કોરોનાની વધતી ઝડપ: ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ 1 લાખને પાર

ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં કોરોના સંક્રમણને કારણે 81 લોકોના મોત થયા છે. જયારે કોરોનાના 169831 નવા કેસ નોંધાયા છે, સક્રિય કેસોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. આજે ફરી એકવાર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસની સંખ્યા 25,000ની નજીક પહોંચી ગઈ છે. ગુરુવારે રાજ્યમાં કોરોનાના 24,485 નવા કેસ નોંધાયા છે અને કોરોનાએ આ સમયગાળા દરમિયાન 13 લોકોના જીવ લીધા છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધુને વધુ ભયાનક બની રહ્યું છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટના કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 24,485 કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેરની પીક પણ તૂટતી દેખાઈ રહી છે. 18 જાન્યુઆરીએ રાજ્યમાં 17,119 કેસ નોંધાયા હતા, 19 જાન્યુઆરી સુધીમાં 20,966 કેસ નોંધાયા હતા. આમ માત્ર ત્રણ દિવસમાં 62,550 નવા કેસ નોંધાયા છે.

સૌથી વધુ સંક્રમણ રાજ્યના મહાનગરોમાં છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 9,837 કેસ નોંધાયા છે. સુરતમાં પણ 2,981 નવા દર્દીઓ મળી આવ્યા છે. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 2,823 નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 1,333 કેસ નોંધાયા છે. રાજ્યના અન્ય શહેર-જિલ્લાઓમાં સામે આવેલા કોરોનાના કેસો પર નજર કરીએ તો. સુરત જિલ્લામાં 728, આણંદમાં 557, ભાવનગરમાં 529, ગાંધીનગરમાં 509, જામનગરમાં 471, વલસાડમાં 446 અને ભરૂચમાં 408 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાં 371, મહેસાણામાં 346, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમાં 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢમાં 129 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાએ એક જ દિવસમાં 13 દર્દીઓના મોત નીપજ્યા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7, સુરતમાં 2 અને જામનગર-ગાંધીનગરમાં 1-1 મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 10,310 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. અત્યાર સુધીમાં 8.86 લાખથી વધુ લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 1 લાખ 4 હજાર 888 એક્ટિવ કેસ છે, જેમાંથી 156 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 4 હજાર 732 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

Scroll to Top