ગરીબોનું પેટ ભરે છે આ ગુજરાતી
પાલનપુરઃ તમે માનશો નહીં પરંતુ પાલનપુરની એક વ્યક્તિ જરૂરિયાત મંદ લોકોને માત્ર 2 રૂપિયામાં ભોજન આપે છે. શહેરમાં બપોરના સમયે 10થી 2 વાગ્યા સુધી અન્નપૂર્ણા રથ નામે મોબાઈલ કીચન વાન ફરે છે. આમ તો સરકાર દ્વારા મજૂરોને 10 રૂપિયામાં સસ્તું મિલ આપવાની યોજના શરૂ કરાઈ છે, પરંતુ તેમાં મજૂરોને કામના સ્થળેથી ઘણે દૂર જવું પડતું હોય છે. તેવામાં આ અન્નપૂર્ણા રથ તેમના માટે ખરેખર ઉપયોગી બન્યો છે.
રોજ 8000 લોકોને જમાડે છે
અન્નપૂર્ણા રથની શરૂઆત કરનારા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ રાજેન્દ્ર જોશી ઉર્ફે રાજુભાઈના રોજના અંદાજિત 8000 લોકોને રજવાડી ખીચડી અને કઢી જમાડે છે.
કેવી રીતે થઈ અન્નપૂર્ણા રથની શરૂઆત?
આ વિશે વાત કરતા રાજુભાઈ કહે છે કે, મારા માતા-પિતાની યાદમાં 30મી સપ્ટેમ્બર 2016ના દિવસે અન્નપૂર્ણા રથની શરૂઆત કરવામાં આવી. જ્યારે અમે આર્થિક રીતે સારી સ્થિતિમાં નહોતા ત્યારે પણ મારા પેરેન્ટ્સ પાલનપુરથી સારવાર માટે અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં આવતા સંબંધીઓને ટિફિન પહોંચાડતા હતા.’
તેઓ ઉમેરે છે કે, માતા-પિતાના મૃત્યુ બાદ મેં વિચાર્યું કે જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાવાની આ પરંપરા ચાલું રાખવી તે જ તેમને સૌથી સારી શ્રદ્ધાંજલિ હશે.
રથમાં સતત ધૂન અને ભજન ચાલે છે
હાલમાં અન્નપૂર્ણા રથ ચાર લોકોને રોજગારી પૂરી પાડે છે. જેમાં એક ડ્રાઈવર અને રસોયો પણ શામેલ છે. રથમાં સતત ભજનો અને ધૂન વાગતી રહે છે. મૂળ બનાસકાંઠાના રાજુભાઈ હાલ અમદાવાદમાં સ્થાયી છે, તેમણે 12 એપ્રિલ 2017એ ડીસામાં પણ અન્નપૂર્ણા રથ શરૂ કર્યો છે.
ગરીબ અને ભૂખ્યા લોકોનું પેટ ભરતા રાજુભાઈ કહે છે, ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી હું રજવાડી ખીચડી અને કઢીની સેવા ચાલું રાખીશ. હાલમાં આ સેવા માટે રોજના 5000 રૂપિયાનો ખર્ચ થાય છે. કેટલીક વખતે તેમને અન્ય જીલ્લાઓમાંથી પણ ડોનેશન મળે છે. સેવા માટે લોકો એક રથ માટે રોજના 2100 રૂપિયા જેટલું દાન આપતા હોય છે.