AhmedabadGujaratNews

અમદાવાદમાં કોરોના કેસ વધતા સરકાર દ્વારા લેવામાં આવ્યો આ મોટો નિર્ણય, યુધ્ધના ધોરણે બનાવવામાં આવશે કોવિડ હોસ્પિટલ

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) ના સહયોગથી અમદાવાદમાં 900 બેડની સંપૂર્ણ સુવિધા સજ્જ ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઉભી કરવાની અભૂતપૂર્વ પહેલ શરૂ કરી છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

અમદાવાદમાં 132 ફૂટ રીંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડીકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. ના બેડ હશે, જયાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ કરાશે. તમામે તમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેના હશે. જો જરુર પડે તો વધુ 500 પથારીઓ વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ ઉભી કરાશે. જેના સંચાલનની જવાબદારી રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માને સોંપવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ર્ડા. હિમાંશુ પંડયા અને ડીઆરડીઓના કર્નલ બી. ચૌબે ઉપરાંત ગુજરાત સરકારના સંલગ્ન વિભાગના અધિકારીઓ આ હોસ્પિટલના સંચાલનમાં સહયોગ આપશે.

૯૦૦ બેડની આ હોસ્પિટલમાં ઇન્ટેન્સિવ અને ક્રિટીકલ કેરની સુવિધા હશે. આ સ્થળે દર્દીઓ માટે ટોઇલેટ-બાથરૂમ જેવી તમામ સુવિધાઓ રાખવામાં આવશે. હેલ્પડેસ્ક ઉપરાંત દર્દીઓ અને તબીબો તથા પેરામેડીકલ સ્ટાફ માટે ભોજન-નાસ્તાની વ્યવસ્થા હશે. ફરજ બજાવતા તબીબો અને પેરામેડીકલ સ્ટાફ માટે રેસ્ટરૂમની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે.

આગામી બે અઠવાડિયામાં આ હોસ્પિટલ કાર્યરત થઇ જાય તે માટે અગ્રતા અને યુદ્ધના ધોરણે કામ શરૂ કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ DRDO ના કર્નલ બી. ચૌબે અને અગ્ર સચિવશ્રી અંજુ શર્માને જરુરી સૂચનાઓ આપી હતી, જેથી અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે તાકીદે વ્યવસ્થા ઉભી કરી શકાય.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker