રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોના મુદ્દે રવિવારથી આંદોલન શરૂ કર્યું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા 1 ઓગસ્ટથી સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે જ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
આંદોલનના પહેલાં દિવસે જ રાજ્યમાંથી 5 હજારથી વધુ શિક્ષકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આગામી દિવસોમાં હજુ વધુ શિક્ષકો દ્વારા આવી પોસ્ટ મુકવામાં આવશે તેમ સંઘ દ્વારા જણાવાયું છે. આંદોલનની શરૂઆત બાદ પણ જો સરકાર ચર્ચા માટે નહીં બોલાવે તો બીજા અને ત્રીજા તબક્કાના આંદોલનની જાહેરાત કરવાની ચીમકી પણ આપી છે.
બિનસરકારી અનુદાનિત તથા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે. વખતો વખત શૈક્ષણિક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત પણ કરવામાં આવેલી છે.
છેલ્લે 13 જુલાઈના રોજ શિક્ષણમંત્રી, નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ મુખ્યમંત્રીને પણ રૂબરૂ મળી પ્રશ્નો ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષણમંત્રી સાથેની મુલાકાત વખતે પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 1 ઓગસ્ટથી આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જોકે, શિક્ષણમંત્રી દ્વારા પ્રશ્નોનો ઉકેલ ન લાવતા કારોબારી દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં રવિવાર 1 ઓગસ્ટના રોજથી શરૂ થયેલા આ આંદોલનમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જલદ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે જ સમગ્ર રાજ્યમાંથી 5 હજાર કરતા વધુ ફોટોગ્રાફ, સેલ્ફી તથા સમુહ ફોટોમાં શિક્ષકોની વાચા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘને મળી છે. શિક્ષકોમાં વ્યાપક રોષની લાગણી જોતા આગામી દિવસોમાં ખુબ જ મોટી સંખ્યામાં ફોટોગ્રાફ મળશે તેવી આશા મહાસંઘે વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયી મારફતે શરૂ કરાયેલા આ આંદોલન પછી પણ સરકાર તરફથી ચર્ચા માટે બોલાવવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જરૂર પડયે બીજા અને ત્રીજા તબક્કાના કાર્યક્રમની પણ રાજ્ય કારોબારી દ્વારા નિર્ણય લેવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સંગઠન દ્વારા છેલ્લા કેટલાય સમયથી પડતર પશ્નો મુદ્દે સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જોકે, સરકાર દ્વારા સંગઠનને આગામી દિવસોમાં પ્રશ્નો ઉકેલાઈ જશે તેવી બાંહેધરી આપ્યા બાદ પણ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવતા ન હોવાથી સમંગઠન દ્વારા અંતે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે.