નીરવ મોદી, મેહુલ ચોક્સી અને વિજય માલ્યા પછી હવે ગુજરાતના બિઝનેસમેન નીતિન સંડેસરા હવે દેશ છોડીને નાઇજિરીયા ભાગી ગયો હોવાની ખબર પડી છે. સ્ટર્લિંગ બાયોટેકના માલિક નીતિન સંડેસરા પર 5 હજાર કરોડ રૂ.ના બેંક ગોટાળાનો આરોપ છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે નીતિન દુબઈમાં છે પણ ઇડી અને સીબીઆઇના સુત્રો પ્રમાણે તે નાઇજિરીયા ભાગી ગયો છે.
મીડિયા રિપોર્ટપ્રમાણે ઇડી અને સીબીઆઇના સુત્રોએ જણાવ્યું છે કે નીતિન, ભાઈ ચેતન સંડેસરા, ભાભી દિપ્તી સંડેસરા અને પરિવારના અન્ય સભ્યો નાઇજિરીયામાં હોવાની માહિતી મળી છે પણ એને કોઈ સત્તાવાર સમર્થન નથી મળ્યું. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે નીતિનને દુબઈમાં યુએઇ ઓથોરિટીએ કસ્ટડીમાં લીધો હતો. જોકે પછી આ સમાચાર ખોટા સાબિત થયા હતા. હવે માહિતી મળી છે કે નીતિન અને તેનો પરિવાર ઘણા સમય પહેલાં નાઇજિરીયા ભાગી ગયો છે.
સાંડેસરા પરિવાર કઈ રીતે પહોંચ્યો નાઈજીરીયા?
15 ઓગસ્ટે એવી માહિતી મળી હતી કે નિતિન સાંડેસરાને UAE ઓથોરિટીએ પકડ્યો છે, પરંતુ બાદમાં આ સમાચાર ખોટાં નીકળ્યાં હતા. જે બાદ એવી વાત સામે આવી કે નિતિન સાંડેસરા અને તેમનો પરિવાર ઘણાં સમય પહેલાં જ નાઈજીરીયા ભાગી ગયો છે. જો કે તપાસ એજન્સીઓએ UAI ઓથોરિટીને સાંડેસરાની ધરપકડ માટે આવેદન આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સાંડેસર પરિવાર વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હજુ સુધી તે વાતની જાણકારી નથી મળી કે સાંડેસરા પરિવાર ભારતીય પાસપોર્ટની સાથે નાઈજીરીયા પહોંચ્યા છે કે પછી અન્ય કોઈ દેશનાં પાસપોર્ટની સાથે.
5,383 કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટર
નિતિન અને તેમનો ભાઈ ચેતન સાંડેસરા વડોદરાની સ્ટર્લિંગ બાયોટેકના ડાયરેકટર છે. કંપનીએ બેંકો પાસેથી 5,383 કરોડ રૂપિયાની લોન લીધી. જો કે બાદ આ લોન NPAમાં બદલાઈ ગયું છે.
આંધ્ર બેંકના નેતૃત્વવાળી બેંકોના કંસોર્શિયમના સ્ટર્લિંગ બાયોટેકને લોન આપી હતી. આ મામલે નેતાઓ અને મોટાં અધિકારીઓની સાંઠગાંઠ પણ સામે આવી હતી. CBIએ ઓક્ટોબર, 2017માં સાંડેસર બ્રધર્સ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બંને ભાઈઓ ત્યારથી જ ફરાર છે. EDએ તેમના વિરૂદ્ધ મની લોન્ડરિંગની પણ તપાસ કરી રહ્યું છે. CBIએ નિતિનના પરિવારના સભ્યો સહિત અન્ય લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં સ્ટર્લિંગ બાયોટેકના ડાયરેકટર રાજભૂષણ ઓમપ્રકાશ દીક્ષિત, વિલાસ જોશી, ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમંત અને આંધ્રા બેકના પૂર્વ ડાયરેકટર અનુપ ગર્ગ સામેલ છે.

દીક્ષિત અને ગર્ગની જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે દિલ્હીના એક વેપારી ગગન ધવનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટર્લિંગ બાયોટેકની 4,700 કરોડ રૂપિયાની સંપત્તિ પણ અટેચ કરવામાં આવી છે.
લોન માટે કંપનીના રેકોર્ડમાં કરી હતી હેરાફેરી
CBIની FIR મુજબ વધુમાં વધુ લોન લેવા માટે સ્ટર્લિંગ બાયોટેકના ડાયેરકટર્સે કંપનીના રેકોર્ડમાં હેરાફેરી કરી હતી. ખોટાં દસ્તાવેજ તૈયાર કરી બેલેન્સ શીટમાં ગરબડ કરી હતી. કંપનીનું માર્કેટ કેપ પણ ખોટું દેખાડવામાં આવ્યું. ટર્નઓવર અને ટેક્સના આંકડા પણ વધારીને રજૂ કરાયાં. સાંડેસરા બ્રધર્સે દુબઈ અને ભારતમાં 300થી વધુ બેનામી કંપનીઓની મદદથી રકમ હેરફેર કરી હતી.
31 માર્ચ 2009નાં રોજ પૂરાં થતા નાણાંકિય વર્ષમાં 50 કરોડ રૂપિયાની ખરીદી કરી પરંતુ ખાતામાં 405 કરોડ રૂપિયા દેખાડવામાં આવ્યાં. નાણાંકીય વર્ષ 2007-08માં ટર્નઓવર 304.8 કરોડ રૂપિયા રહ્યાં. પરંતુ આવકવેરા રિટર્ન અને બેલેન્સ શીટમાં 918.3 કરોડના ટર્નઓવરની જાણકારી આપી. CBI મુજબ સ્ટર્લિંગ બાયોટેકમાં મની લોન્ડરિંગ અને ઈનસાઇડર ટ્રેડિંગ ચાલી રહ્યું હતું. સાંડેસરા ફેમિલીના અનુપ ગર્ગને કુરિયરની મદદથી અનેક વખત રૂપિયા મોકલ્યાં હતા.
સાંડેસરા પરિવારનું સામ્રાજ્ય
નિતિન સાંડેસરાએ દવા વેચવાના કામથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી હતી. જે બાદ ઓઈલ, રિયલ એસ્ટેટ સહિત અનેક ઉદ્યોગોમાં હાથ અજમાવ્યાં હતા. સાંડેસરાનો બિઝનેસ નાઈજીરીયા, UAE, બ્રિટિશ વર્જિન આઈલેન્ડ, અમેરિકા, સેશલ્સ અને મોરેશિયસમાં ફેલાયેલો છે.
નાઈજીરીયામાં તેના ઓઈલના કુવાની પણ વાત થઈ રહી છે. થોડાં સમય પહેલાં EDએ સ્ટર્લિંગ બાયોટેકના દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ અને સુરત સહિત દેશના વિભિન્ન શહેરોના 50 ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા હતા.
CBI અને EDએ વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેકના ડાયરેકટર નિતિન, ચેતન અને દિપ્તી સાંડેસર, રાજભૂષણ ઓમપ્રકાશ દીક્ષિત, વિલાસ જોશી, ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમંત હઠી, આંધ્ર બેંકના પૂર્વ ડાયરેકટર અનુપ ગર્ગ અને અજ્ઞાત લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.