અમદાવાદઃ અમે જ્યારે પણ જંગલમાં ફરવા કે ટ્રેક કરવા જતા ત્યારે અમારી સાથેના અનુભવી બીટ ગાર્ડ અચૂક અમને સાથે ડંગોરો એટલે કે ડંડો રખાવતા. તેમની સ્પષ્ટતાકિદ રહેતી કે સામું જનાવર (સિંહ, દીપડો વગેરે જેવા હિંસક પ્રાણી)આવી જાય તો પીઠ ન દેખાડવી અને ડંડો જમીન પર પછાડીને બને તેટલો મોટો અવાજ કરવો.
પરંતુ ભૂલથી પણ તેડંડો જનાવરને મારવાની મૂર્ખામી ન કરવી નહિંતર તેને (જનાવરને) ખબર પડી જશે કે આ ડંડો તો ફક્ત અવાજ જ કરી જાણે છે, તેનાથી કાંઈ વાગતું-કરતું નથી. હાર્દિક પટેલના 19દિવસના ઉપવાસ ડ્રામાના અંતે પણ કાંઈ આવું જ થયું હોય તેવો અહેસાસ થઈ જાય છે. આમ સરકારને હવે ખબર પડી ગઈ છે કે, આ ‘તલ’માં તેલ નથી.
સમાજનો હાર્દિકને કેટલો સપોર્ટ છે તે દેખાઈ ગયું
ગુજરાતના પાટીદાર યુવાનોને સરકારી નોકરીઓ તેમજ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ મળે તેમજ રાજ્યના ખેડૂતોનું બધું જ દેવું માફ કરી દેવાય તેવી માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિનો (PAAS) કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. આ 19 દિવસ દરમિયાન હાર્દિકે ક્યારેક પાણીનો ત્યાગ કર્યો તો પાછું પાણીના પારણા કર્યા, પાછો જળત્યાગ કર્યો અને ફરી પાણીના પારણા કર્યા અને આખરે બુધવારે બપોરે ઉપવાસના પારણા કરી દેવાનો નિર્ણય પોતે ટ્વીટ કરીને જાહેર કર્યો.
હાર્દિકનો આ ઉપવાસ ડ્રામા 19 દિવસ ચાલ્યો અને તે દરમિયાન હાર્દિકના મોરચે જે ડ્રામેબાજી થઈ તે સહુએ જોઈ. પરંતુ અન્ય બે મોરચે એટલે કે પાટીદાર સમાજ અને સરકારના સ્તરે જે
ગજબની કૂનેહ દાખવવામાં આવી તે કાબિલ તારિફ રહી. આ આંદોલન પ્રકરણ બાદ હાર્દિકનું શું થશે તે તો હવે સમય જ દેખાડશે, પરંતુ સમાજનો હાર્દિકને કેટલો સપોર્ટ છે તે દેખાઈ ગયું
અને બીજા પક્ષે સરકારને પણ હવે હાર્દિકની બીક દૂર થઈ ગઈ છે તે નક્કી છે.
શું આરોગ્ય કથળશે તેની હાર્દિકને અગાઉથી ખબર નહોતી?
હાર્દિકે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું તે પહેલાં તેણે પાસના નેતાઓ અને આ ઉપવાસ કેટલા દિવસ સુધી ચાલી શકે અને તેનાથી તેના આરોગ્ય પર શી અસર થઈ શકે તે બાબતે પોતાના તબીબ કાર્યકરો સાથે પણ ગહન ચર્ચા કરી હતી. શરૂઆતમાં હાર્દિકને જે સપોર્ટ મળ્યો અને સામે પક્ષે સરકારે કોઈ મચક ન આપી તો તેના પગલે તેણે પાણીનો પણ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ બે દિવસમાં જ ગઢડાના એસપી સ્વામીએ આવી, સમજાવીને હાર્દિકને પાણીના પારણા કરાવ્યા.
વળી પાછું દસ દિવસ બાદ હાર્દિકે પાણીનો ત્યાગ કરવાનું નક્કી કર્યું પરંતુ તે વખતે જનતાદળના નેતા શરદ યાદવના હસ્તે પાણીના પારણા કર્યા. જો કે, 19 દિવસ સુધી પોતાના ઉપવાસને કારણે પણ ગુજરાતની સરકારના પેટનું પાણીય હલી રહ્યું નથી તેવો હાર્દિકને અહેસાસ થયો હોઈ શકે છે. અલબત્ત, ઉપવાસના પારણા કરવા માટે હાર્દિકે સમાજના આગેવાનોએ પોતાના આરોગ્ય અંગે જતાવેલી ચિંતાનું કારણ ધર્યું છે, તો આ ચિંતા તો ઉપવાસ આંદોલનના પાંચમા દિવસે પણ જોવા મળી હતી અને પાટીદાર સમાજની તમામ છ અગ્રણી સંસ્થાઓએ હાર્દિકને આરોગ્યનું કારણ ધરીને ઉપવાસના પારણા કરી લેવા સમજાવ્યો હતો.
આમછતાં હાર્દિક તે સમયે ટસનો મસ નહોતો થયો. તો પછી હવે આમ એકાએક આરોગ્ય કથળવાનું કારણ આપીને ઉપવાસના પારણા કરી લીધા તે કળી ન શકાય તેવી બાબત છે. જો આ જ કારણ હતું તો હાર્દિકે અઠવાડિયામાં જ શા કારણે સમાજના આગેવાનોની વાત સાંભળી નહીં અને તે સમયે જ કેમ પારણા ન કરી લીધા તે બાબત સમજાય તેવી નથી.
સમાજના આગેવાનોએ હાર્દિકને જ સમજાવ્યો, સરકાર-સમાજના ધારાસભ્યોને કેમ દબાણ ન કર્યું?
ઉમિયા માતા સંસ્થાન (ઊંઝા), ખોડલધામ(કાગવડ), સરદારધામ (અમદાવાદ),વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (અમદાવાદ), સમસ્ત પાટીદાર સમાજ (સુરત) અને ઉમિયા માતા સંસ્થાન (સુરત) એમ પાટીદાર સમાજની છ અગ્રણી સંસ્થાઓને ધરાવતી પાટીદાર ઓર્ગેનાઈઝેશન કમિટિ (પીઓસી)ના પ્રતિનિધિઓ અત્યારસુધી વારાફરતી હાર્દિકના ઉપવાસના સ્થળ એટલે કે છત્રપતિ નિવાસે જઈને તેને ઉપવાસના પારણા કરી લેવા સમજાવતા જોવા મળ્યા હતા.
પરંતુ જ્યારે પણ આ છ સંસ્થાના અગ્રણીઓને સરકાર પર દબાણ લાવવા કે હાર્દિક વતી લડત ચલાવવાનો પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે પણ આ મામલે સલામત અંતર રાખ્યું હતું. પરંતુ દેખીતી વાત એ હતી કે, પાટીદાર સમુદાયના એક પણ અગ્રણીએ ખુલ્લામાં હાર્દિકની પાટીદાર સમાજને અનામત મળે તે મામલે સમર્થન આપ્યું નહોતું.
બધાએ માત્ર ખેડૂતોને દેવા માફી મળે તેની જ વાત કરી હતી. બીજીતરફ સમાજના આ અગ્રણીઓએ એકેય પાટીદાર ધારાસભ્યને સરકાર પર અનામત કે ખેડૂત દેવા માફી મામલે ભીંસમાં લેવા દબાણ તો બહુ દૂરની વાત રહી પરંતુ આગ્રહ સુદ્ધાં ન કર્યો. આમ, સમાજના અગ્રણીઓ કઈ દિશામાં હતા અને હવે કઈ દિશામાં જવાના છે તે તો પહેલાથી જ નક્કી હતું।
આ તો ખાલી લાકડી છે જેના વાગવાથી કશું નુકસાન નથી
રાજ્ય સરકારનું વલણ પહેલા દિવસથી જ સ્પષ્ટ હતું અને દેખીતી વાત એ છે કે 19 દિવસ દરમિયાન હાર્દિક (પાણી પીવા-ત્યાગવા) અને પાટીદાર સમાજના અગ્રણીઓના (સરકારને સમજાવવા-હાર્દિકને સમજાવવા) વલણમાં ફેરફાર જોવા મળ્યો પરંતુ સરકારના વલણમાં કોઈ ફરક પડ્યો નહોતો. રાજ્ય સરકાર વતી હાર્દિકના ઉપવાસ આંદોલનના બીજા જ દિવસે સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે, હાર્દિકને જે કરવું હોય તે કરી લે પરંતુ રાજ્ય સરકાર આ મામલે કોઈ સમાધાન કે વાટાઘાટો કરવાની નથી.
હાર્દિકના 2015ના જીએમડીસી ગ્રાઉન્ડના આંદોલન વખતે રાજ્ય સરકાર રીતસરની હલબલી ગઈ હતી. પરંતુ ક્રમશઃ હાર્દિકથી પાટીદાર સમાજને અળગો કરવામાં સરકારને વ્યૂહાત્મક સફળતાઓ મળી અને આજે એ સ્થિતિ છે કે કોઈ પણ પાટીદાર સંગઠન અનામતના મામલે સરકારની વિરુદ્ધ કોઈ પણ ખુલ્લું કે ટીકાત્મક નિવેદન કરવા તૈયાર નથી. આમ સમાજ તો હાર્દિકથી દૂર થઈ જ ગયો છે તે વિશ્વાસ કેળવી લીધા બાદ સરકારે આ આંદોલનને મચક સુદ્ધાં આપી નહોતી અને કોંગ્રેસના આ મામલે હસ્તક્ષેપને પૂરેપૂરો થવા દીધો.
કોંગ્રેસના નેતાઓ પહેલા દિવસથી જ હાર્દિકના તંબુમાં બેરોકટોક જઈ શકતા હતા અને પાટીદારોને રસ્તામાં રોકવામાં આવતા હતા. પરંતુ હાર્દિક હવે પહેલા જેવો જાયન્ટ કિલર નથી રહ્યો અને તેણે પોતાની પાસે સમાજના આક્રોશરૂપી જે લાકડી હતી તે આ વખતે સરકારને મારી દેવાની ભૂલ કરી અને આ ફટકો ખાધા બાદ સરકારને પણ ખ્યાલ આવી ગયો છે કે આ તો ખાલી લાકડી છે જેના વાગવાથી કશું નુકસાન નથી થવાનું