અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. બે દિવસના જળત્યાગ બાદ હાર્દિકે ગઈકાલે એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. હાર્દિકનાં હેલ્થ બુલેટિનમાં તેની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું આવ્યું છે. તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. ઈલેક્ટ્રોલાઈટ ઈમબેલેન્સ જોવા મળે છે.
બે દિવસના જળત્યાગ બાદ 1 સપ્ટેમ્બરે એસ.પી. સ્વામીએ હાર્દિકને જળગ્રહણ કરાવ્યું
આજે સવારે હાર્દિકે 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ સુધી જળ ત્યાગ કર્યા બાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. સ્વામીએ તેને આગ્રહ કરીને પાણી પીવડાવ્યું હતું. જો કે હાર્દિકે પાણી ભલે પીધું પણ તે અન્ન લેશે નહીં અને ઉપવાસ ચાલુ રાખશે. 31મી ઓગસ્ટે સાંજે એસ.પી. સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકીને પાણી પીવાની સલાહ આપી હતી.
જો કે આમ છતાં હાર્દિક ટસનો મસ થયો નહોતો. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી કે કોઈ અણસાર પણ ન હોવાથી આ લડત લંબાઈ શકે છે. જેના કારણે પાસના કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા જો લડત ચાલુ રાખવી હોય તો પાણી પીને ઉપવાસ કરવા ભારે દબાણ કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલને મળીને શું કહ્યું લાલજી પટેલે?
લાલજી પટેલ હાર્દિક પટેલની મુલાકાત બાદ લાલજી પટેલે જણાવ્યું હતું કે, ઉપવાસ આંદોલન મજબૂત કરવા SPG, PAAS અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. હાર્દિકની તબિયત લથડતા આજે રાહ જોયા વગર મળવા પહોંચ્યો હતો. મારી કાર રોકી હાર્દિક પાસે જતા અટકાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. હું હાર્દિક ને કહી ચુક્યો છું કે એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે, સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જરૂરી છે.
પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને ઉપવાસ સમેટવા વિનંતી કરી
હાર્દિક પટેલના ઉપવાસના છેક આઠમા દિવસે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ હાર્દિકની ઉપવાસી છાવણી જઈ મુલાકાત કરી હતી. આ પહેલા પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. 1 સપ્ટેમ્બરે સવારે જ હાર્દિક પટેલે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતાં ટૂંક સમયમાં હાર્દિકના આમરણાંત ઉપવાસનું સમાધાન થઈ શકે છે તેવા સંકેતો આવ્યા હતા. મોડી સાંજે ખોડલધામના ટ્રસ્ટીઓ પણ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા.
યુએનના માનવ અધિકાર પંચમાં ધારાસભ્ય કિરીટ પટેલે રજૂઆત કરી
આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા યુએનના માનવ અધિકારમાં રજૂઆત કરવામાં આવી છે. સરકાર હાર્દિકના ઉપવાસ આંદોલનને લઈને દુર્લક્ષ સેવી રહી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
હાર્દિકના ઘરે 24 કલાક એમ્બ્યુલન્સ રાખવા પોલીસે લખ્યો પત્ર
આ દરમિયાન હાર્દિકની તબિયત વધુ ખરાબ થઇ રહી હોવાના અણસાર શરૂ થતા પોલીસ અને ગુજરાત સરકાર ઉંઘતી ના ઝડપાઇ જાય એટલે પાસના અગ્રણી નિખિલ સવાણીને લેખિતમાં સોલા પોલીસની હદમાં ઉપવાસ સ્થળ આવતું હોવાથી ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું છે કે, હાર્દિકની તબિયતને ધ્યાનમાં રાખીને એક એમ્બ્યુલન્સ તેના નિવાસ સ્થાને 24 કલાક તૈનાત રખાશે. જેથી હાર્દિકને તકલીફ વધે તો એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર માટે લઇ જઇ શકાય.
પોલીસના પત્ર બાદ પણ ન આવી એમ્બ્યુલન્સ
જો કે સોલા પોલીસના આ પત્ર પછી પણ એમ્બ્યુલન્સ નિવાસ સ્થાને આવી નહીં હોવાનું પાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો હાર્દિકની તબિયતની ચિંતા હોય તો નિવાસ સ્થાને જ એમ્બ્યુલન્સ રાખવા પણ માગણી કરાઇ છે.