અમદાવાદ: હાર્દિક પટેલ છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો હતો. ત્યારે તેના પારણાં ખોડલધામના નરેશ પટેલ , ઉમિયાધામના પ્રહલાદ પટેલ અને સીકે પટેલના હસ્તે સાદું પાણી, લીંબું પાણી અને નારિયેળ પાણી પીને પારણાં કર્યા હતા. પારણાં બાદ હાર્દિકે કહ્યું હતું કે, સરકાર નહીં પરંતુ વડીલોના આદર સામે ઝૂક્યો છું. પહેલા ભગતસિંહ બનવા નીકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા. હાર્દિકના પારણાં કરાવવા માટે પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ પહોંચ્યા હતા. હાર્દિકની ઉપવાસી છાવણીમાં છએ છ સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસથી કોઈ અસર સરકાર પર થઈ ન હતી અને સમાજ જે હાર્દિકની પડખે આવ્યો હતો.
હાર્દિકના સમર્થનમાં દેશભરમાંથી નેતાઓ, લોકો આવી રહ્યા હતા. પાટીદારો જ નહીં અન્ય સમાજનું પણ તેને સમર્થન મળી રહ્યું હતું, ત્યારે આજે હાર્દિકના પારણાની જાહેરાત કરવામાં આવી હતી. પાસ કન્વીનર મનોજ પનારાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને હાર્દિકને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને ઉમાધામના પ્રમુખ પ્રહલાદ પટેલના હસ્તે 3 વાગ્યે પારણા કરાવવાની જાહેરાત કરી હતી.
હાર્દિકે પારણાં બાદ કહ્યું,
- છેલ્લા 19 દિવસથી હું ઉપવાસ પર બેઠો છું
- સમગ્ર ગુજરાતમાંથા ઘણા બધા લોકો મારી સાથે ઉપવાસ પર બેઠા હતા
- ગમે તેવો દીકરો કેમ ન હોય પણ સમાજના વડીલો ને ચિંતા થતી હોય. 6 સંસ્થાઓના અગ્રણીઓ વિનંતી કરી કે જીવીશું તો લડીશું લડીશું તો જીતીશુંના મુદ્દા સાથે આજે બધા મિત્રોએ મને પારણાં કરાવવા માટે આવ્યા છે.
- તમામ લોકોના હું હાર્દિક સ્વાગત કરું છું.
- આ વાતની ખુશી છે કે સમાજમાં નાના માટોને લઈને જે ખાઈ ઊભી થઈ હતી, તે ખાઈ પુરી કરવાનું કામ આપણે બધા ભેગા થઈને કર્યું છે.
- યુવાનોનું કામ હોય છે કે સમાજ માટે લડી લેવું, મરી લેવું, અને સમાજના અગ્રણીઓનું કામ છે કે તે મુદ્દા પર સલાહ સુચન આપવું.
- આજે 19 દિવસથી આપણે આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યોછાવર થઈ ગયા હતા, જેમાં ઘણા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણા લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી છે.
- પહેલા ભગતસિંહ બનવા નિકળ્યા તો દેશદ્રોહી થઈ ગયા, ગાંધીજી બનીને નીકળ્યા તો નજરકેદ થઈ ગયા
- અમારી લડાઈ આલિશાન મકાન અને બંગલામાં રહેતા લોકો માટે નથી.
- અમારી લડાઈ તો 5 વીઘામાં મહેનત કરતા સુરત, બાપુનગર, રાજકોટ કે અમદાવાદમાં 10 કે 15 હજાર રૂપિયા મહેનત કરતા મજૂરી કરતા જેના દીકરાને સારા માર્કસ હોવા છતાંય એડમિશન નથી મળતું, એવા લોકો જેમની પાસે 750 રૂ છે. દેશી ખાતર દેવા માટે તે લોકોને 1450 થઈ ગયા આ લોકો માટે અમારી આ લડાઈ છે…
- સમાજના વડીલો પાસે અમે ક્યારેય એવી આશાઓ નથી રાખી કે અમારા માટે તમે આ કરો. અમે એવી આશાઓ રાખી છે કે આ તમારાથી થઈ શકે છે એમ છે અને આ કામ કરવાનો પ્રયાસ આપ કરો.
- અમે એવું ક્યારેય નથી કહેતા કે સમાજના વડીલો અમારા વિરોધી છે. સમાજના વડીલોએ અમને સંસ્કાર આપ્યા છે. સમાજના મોભીઓએ અમને માન-સન્માન આપ્યું છે. અમને લોકોને અમારું સ્ટેટસ આપ્યું છે. પણ એનો મતલબ એવો નથી કે માન અને સન્માનથી જિંદગી જીવી શકાય.
- અધિકાર વગર આ દુનિયામાં જીવવું મુશ્કેલ છે. તમે બોલશો તો તમે દેશદ્રોહી છો. નહીં બોલો તે કહેશે કે આ મુંગો છે. મને એવું લાગે છે મુંગા કરતાં દેશદ્રોહી બનવું સારું છે.
નરેશ પટેલે હાર્દિકના પારણાં કરાવી કહ્યું હતું કે,
- આજે હાર્દિકના આમરણાંત ઉપવાસનો 19મો દિવસ છે.
- વહેલી સવારે રાજકોટમાં હાર્દિકના પારણાં કરવાના સમાચાર મળતાં જ મને ખૂબ આનંદ થયો છે.
- હાર્દિક હશે તો બધું થશે
- આજે અમે છીએ કાલે અમે નહીં હોય
- આવનારા સમયમાં સંગઠન અને જવાબદારી તમારી ખભે આવવાની છે
- તૈયાર રહેજો આજની પરિસ્થિતિ કંઈ પણ હોય આવનારી પરિસ્થિતિનો સામનો મોટો પાયે તમારે કરવાનો રહેશે
સીકે પટેલે વોર્નિગ આપી કે, સમજીને ચાલજો, તમારી વચ્ચે આવીને કોઈ ભાગ ન પડાવી જાય, ખોટા માર્ગે ન દોરી જાય, સંગઠિત રહેજો અને સાથે રહેજો.
હાર્દિકે પાટીદાર સમાજ માટે ખૂબ જ મહેનત કરી છે અને તેની આ મહેનત નિષ્ફળ નહીં જાય તેવી હું મા ખોડલથી પ્રાર્થના કરું છું