હાલમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) દ્વારા શુક્રવારના રોજ એક પ્રેસ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યુ હતું કે, સીઝનમાં ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનું પ્રમાણ ઘણું ઓછું છે અને આ કારણે SSNNL નર્મદા વિસ્તારમાં 15મી માર્ચ પછી સિંચાઈ માટે પાણી નહીં આપે.
નર્મદા કંટ્રોલ ઓથોરિ્ટી દ્વારા આ મતલબની જાહેરાત કરતા ગુજરાત ખેડૂત સમાજ વિફર્યો છે અને એણે ઓથોરિટીના નિર્ણય સામે અવાજ ઉપાડવાનું નક્કી કર્યુ છે. ખેડૂતોએ જણાવ્યું છે કે તેઓ ઉનાળુ પાકને સિંચાઇનુ પાણી આપવા જરૂર પડશે તો કાયદાકીય લડાઇ પણ લડશે તેમજ આ્ર મામલે આંદોલનાત્મક માર્ગ પણ અપનાવી શકે છે. ખેડૂત સમાજનો આક્ષેપ છે કે ખેડૂતોની સિંચાઇના ભોગે ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે.
SSNNL દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જો તેમની પાસે પાણીનો કોઈ સ્થાનિક સ્ત્રોત ન હોય તો ઉનાળુ પાકની ખેતી ન કરે. સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સિંચાઈના વિસ્તારના સ્ટાન્ડર્ડ વોટર સપ્લાય નિયમ અનુસાર, દર વર્ષે સરકાર નિર્દેશ કરે છે કે, ઉનાળામાં સિંચાઈના પાણીને રોકી દેવામાં આવે જેથી પીવા માટે પાણી રીઝર્વ કરી શકાય. ઘણીવાર માહિતી ન હોવાના કારણે ખેડૂતો ઉનાળુ પાકની વાવણી કરે છે અને પછી પાણી ન મળી શકવાને કારણે તેમણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખેડૂતો સાથે આ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે આ વર્ષે સરકારે નોટિસ જાહેર કરી છે, જેથી ખેડૂતોને તેને ધ્યાનમાં નર્મદાના પાણી પર આધાર રાખ્યા વિના પ્લાન કરી શકે.