ઉપવાસનો ચોથો દિવસઃ NCP ના નેતા પ્રફુલ પટેલે કરી મુલાકાત

સોમવારે હાર્દિકના ઉપવાસ મામલે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, તેમજ આ અંગે માનવાધિકાર પંચને પણ રજુઆત કરી હતી.

હાર્દિક પટેલના ઉપવાસનો આજે ચોથો દિવસ છે. ચોથા દિવસે એનસીપીના નેતા પ્રફુલ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી, અને હાર્દિક પટેલને તેમનું તેમજ તેની પાર્ટીનું સમર્થન જાહેર કર્યું હતું.

હાર્દિકની તબિયત સામાન્ય, લિક્વિડ લેવાની સલાહ

ચોથા દિવસે સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર ડો. પી.કે.સોલંકી દ્વારા હાર્દિક પટેલનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિકના તમામ રિપોર્ટ નોર્મલ હોવાનું માલુમ પડ્યું છે. ડોક્ટરે હાર્દિકને વધારે પ્રમાણમાં લિક્વિડ લેવાની
સલાહ આપી છે. આ ઉપરાંત હાર્દિકનું યુરિન સેમ્પલ લેવામાં આવ્યું છે.

સોમવારે હાર્દિકના ઉપવાસ મામલે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, તેમજ આ અંગે માનવાધિકાર પંચને પણ રજુઆત કરી હતી. બાદમાં ધારાસભ્યો હાર્દિક પટેલને પણ મળ્યા હતા.

કોંગ્રેસના 28 ધારાસભ્યો હાર્દિકને મળ્યા

સોમવારે 28 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. હાર્દિકની મુલાકાત લેનાર ધારાસભ્યોમાં વિરજી ઠુંમર, લાખાભાઈ ભરવાડ, બ્રિજેશ મિરજા, લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, નૌશાદ સોલંકી, બાબુભાઈ વાજા, પુંજાભાઈ વંશ, આનંદ ચૌધરી, હર્ષદ રિબડિયા, જશપાલ પઢિયાર, ભીખુભાઈ જોશી, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ, મોહનસિંહ રાઠવા, અમરીશ ડેર, અક્ષય પટેલ, પી.ડી. વસાવા, ચિરાગ કથીરિયા, મુકેશ પટેલ, ઈન્દ્રજિતસિંહ, મનહર પટેલ, હિમાંશુ પટેલ, જયરાજસિંહ પરમાર, અતુલ પટેલ, નરેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.

ઘર બહાર પોલીસ જમાવડા અંગે હાર્દિક પટેલે કરેલું ટ્વિટ

માનવ અધિકાર પંચને લખ્યો પત્ર

હાર્દિકે પોતાના આંદોલનને રોકવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે માનવ અધિકાર પંચને પત્ર પણ લખ્યો છે. જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે, તેને હેરાન કરવા માટે સરકાર દ્વારા ખોટા કેસ કરવામાં આવ્યા છે, અને તેની સ્વતંત્રતા જોખમાય તેવા પ્રયાસો પણ કરાયા છે. હાર્દિકે એવો પણ દાવો કર્યો છે કે, તેના સમર્થકોને ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા જિલ્લામાં નજરકેદમાં રાખવામાં આવ્યા છે.

કપાસમાં ઇયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે: હાર્દિક

ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે “અસંખ્ય પોલીસ મારા નિવાસસ્થાનની બહાર છે. મારું ઘર જેલથી કમ નથી. અલગ અલગ વિસ્તારોમાં લોકોની ધરપકડ કરાઇ છે. ધારાસભ્યોને પણ ડ્રાઇવર સાથે આવવા નથી. લોકોને રોકવા ભાજપ સરકારે અનેક પ્રયત્નો કર્યા છે. રાખડી બાંધવા માટે પણ બહેનોને આવવા દીધી નથી. પોલીસે નક્કી કર્યું છે કે, હાર્દિકના ઘરે કોઇને જવા દેવાના નથી. કોઇના કહેવાથી આંદોલન અટકતું નથી.”

હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, “યુવાનો સંતાઇને આવે છે. કપાસમાં ઇયળ, મગફળીમાં મુંડા અને ગાંધીનગરમાં ગુંડા આવી ગયા છે. અમારી લડાઇ સત્યના માર્ગે છે. અલ્પેશ કથીરિયાની બહેન તેને રાખડી બાંધવા જતી હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને રોકી હતી. કોઇ સમાજ આપનો વિરોધ નથી કરતા. મારા ઘરની બહાર જે પોલીસ લગાડી છે તે ગુજરાતમાં લગાડે તો ક્યાંય દારુનું એક ટીપું ન મળે. ગામડે ગામડે પોતપોતાની રીતે ઉપવાસ પર બેસો એવું હાર્દિકે આહવાન કર્યું હતું.” સાથે સાથે હાર્દિકે ભાજપના લોકોને પણ જોડાવવા માટે અપીલ કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top