GujaratNewsPolitics

હાર્દિકને મળવા આવ્યા શત્રુઘ્ન અને યશવંત સિન્હા, ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર

ઉપવાસ પર બેઠેલા હાર્દિકને મળવા માટે આજે પૂર્વ કેન્દ્રિય મંત્રી યશવંત સિન્હા તેમજ ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા પહોંચ્યા હતા. પત્રકારો સાથે વાત કરતા યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે, હાર્દિક 11 દિવસથી ઉપવાસ પર બેઠેલો હોવા છતાં કેન્દ્ર કે રાજ્ય સરકાર તેની નોંધ પણ નથી લેતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ખેડૂતોની હાલત ખરાબ છે, અને તેમનું દેવું માફ થવું જોઈએ. શત્રુઘ્ન સિન્હાએ ગુજરાત સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, ભાજપ શાસિત કેટલાક રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ થતું હોય તો ગુજરાતમાં કેમ નહીં? શત્રુઘ્ન સિન્હાએ કહ્યું હતું કે, હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત નથી, પરંતુ સર્વદળ પ્રેરિત છે, કારણકે તમામ પક્ષોની લાગણી તેઓ વ્યક્ત કરી રહ્યા છે.

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે 11મો દિવસ છે. આજે હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં તેનું વજન 78 કિલોથી ઘટીને 58 કિલો થઈ ગયું હોવાનું બહાર આવ્યું છે. હાર્દિકને સરકારી ડોક્ટરોએ હોસ્પિટલમાં દાખલ થઈ જવાની પણ સલાહ આપી હતી, પરંતુ હાર્દિક હજુય પોતાના ઉપવાસ આંદોલન પર અડગ છે.

બીજી તરફ, ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલે હાર્દિકનું ઉપવાસ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ કરતા હાર્દિકના ટેકેદારો ભડક્યા છે. હાર્દિકના ઘરે એકત્ર થયેલા તેના ટેકેદારોએ સૌરભ પટેલના આ નિવેદનને વખોડી નાખ્યું છે, અને જણાવ્યું છે કે આ આંદોલન કોઈ પક્ષ પ્રેરિત નહીં, પરંતુ પાટીદારોના હક્કોની લડાઈ માટે છે.

હાર્દિકની સતત બગડતી હાલતને જોતા તેના ઘર બહાર એક એમ્બ્યુલન્સ પણ મૂકી દેવાઈ છે, જેથી હાર્દિકને જરુર પડે ત્યારે તેને સારવાર આપી શકાય. જોકે, હાર્દિક પહેલાથી જ જાહેર કરી ચૂક્યો છે કે જો પોલીસ તેને જબરજસ્તી હોસ્પિટલ લઈ જશે તો તે હોસ્પિટલમાં પણ ઉપવાસ ચાલુ રાખશે, અને ટ્રીટમેન્ટ નહીં લે.

હાલમાં જ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું હતું કે હાર્દિકના ઉપવાસનો મામલો ગંભીર છે, અને આ મામલે ચર્ચા થવી જોઈએ. પોતે સરકારમાં આ અંગે રજૂઆત કરશે તેવું પણ બાવળિયાએ કહ્યું હતું. જોકે, આજે અન્ય એક કેબિનેટ મંત્રીએ જ હાર્દિકના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવતા એક જ સરકારના બે મંત્રીના અલગ-અલગ નિવેદનને કારણે વિવાદ થયો હતો.

હાર્દિકને હજુ સુધી સરકાર તરફથી કોઈ મળવા આવ્યું નથી. જ્યારે, એનસીપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતા ઉપરાંત બિહારના પૂર્વ સીએમ જીતનરામ માંઝી પણ હાર્દિકની મુલાકાત કરી ચૂક્યા છે. પૂર્વ પીએમ દેવગૌડાએ તેને ટેકો જાહેર કર્યો છે, અને આજે શત્રુઘ્ન સિન્હા તેમજ યશવંત સિન્હા હાર્દિકને મળવા આવે તેવી શક્યતા છે.

રાજ્ય સરકાર તરફથી તેનો સ્ટેન્ડ ક્લિયર કરવામાં આવી રહ્યો છે. જેના માટે કેબિનેટ મંત્રી સૌરભ પટેલે સરકાર તરફથી હાર્દિક પટેલના ઉપવાસ પર કોંગ્રેસ પર હુમલો બોલ્યો હતો. ઉર્જામંત્રી સૌરભ પટેલે હાર્દિકના ઉપવાસને રાજકીય ગણાવ્યા અને તેના અંગે પ્રથમ વખત પ્રતિક્રિયા આપી છે. સૌરભ પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ ઘણાં સમયથી ઉપવાસ પર બેઠા છે જેના કારણે સરકાર પણ ચિતિંત છે અને આશા છે તે આ મામલે ડોક્ટરની સલાહ લે, જો કે ડોક્ટરની સલાહ લેતો નથી તે યોગ્ય નથી.

ઉર્જા મંત્રીએ કહ્યું કે, આ સમગ્ર ઉપવાસ અને આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે, જેના માટે કોંગ્રેસના મિત્રો પાછળથી સલાહ આપે છે. તેમજ હાર્દિકને મળવા જે પણ પહોંચ્યા છે તે તમામ મોટા ભાગના ગુજરાત વિરોધી મળવા જાય છે. જ્યારે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય લાભ લેવા માટે કરવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં સૌરભ પટેલે કહ્યું કે, જેઓ હાર્દિકને ટેકો આપે છે તેમના દ્વારા અનામતનો કોઇ પણ ઉલ્લેખ કરવામાં આવતો નથી. કોંગ્રેસ તરફથી અનમાત મુદ્દે કોઇ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. રાજ્યના પાટીદાર સમજે છે, અને જાણે છે કે આંદોલન પાછળ કોણ છે અને કોના દ્વારા નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. આ મામલે હવે પાટીદાર સમાજે જાગૃત રહે તેવી આશા રાખીએ છે.

સરકારની ખેડૂતો અંગેની વિવિધ માંગણી પર ભાજપ નેતાએ કહ્યું કે, સરકાર સંપૂર્ણપણે ખેડૂતોને મદદ કરવા તૈયાર છે. રાજ્ય સરકાર હંમેશાથી ખેડૂતોની સાથે રહી છે. છેલ્લા ઘણાં સમયથી સરકાર ખેડૂતોની આવક વધે તેવા પગલાં જ લે છે. જેના માટે સરકારના દ્રાર બધા માટે ખુલ્લાં જ છે.

રાજય સરકાર તરફથી અપીલ કરતાં કેબિનેટ મંત્રીએ જનતાને અપીલ કરી કે આ રાજકીય આંદોલનને રાજકીય રીતે જ સમાપ્ત કરવું પડે તે જરૂરી છે. જનતાએ તેના માટે યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માગે છે, જેને સમજીને હવે આ મુદ્દે શાંતિથી વાતચીતનો રસ્તો અપનાવવો જોઇએ

હાર્દિકે પાટીદાર સમાજની અગ્રણી છ સંસ્થાઓ સામે પારણાં કરવાની તૈયારી બતાવી

તો બીજી તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પટેલના ઉપવાસના 11 દિવસે પાટીદાર સમાજ સંસ્થાઓની બેઠક શરૂ થઇ છે. પાટીદાર સમાજની તમામ છ સંસ્થાઓના પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. સુત્રોના જણાવવા માટે આ બેઠકમાં તમામ સંસ્થાઓની પ્રાથમિકતા હાર્દિક પટેલના પારણાં કરાવવાની રહેશે. આ ઉપરાંત હાર્દિક પટેલની માગણી અંગે પણ ચર્ચાઓ કરી હતી.

બેઠક બાદ સંસ્થાઓ તરફથી સી.કે. પટેલે જણાવ્યું હતું કે, ” પાટીદાર સમાજનો દીકરો 11 દિવસથી ઉપવાસ ઉપર છે. ત્યારે પાટીદાર સમાજની સંસ્થાઓને આ અંગે ચિંતા થવી સ્વાભાવીક છે. ગઇ કાલે હાર્દિક તરફથી એવી વાત આવી કે સમાજની છ સંસ્થા મળીને પારણાં કરાવે તો એને પારણાં કરવાની તૈયારી છે. એના અનુસંધાને હાર્દિકને કહ્યું કે, આ અંગે પ્રેસનોટ આપો તો છ સંસ્થાઓ મળશે. આ અનુસંધાને આજે તાકીદે આ બેઠક કરી હતી.

જેમાં છ એ છ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તમાર સંસ્થાઓનો એવો સૂર આવ્યો કે સમાજના પ્રશ્નોની ચિંતા સંસ્થાઓ હરહંમેશ કરતી રહે છે. આજના અને પહેલાના પ્રશ્નો અંગે સરકાર સાથે ચર્ચા કરશે અને નિરાકરણ લાવશે. હાર્દિક અંગે સમાજના દરેક લોકો ચિંતા કરી રહ્યા છે અને તે વહેલી તકે પારણાં કરે. જો આ અંગે તેમનો વિચાર હશે તો છ સંસ્થાઓમાંથી પ્રતિનિધિઓ આવીને એમને પારણાં કરાવશે.”

મળતી માહિતી પ્રમાણે પાટીદાર સમાજ સંસ્થાઓની બેઠક શરૂ થઇ ગઇ હતી. ત્યારે તમામ છ સંસ્થા ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન, સીદસર ઉમિયા માતાજી સંસ્થાન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાન સુરત, કાગવડ ખોડલધામ અને અમદાવાદ સરદારધામ સંસ્થાનના અગ્રણીઓ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તમામ છ સંસ્થાઓના 4-4 પ્રતિનિધિઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. જેમાં લવજી બાદશા, મથુર સવાણી, સીક કે પટેલ, પ્રહલાદભાઇ પટેલ, જેરામ બાપા, આર.પી. પટેલ અને ડી.એન. ગોલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker