હાર્દિકે જેટલા દિવસ ઉપવાસ કરવા હોય એટલા દિવસ કરી લે, સમાધાન તો નહિ જ થાય: વિજય રૂપાણી

પાટીદાર અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે. આ મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ, પાટીદાર મંત્રીઓ, ભાજપના નેતાઓ અને પાટીદાર સમાજ બીજેપી સમર્થિત અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલના ઉપવાસ મુદ્દે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરીને હાર્દિકને જે કરવું હોય તે કરે એવો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો હતો.

સીએમ-ડે.સીએમને આવી શકે છે દિલ્હીનું તેડું

આ ઉપરાંત હાર્દિક પટેલનું આંદોલન વધુ જોર પકડે અને તેના પડઘા દિલ્હી સુધી પહોંચે તે પહેલા આગામી બે દિવસમાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને દિલ્હીનું તેડું આવશે, કેમ કે હાર્દિકના આંદોલન સંદર્ભે કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરવાની વ્યૂહરચના ગોઠવાઈ રહી છે. તે પહેલા વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેસીને આ મામલો ઉકેલવા પ્રયત્ન કરશે.

હાર્દિકની ધરપકડ નહીં થાય

આ અંગે વિસ્તારથી વાત કરીએ તો આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, રાજ્ય સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલન અંગે હાલ કોઈ પણ પ્રકારનું સમાધાન કરશે નહીં. અને તેની ધરપકડ પણ કરશે નહીં. તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

હાર્દિકને જેટલા દિવસ ઉપવાસ કરવા હોય એટલા દિવસ કરે

આ ઉપરાંત સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવતા તેમનું સ્ટેન્ડ લગભગ સ્પષ્ટ થઈ ગયું હોવાનું મનાઈ રહ્યું છે. તેમજ બેઠકમાં હાર્દિકના ઉપવાસને લઈ ચર્ચા થઈ હતી કે, હાર્દિક પટેલને પોતાના નિવાસસ્થાને જેટલા દિવસ જે રીતે ઉપવાસ કરવા હોય તેનો નિર્ણય હાર્દિક જાતે જ કરી શકે છે. સરકાર આ મામલે હસ્તક્ષેપ કરશે નહીં અને આ તમામ મુદ્દે સરકાર કંઈ કરશે નહીં.

હાર્દિકે કહ્યું-સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે, સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે


આજે તેના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે. ગઈકાલે(29 ઓગસ્ટ) હાર્દિક પટેલે એફબી લાઈવ કરી છઠ્ઠા દિવસથી પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી હતી. આજે હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે,’સર્વોચ્ચ ન્યાયાલયે પણ કહ્યું છે કે, જનતંત્રમાં જનતાનો અવાજ દબાવી શકાય નહીં, જો તેનો અવાજ દબાવવામાં આવે તો મોટો વિસ્ફોટ થશે!! ગુજરાતમાં જે રીતે અવાજ દબાવવામાં આવી રહ્યો છે, હું દાવા સાથે કહું છું, સંપૂર્ણ લોક ક્રાંતિનું આહવાન છે. સત્તા સામે જનતાનો વિસ્ફોટ થશે.’

પાણી પીવાનું છોડવાથી કિડની-હ્રદય પર થઈ શકે અસરઃ ડૉક્ટર

હાર્દિકના સ્વાસ્થ્યને લઈ ડૉક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, યુરીન અને બ્લડનું એસીટોમ લેવલ ચેક કરવું પડે. સીરમ એસીટોમનું પ્રમાણ વધ્યું છે, ગઈકાલના ચેકઅપમાં બ્લડ અને યુરીનનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. પાણીનો ત્યાગ કરવો તેમના શરીર માટે હાનિકારક છે. કિડની અને હ્રદય પર અસર થઇ શકે છે. જેટલી વાર ચેકઅપ કર્યા એટલી વાર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે.પાણી અને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. ગઈકાલની સરખામણીએ આજે પણ વજનમાં ઘટાડો થયો છે. શ્વાસ લેવામાં તકલીફ થઇ શકે છે. અત્યાર સુધીમાં સાડા ચાર કિલો વજન ઘટ્યું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top