AhmedabadGujaratNewsPolitics

કોંગ્રેસના 28 ધારાસભ્યો અને પ્રવક્તાઓ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસી છાવણી પહોંચ્યા

અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિક પટેલના ઉપવાસ મામલે આજે કોંગ્રેસના 20 ધારાસભ્યોએ રાજ્યપાલ અને માનવ અધિકાર પંચ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કોંગ્રેસના આ 20 ધારાસભ્યો હાર્દિકને ઉપવાસ સ્થળે મળશે અને રાજ્યપાલ તથા માનવ અધિકાર પંચ સમક્ષ કરેલી રજૂઆત અંગે ચર્ચા કરશે.

તાકાત હોય તો માત્ર 24 કલાક મારા ઘરેથી પોલીસ હટાવી દોઃ હાર્દિક

હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી લાઈવ કરતા જણાવ્યું હતું કે, સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર 24 કલાક પોલીસ હટાવી દો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે.

બીજેપીના નેતાઓને આવવા આહવાન

હાર્દિકે બીજેપી પર દમન કરવાનો આરોપ મુકતા આગળ કહ્યું કે, બીજેપી પાસે કોઈ અપેક્ષા હોય શકે નહીં, સરકાર પાસે અપેક્ષા હોય શકે. જો અહીં લગાવેલી પોલીસ ગુજરાતમાં લગાવવામાં આવે તો એક ટીપું પણ દારુ આવી શકે નહીં. હું બીજેપીના નેતાઓને પણ આવવા માટે આહવાન કરું છુ, કે તેઓ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે. અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે. જે સરકાર સ્વીકારી લે. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.

ઉપવાસ સ્થળે કોંગી નેતાઓને એન્ટ્રી પાટીદારોને NO ENTRY

આ આંદોલનમાં પાટીદારો કરતા પણ કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોનું વધુ સમર્થન મળી રહ્યું હોય તેમ લાગે છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હાર્દિકને મળવા માટે આવી રહેલા પાટીદારોને અટકાવવામાં આવે છે. જ્યારે કોંગી નેતાઓ શશિકાંત પટેલ, બદરુદ્દીન શેખ સહિતના આગેવાનોને બેરોકટોક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને હાર્દિકને મળવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

પોલીસ સરકારની ચાપલુસી બંધ કરેઃ રીબડીયા

હાર્દિકના સમર્થનમાં ઉતરેલા લોકોમાં મોટા ભાગના પાટીદારો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. તેમજ તેને મળવા માટે પણ કોંગી સમર્થકો આવી રહ્યા છે. આ યાદીમાં આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. રીબડીયાએ હાર્દિકને મળીને સમર્થન આપતા જણાવ્યું કે, પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકવામાં આવી રહ્યા છે.

પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે, આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે.

ઉપવાસના સ્થળે કોંગી ધારાસભ્યોનો જમાવડો

આજે રીબડિયા સિવાય લલિત વસોયા, બાબુ વાજા, ભીખાભાઇ જોશી, લલિત કગથરા, નૌશાદસોલંકી, કિરીટ પટેલ, વલ્લભ ધારવીયા અને મહેશ પટેલ સહિત 9 કોંગી ધારાસભ્યો ઉપવાસ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

LJDના નેતાએ કર્યું હાર્દિકના આંદોલનનું સમર્થન

આજે એલ.જે.ડી.(લોક તાંત્રિક જનતા દળ)ના મુંબઈના ધારાસભ્ય કપિલ પાટીલ હાર્દિકને મળવા પહોંચ્યા. હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, આજે હું ગુજરાતના યુવા નેતા હાર્દીક પટેલને સમર્થન આપવા શરદ યાદવનો સંદેશ લઇને આવ્યો. બે માગણી સાથે હાર્દીક પટેલે ગાંધીજીના માર્ગે ઉપવાસ કર્યા છે, ત્યારે મારો સવાલ એ છે કે આ સરકારને ગાંધીજી અને તેના માર્ગથી પણ નફરત છે. ઉપવાસ પર બેઠેલા હાર્દિકને મળવા પણ દેવાતા નથી.ઉપવાસ પર બેઠેલા વ્યક્તિને ન મળવા દેવાની સ્થિતિ પહેલી વાર જોવા મળી રહી છે. જેમાં પોલીસનો વાંક નથી, પણ ગુજરાતમાં બેઠેલી કઠપૂતળી સરકારનો દોષ છે અને કઠપૂતળી સરકાર હોવાથી તેમને મોદીનો ભય છે.

આજે માત્ર એક જ સવાલ છે કે પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે સરકાર કેમ કોઇ નિર્ણય લેતી નથી. સરકાર હાર્દિકને ન મળવા દઇ એવું માનતી હોય કે આ વાત બહાર નહી ફેલાઈ તો તે તેમની ભૂલ છે. આ વાત સરકાર માટે બુમરેંગ સાબિત થશે અને સરકારે તેની કિંમત ચૂકવવી પડશે.

બીજેપી અનામત વિરોધી પાર્ટીઃ શરદ યાદવ

શરદ યાદવે કહ્યું છે કે હાર્દિક નવયુવાન છે અને ઉપવાસ ખૂબ મોટું હથિયાર છે. જેનો ઉપયોગ સરકાર સામે થઇ રહ્યો છે, જેમાં કોઇ સંવેદના નથી. આ સરકાર સામેના ઉપવાસથી શરદ યાદવ ચિંતિત છે અને તેમાં કોઇ રસ્તે નીકળતો હોય તો કાઢવો જોઈએ. હાર્દિકને સમર્થન આપી સાથે લડવાનું આશ્વાસન આપ્યું છે. બીજેપીનુ અનામત મુદ્દે દરેક રાજ્ય માંઅલગ અલગ વલણ છે. બીજેપીનો છુપો એજન્ડા છે તે અનામત વિરોધી છે. ભારતીય જનતા પાર્ટી સમૃદ્ધ લોકોની પાર્ટી છે પછાત વર્ગોની ચિંતા નથી. ભાજપા જાતિ વાદી પાર્ટી છે .આજે તેમની પાસે સત્તા છે ત્યારે પાર્ટી પોતાનો એજન્ડા સ્પષ્ટ કરે.

ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિકનું સ્વાસ્થ્ય

ત્રીજા દિવસે સોલા સિવિલની તબીબ ટીમે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જેમાં તેનુ બ્લડ પ્રેશર અને સુગર નોર્મલ આવ્યા છે, જ્યારે હાર્દિકની શ્વાસની સ્થિતિ પણ નોર્મલ છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિકની દર 8 અથવા 12 કલાકે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડૉક્ટરે તેને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. તેમજ હાર્દિકના ઉપવાસને લઇને કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલને મળશે અને રજૂઆત કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker