ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેથળા ગામે પાસના હાર્દિક પટેલે ખેડૂતોની મુલાકાત લીધી હતી તેમજ સભા સંબોધી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમિત શાહઆવશે અને નીતિન પટેલને મંત્રીપદમાંથી કાઢી મુકશે. હું દાવા સાથે કહું છું કે, નીતિન પટેલને અમારી સાથે ઊભા રહેવું પડશે નહીંતર ભાજપ તેમને હેરાન કરી નાંખશે.
હાર્દિક પટેલે સભામાં જણાવ્યું હતું કે, અમુક લોકો કહે છે કે ભાજપ બહુ સારી, એ લોકો એકવાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મેથળા ગામ ખાતે આવવું જોઇએ. આજે આ ગામ ખાતે ખેડૂતોની હિંમતને દાદ આપવા અને સરકારની નીતિઓ વિરુદ્ધમાં વિશાળ સભા યોજવામાં આવી.
દરિયાનું ખારું પાણી ખેતીયુક્ત પાણીમાં જતું રોકવા માટે ખેડૂતોએ બંધારો બાંધવા માટે સરકારને સાલ 1985થી વિનંતી કરી છે, સાલ 1985માં 10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા પરંતુ બંધારો આટલા રૂપિયામાં તૈયાર થાય એમ નથી.
ખેડૂતોની વારંવાર વિનંતી છતાં સરકારે કોઇ ધ્યાન આપ્યું નહીં અને જાતે ખેડૂતોએ પોતાની મહેનત અને રૂપિયાથી જાતે આ બંધારો બાંધ્યો. આજે ખેડૂત ખુશ છે પરંતુ સરકારની જવાબદારી હોવા છતાંય સરકાર ખેડૂતનું નથી વિચારતી એ વાતને લઈને ખેડૂત ખુબ દુઃખી અને ચિંતામાં છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના હિત માટે કંઈ પણ કરી શકે એમ નથી.