બનાસકાંઠામાં પાલનપુરની જનરલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક બાળકને જન્મતાની સાથે સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હોવાથી પરિવાર આશ્વર્યચકિત થઈ ગયો હતો. ચિંતિત બનેલા પરિવારે સતત નવ વર્ષ સુધી આ બાળકને અલગ-અલગ હોસ્પિટલોમાં દેખાડ્યા બાદ અંતે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળ ઓપરેશન કરાયું છે.
બનાસકાંઠાની પાલનપુરની જનરલ હોસ્પિટલમાં બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો રહેલા હતા. બાળકની આ સ્થિતિ જોઈ પરિવાર ચિંતાની સાથે મૂંઝવણમા આવી ગયો હતો. આવી પરીસ્થિતિમાં આ બાળકને પરિવારે સતત 9 વર્ષથી અલગ-અલગ હોસ્પિટલમાં બતાવી તેનું નિદાન કરાવવાના પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે અંતે પરિવાર દ્વારા બનાસ મેડિકલ કોલેજ અંતર્ગત આવેલી પાલનપુર જનરલ હોસ્પિટલમાં તેની સારવાર કરાવવાનું વિચાર્યું હતું.
તે દરમિયાન ડોક્ટરનું કહેવું હતું કે, આમ તો આવી ઘટનાઓ ભાગ્યે જ બને છે અને એક લાખ બાળકોમાં આવુ એક બાળક જન્મ લે છે. આવા લક્ષણો ધરાવતી સ્થિતિને મેડિકલની ભાષામાં સ્યુડો હરમોપ્રોડીટીઝમ કહેવામાં આવે છે.
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ ડો. સુનીલ જોશી સહિત ત્રણ તબીબોની ટીમ દ્વારા વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવ્યા બાદ આ બાળકમાં સૌથી વધુ સ્ત્રી તત્વ હોવાનું જાણવા મળ્યું હતું અને તેના પરિવારની ઈચ્છા પણ તેને સ્ત્રી તરીકે રાખવાની રહી હતી. જેના કારણે તબીબોએ તેના પુરુષ તરીકેના જનનાંગોનું ઓપરેશન કરી નિકાલ કરી નાખ્યો હતો.
આ દરમિયાન ત્રણ તબીબોએ સતત દોઢ કલાક સુધી કામગીરી કરી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અત્યારે આ બાળકની સ્થિતિ સ્વસ્થ રહેલી છે. આ બાબતમાં ડો. સુનિલ જોશીએ કહ્યું હતું કે, તેમને 40 વર્ષના તબીબી ક્ષેત્રમાં બીજીવાર આવી ઘટના દેખી છે, આવું ભાગ્ય જ બને છે.