“હું કણબીનો દીકરો છું, ખેતરમાંથી ધન અને ધાન્ય પેદા કરનારા છીએ. જીભ કળવી છે, હાથમાં કુહાડી રાખીએ છીએ એટલે મોઢામાંથી ક્યારેય સુગંધી વાતો ન આવે.”
19 દિવસના ઉપવાસ પછી હાર્દિકે પારણા કરી લીધા છે. પારણા કર્યા બાદ મીડિયાને સંબોધતા હાર્દિકે કહ્યું કે અનામત માટેની તેની લડાઈ ચાલું જ રહેશે. આ પ્રસંગે હાર્દિકે સમાજના તમામ અગ્રણીઓનો આભાર પણ માન્યો હતો.
‘આજે આપણે સમાજમાં નાના-મોટાની ખાઈ પુરવાનું કામ કર્યું’
“ઉપવાસ માટે બે મહિના પહેલા મંજુરી માંગી હતી તો પણ મંજુરી ન મળી. સમાજના વડીલોને તેના યુવાઓની ચિંતા થતી હોય છે. 18 દિવસ પછી સમાજના અગ્રણીઓની વિનંતીને માન આપીને પારણાં કર્યા છે. હું તમામ લોકોનો હૃદયથી આભાર માનું છું. સમાજની અંદર નાના-મોટાની જે ખાઈ ઉભી થઈ હતી એ પુરી કરવાનું કામ આજે આપણે બધાએ કર્યું છે.”
‘તમારાથી થઈ શકે એ કામ અમારા માટે કરજો’
“ઉપવાસ આંદોલન દરમિયાન ઘણા લોકોએ ક્રાંતિકારી તો અમુક લોકોએ અંગ્રેજોની ભૂમિકા નિભાવી હતી. અમારી લડાઈ આલિશાન મકાન કે બંગલામાં રહેતા લોકો માટે નથી. અમારી લડાઈ પાંચ વિઘા જમીન પર ગુજરાન ચલાવતા લોકો માટે છે. સુરત, રાજકોટ અને અમદાવાદમાં 10 હજાર રુપિયે મજૂરી કરીને પોતાના દીકરાને માર્કેસ હોવા છતાંય એડમિશન નથી મળતું એ લોકો માટે અમે લડીએ છીએ. આ લડાઈમાં સમાજના વડીલો અમને સાથે અને સહયોગ આપે એવી નમ્ર વિનંતી છે.”
‘મૂંગા રહેવા કરતા દેશદ્રોહી થવું શારું’
“અમે સમાજના વડીલોના વિરોધી નથી. એમણે અમને માન, સન્માન અને સંસ્કાર આપ્યા છે. પરંતુ ઈજ્જતથી માન અને સન્માનથી જ જિંદગી જીવી શકાતી નથી. અધિકાર વગર જીવન જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો લોકો કહેશે દેશદ્રોહી છે, ચૂપ રહેશો તો કહેશે કે આ તો મૂંગો છે. મને એવું લાગે છે કે મૂંગા રહેવા કરતા દેશદ્રોહી થવું વધારે સારું છે.”
‘કણબીનો દીકરો છું એટલે મોઢામાંથી સુગંધી વાતો ન નીકળે’
“સમાજના વડીલો સરકાર સાથે ચર્ચા કરશે તો ગમશે, બાકી હું ઘોડો છું, થાકું એમ નથી. હું કણબીનો દીકરો છું, ખેતરમાંથી ધન અને ધાન્ય પેદા કરનારા છીએ. જીભ કળવી છે, હાથમાં કુહાડી રાખીએ છીએ એટલે મોઢામાંથી ક્યારેય સુગંધી વાતો ન આવે. હું સમાજની છ સંસ્થાઓ કે અગ્રણીઓથી ક્યારેય નારાજ નથી. મારી વાત રજુ કરવાની રીત અલગ હોઈ શકે છે.”
ડીસીપી રાઠોડે કહ્યું, ભાજપ મારો બાપ છે’
“ગુજરાતમાં આપણી વસ્તી 1.5 કરોડ હોવા છતાં આપણો સમાજ ઘણો લાચાર છે. ગઈકાલે અમે ડીસીપી જયપાલસિંહ રાઠોડને કહ્યું કે આવતીકાલે અમે પારણા કરીશું તો લોકોને મારા ઘરે પ્રવેશ કરવા દેવો. મંગળવારે રમેશભાઈ ગયાં ત્યારે ડીસીપીએ અમને કહ્યું કે રમેશભાઈ મારો બાપ નથી, મારો બાપ ભાજપવાળો છે, એ કહે એમ મારે કરવું પડે. તમે જો આવું ચલાવી લેશો તો અમારી અને તમારી વચ્ચે ખાઈ રહેવાની જ.”
નરેશ પટેલ, પ્રહલાદ પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓની હાજરીમાં હાર્દિકે પોતાના ઘરે ઉપવાસ છાવણી ખાતે પારણાં કરી લીધા હતા. હાર્દિક પટેલ 25મી ઓગસ્ટ, 2018થી આમરણાંત ઉપવાસ પર બેઠો હતો. આ દરમિયાન તેની તબિયત નાજુક થતાં તેનો હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો. અંતે પાટીદાર સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ હાર્દિકે પારણાં કરી લીધા હતા.
‘સમાજની લાગણીને માન આપીને હાર્દિક પારણાં કરશે’
હાર્દિકના પારણાં અંગે માહિતી આપતા મનોજ પનારાએ કહ્યું કે, “મંગળવારે સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકને મળ્યા હતા. તેમણે હાર્દિક પટેલને પારણાં કરવા માટે સમજાવ્યો હતો. સમાજના તમામ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ હાર્દિકને મળવા આવેલા વડીલોએ હાર્દિકને પારણાં કરી લેવા વિનંતી કરી હતી. વડીલોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે સમાજના દરેક લોકોની ઈચ્છા છે કે હાર્દિકને પારણાં કરી લેવા માટે સમજાવવામાં આવે. હાર્દિકે તેમની પાસે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો. આ દરમિયાન ગુજરાતભરના પાસના કન્વીનરોનો અમે સંપર્ક સાધ્યો હતો. તમામ કન્વીનરોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે હાર્દિક પટેલ જીવતો રહેવો જોઈએ. આ માટે તમામે હાર્દિક પારણાં કરી લે તેવો મત વ્યક્ત કર્યો હતો. હાર્દિક જીવતો અને તંદુરસ્ત રહેશે તો સરકાર સામે લડી શકશે.”
મંગળવારે આ લોકોએ લીધી હાર્દિકની મુલાકાત
મંગળવારે હાર્દિક પટેલની મુલાકાત લેવા માટે ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર તેમજ સામાજિક કાર્યકર પ્રકાશ આંબેડકરે હાર્દિકની મુલાકાત લીધી હતી.
આ ઉપરાંત ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતે હાર્દિક પટેલ સાથે મુલાકાત લઈને તેને ઉપવાસ છોડવા માટે સમજાવ્યો હતો.
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીતજોગીના પુત્ર તેમજ ધારાસભ્ય અમિત જોગીએ પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. અજીત જોગીએ અજીત જોગીનો ઉપવાસને લઈને સમર્થન કરતો પત્ર હાર્દિક પટેલને આપ્યો હતો.
બેરોજગારીને લઈને હાર્દિકનું ટ્વિટ
આ દરમિયાન હાર્દિક પટેલે દેશમાં બેરોજગારીને લઈને એક ટ્વિટ કર્યું છે. હાર્દિકે લખ્યું છે કે, “ભારતમાં જે ગતીએ રોજગારીમાં ઘટાડો થઈ રહ્યો છે તે કોઈ પણ દેશ માટે ચિંતાજનક છે. દિવસેને દિવસે વધી રહેલી બેરોજગારી આપણી વ્યવસ્થાને ધ્વસ્ત કરવા માટે પુરતી છે. એમાં કોઈ શંકા નથી કે બેરોજગારી યુવાધન કોઈ પણ દેશ માટે શરમ જનક વાત છે. ક્યાંક બેરોજગારી રાષ્ટ્રીય શરમ ન બની જાય.”