ગુજરાતમાં કરોડનો દારુ વેચાય છે, આ રુપિયા કોના ખિસ્સામાં જાય છે ? :જીગ્નેશ મેવાણી

ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ જિજ્ઞેશ મેવાણીએ અમદાવાદમાં દારુના વેચાણ સામે જંગ શરુ કર્યો છે. ગઈ કાલે ગોમતીપુર વિસ્તારમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા બાદ આજે મેવાણીએ શહેરના પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી, અને અમદાવાદમાં ખુલ્લેઆમ વેચાતા દારુ અંગે રજૂઆત કરી હતી. મેવાણીએ દારુબંધી હોવા છતાં ગુજરાતમાં દારુનું બેફામ વેચાણ થઈ રહ્યું હોવાનો દાવો કરી કેટલાક ચોંકાવનારા દાવા પણ કર્યા છે.

મેવાણીએ જણાવ્યું હતું કે, વાડજના કેટલાક સ્થાનિક લોકોએ તેમની સમક્ષ રજૂઆત કરી હતી કે, અહીંના કેટલાક વિસ્તારોમાં દારુનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. વાડજમાં તો પોલીસ સ્ટેશનની સામે જ દારુ વેચાતો હોવાનું મેવાણીએ કહ્યું હતું. મેવાણીએ જણાવ્યું હતું કે, દલિત અને ઠાકોરોની જ્યાં વસ્તી છે ત્યાં ટાર્ગેટ કરાતા હોય તેમ દારુના અડ્ડાઓ ચાલે છે. જિજ્ઞેશે કહ્યું હતું કે, અહીં જે પણ એસીપી, ડીસીપી આવે છે તેમને તેમજ છેક રાજ્યના પોલીસ વડા, હોમ ડિપાર્ટમેન્ટ અને હોમ સેક્રેટરી પણ આ સ્થિતિથી અવગત છે. તેમણે સવાલ કર્યો હતો કે, ગુજરાતમાં દર વર્ષે 25 હજાર કરોડનો ગેરકાયદે દારુ વેચાય છે તે રુપિયા કોના ખિસ્સામાં જાય છે?

મેવાણીએ પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, 24 કલાકમાં જો દારુના અડ્ડા બંધ ન થયા તો ગુજરાતની પોલીસ એક બાજુ હશે, અને બીજી બાજુ જિજ્ઞેશ મેવાણી હશે. તેમણે એમ પણ કહ્યું કે, ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અમે રજૂઆત કરી હતી, અને જેસીપી જેકે ભટ્ટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે. જો 24 કલાકમાં પગલાં ન લેવાયા તો 30 તારીખે પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here