GujaratNewsPolitics

હાર્દિક મારી છાયામા રહેશે તો તેને નુકસાન થશેઃ શંકરસિંહ વાઘેલા, જાણો બીજું શું કહ્યું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ‘બાપુ’ના હુલામણા નામથી જાણીતા શંકરસિંહ વાઘેલાએ આજે (શુક્રવારે) ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે લોકસભાની ચૂંટણીથી લઈને હાર્દિક પટેલ વિશે વાત કરી હતી. આ દરમિયાન તેમણે ઇલેક્શન કમિશનને એક પત્ર લખ્યો હોવાની માહિતી પણ સામે આવી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બીજેપીને હરાવવાનું તેમનું લક્ષ્ય છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધી અને અહેમદ પટેલના સંપર્કમાં છે. સાથે બાપુએ એવું પણ કહ્યું હતું કે સરકારનો વિરોધ કરતા તમામ લોકોને મારો ટેકો છે.

શંકરસિંહે ચૂંટણી પંચને લખ્યો પત્ર

શંકરસિંહ વાઘેલાએ ઈવીએમને લઈને ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નરને લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં ઇવીએમને બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવે. જો બેલેટ પેપરથી વોટિંગ શક્ય ન હોય તો દરેક બૂથ પર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવે. કારણ કે ઈવીએમ ચીપ શંકા જન્માવે છે. એટલું જ નહીં ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટ, રાજકીય પક્ષો અને મતદાતાઓને પારદર્શન ચૂંટણીનું આશ્વાસન આપે.

સરકાર દૂધમાં ટેકાનો ભાવ જાહેર કરે

શંકરસિંહે જણાવ્યું હતું કે સરકારે દૂધમાં એમએસપી (ટેકાનો ભાવ) દાખલ કરવી જોઈએ. જેનાથી ડેરીઓ દૂધ ઉત્પાદકોને પૂરી કિંમત આપે. કારણ કે દૂધના ભાવો સતત ઘટી રહ્યા છે. દૂઘના ભાવો આ જ રીતે ઘટશે તો એક દિવસ સહકારી ક્ષેત્ર ખતમ થઈ જશે. એટલું જ નહીં સરકાર ટેકાના ભાવે ખેડૂતોને મુરખ બનાવી રહી છે. ખેડૂતો દિનપ્રતિદિન આપઘાત કરી રહ્યા છે. ખેડૂતોને આપઘાત કરતા બચાવવા જોઈએ.

અડવાણીની ગાંધીનગરમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા

પત્રકાર પરિષદ દરમિયાન બાપુએ એવું પણ કહ્યું હતુ કે, ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડવા ઈચ્છે છે. તેમણે મારી સાથે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે જો સંઘ કહેશે તો તેઓ ગાંધીનગરમાંથી લોકસભાની ચૂંટણી લડવા માંગે છે.

હાર્દિક પર બાપુએ આપ્યું નિવેદન

થોડા દિવસથી એવા અહેવાલ વહેતા થયા છે કે હાર્દિક પટેલને ભાજપ સરકારના ડરે કોઈ ઘર નથી આપી રહ્યું. હાર્દિક પોતાનું ગ્રીનવુડનું ઘર ખાલી કરી રહ્યો છે અને હવે નવું ઘર શોધી રહ્યો છે. એવા પણ અહેવાલ વહેતા થયા હતા કે શંકરસિંહ વાઘેલા ગાંધીનગર ખાતે આવેલો તેના પુત્રનો બંગલો હાર્દિકને રહેવા માટે આપશે. આ અંગે પ્રતિક્રિયા આપતા બાપુએ જણાવ્યું હતું કે, હાર્દિક મારી છાયામાં ન રહે એ તેના માટે સારું છે. આવું કરશે તો હાર્દિકને નુકસાન થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker