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ આ મહત્વપૂર્ણ ઓપરેશન માટે ચાર બહાદુર મહિલા ટીમને જવાબદારી સોંપી અને ચારેય મહિલા પીએસાઈએ જૂનાગઢના કુખ્યાત ગુનેગાર જુસાબ અલ્લારખાને ઝડપી પાડીને સમાજમાં દાખલો બેસાડ્યો. તમને એ પણ જણાવી દઈએ કે, સંતોકબેન આડેદરાએ બે દિવસ પહેલા પણ બે આરોપીઓને બહાદુરીથી ઝડપ્યા હતા. ધોરાજીના પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ભાડેરના જીવન સાંગાણીની હત્યા કેસમાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પકડ્યા હતા.
કોણ છે જુસબ અલ્લારખા? – જુસબ અલ્લારખા વિરુદ્ધ રાજ્યના વિવિધ જીલ્લાના પોલીસ સ્ટેશનોમાં ખુન, લૂંટ, ધાડ, સરકારી નોકર પર હુમલો કરી પોલીસ પકમાંથી નાસી જવા જેવા 23 જેટલા ગુના નોંધાયેલા હતા. તે જુનાગઢ જીલ્લાના રવનીનો રહેવાસી છે. જુસબ રીઢો ગુનેગાર અને હથિયારો સાથે ગુના કરતા સહંજ પણ અચકાતો ન હતો.
પોતાના ગુનાહિત ઈતિહાસની ધાક બતાવી જમીન ખાલી કરાવવા અને ખંડણી માંગતો હતો. તેણે પોલીસ પર પણ ફાયરિંગ કરી હત્યા કરવાનો પ્રયાસ કરેલો છે. જુસબ અલ્લારખ્ખા છેલ્લે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ નાસતો ફરતો હતો. તે જંગલ વિસ્તારોમાં ઘોડી તથા મોટરસાઈકલ ઉપર છુપાતો ફરતો હતો, જેને લઈ પોલીસ માટે તેને પકડવો મુશ્કેલ થઈ ગયો હતો, આખરે તેને પકડવાનું કામ ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યું હતું.