હાર્દિકનો સરકારને પડકાર, તાકાત હોય તો માત્ર 24 કલાક મારા ઘરેથી પોલીસ હટાવી દો

અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી લાઈવ કરતા જણાવ્યું હતું કે, સરકારમાં તાકાત હોય તો મારા ઘર પાસેથી માત્ર 24 કલાક પોલીસ હટાવી દો, તો વૃક્ષોની ડાળીએ ડાળીએ માણસો જોવા મળશે. આ લડાઈ ન્યાય સુધી નહીં પહોંચે ત્યાં સુધી લડવાની છે.

બીજેપીના નેતાઓને આવવા આહવાન

હાર્દિકે બીજેપી પર દમન કરવાનો આરોપ મુકતા આગળ કહ્યું કે, બીજેપી પાસે કોઈ અપેક્ષા હોય શકે નહીં, સરકાર પાસે અપેક્ષા હોય શકે. જો અહીં લગાવેલી પોલીસ ગુજરાતમાં લગાવવામાં આવે તો એક ટીપું પણ દારુ આવી શકે નહીં. હું બીજેપીના નેતાઓને પણ આવવા માટે આહવાન કરું છુ, કે તેઓ પણ આ આંદોલનમાં જોડાઈ શકે છે. અમારી માંગણી ખેડૂતોના દેવા માફી અને પાટીદારોને અનામતની છે. જે સરકાર સ્વીકારી લે. મારા આમરણાંત ઉપવાસને અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા નિર્દોષ લોકોને રોકવામાં આવે છે અને પરેશાન કરવામાં આવે છે. બહારગામથી ઉપવાસ સ્થળે આવી રહેલા પાટીદારો આગેવાનોને પણ અટકાવવામાં આવી રહ્યા છે.

ઉપવાસ સ્થળે કોંગી નેતાઓને એન્ટ્રી પાટીદારોને NO ENTRY

આ આંદોલનમાં પાટીદારો કરતા પણ કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોનું વધુ સમર્થન મળી રહ્યું હોય તેમ લાગે છે. તેમાં પણ આશ્ચર્યની વાત તો એ છે કે, હાર્દિકને મળવા માટે આવી રહેલા પાટીદારોને અટકાવવામાં આવે છે. જ્યારે કોંગી નેતાઓ શશિકાંત પટેલ, બદરુદ્દીન શેખ સહિતના આગેવાનોને બેરોકટોક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જ્યારે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને હાર્દિકને મળવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

પોલીસ સરકારની ચાપલુસી બંધ કરેઃ રીબડીયા

હાર્દિકના સમર્થનમાં ઉતરેલા લોકોમાં મોટા ભાગના પાટીદારો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. તેમજ તેને મળવા માટે પણ કોંગી સમર્થકો આવી રહ્યા છે. આ યાદીમાં આજે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી. રીબડીયાએ હાર્દિકને મળીને સમર્થન આપતા જણાવ્યું કે, પોલીસ દ્વારા સમર્થકોને અંદર આવતા રોકવામાં આવી રહ્યા છે,

પોલીસ સરકારની ચાપલુસી બંધ કરે, આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે

ઉપવાસના ત્રીજા દિવસે હાર્દિકનું સ્વાસ્થ્ય

ત્રીજા દિવસે સોલા સિવિલની તબીબ ટીમે હાર્દિકના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જેમાં તેનુ બ્લડ પ્રેશર અને સુગર નોર્મલ આવ્યા છે, જ્યારે હાર્દિકની શ્વાસની સ્થિતિ પણ નોર્મલ છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિકની દર 8 અથવા 12 કલાકે મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ડૉક્ટરે તેને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. તેમજ હાર્દિકના ઉપવાસને લઇને કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યપાલને મળશે અને રજૂઆત કરશે.

દેશભરમાંથી રાજકીય સમર્થન

હાર્દિકના આ ઉપવાસને રાજ્યના રાજકીય નેતાઓ પણ સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ હાર્દિકને ધીમે ધીમે રાષ્ટ્રીય કક્ષાના બિન ભાજપ રાજકીય નેતાઓનું પણ સમર્થન મળી રહ્યું છે.
આજે બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ પણ હાર્દિક પટેલની મુલાકાત લે એવી સંભાવના છે.

રવિવારે રક્ષાબંધનના દિવસે પણ હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ ગ્રીનવુડ લેક રિસોર્ટ અને એસ.પી. રિંગ રોડના પટ્ટા પર બેરિકેડ્સ રાખવામાં આવ્યા. સાથે જ રિસોર્ટ નજીક બનાવાયેલા પોલીસ બૂથ પર પોલીસ આવતા-જતા લોકોના આઈડી કાર્ડ પણ તપાસ્યા. પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીની માગ સાથે હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકને ગુજરાત બહારના રાજકારણીઓનો પણ સપોર્ટ મળી રહ્યો છે. તૃણમુલ કૉંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા ભારત ભૂષણ માંડલે હાર્દિકની મુલાકાત લીધી.

દિનેશ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી હાર્દિકને રાખડી બાંધી. આ પ્રકારે ‘દીદી’એ પોતાના ‘નાના ભાઈ’ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. RJDના ભારત ભૂષણ માંડલે જણાવ્યું કે, “અમારા પક્ષના તેજસ્વી યાદવ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાર્દિકના સમર્થમાં અમદાવાદની મુલાકાત લઈ શકે છે. આ અંગે તેઓ જલ્દી જ નિર્ણય કરશે.”

દિવસ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલના ડૉ. પ્રદીપ પટેલના વડપણવાળી એક ટીમે હાર્દિકની મેડિકલ તપાસ કરી. ડૉ. પટેલે હાર્દિકને પ્રવાહી લેવાની સલાહ આપી છે. હાર્દિકના 30 સમર્થકો વિવિધ રૂટ પર થઈને ઉપવાસ સ્થળ સુધી વિરોધમાં તેનો સાથ આપવા પહોંચ્યા. રક્ષાબંધનના દિવસે સવારે હાર્દિકની બહેન મોનિકા પટેલે હાર્દિકને રાખડી બાંધી હતી.

મોનિકાએ કહ્યું કે, “લગ્ન બાદ આ મારી પહેલી રક્ષાબંધન છે. મને ગર્વ છે કે મારો ભાઈ પાટીદાર સમાજ અને ખેડૂતોના હિત માટે લડી રહ્યો છે. પરંતુ હાર્દિક અને તેના સમર્થકોની આસપાસ પોલીસનો ચુસ્ત જાપ્તો જોઈને ચિંતા થાય છે.”

અમદાવાદ, આણંદ અને નડિયાદ જિલ્લા ઘણી યુવતીઓ અને મહિલાઓ હાર્દિકને રાખડી બાંધવા આવી, જેમને SP રિંગ રોડ પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. કિંજલ પટેલ અને ડિઝાઈન સ્ટુડંટ ધ્વનિ પટેલ જેવી કેટલીક છોકરી એ મહિલાઓ પૈકીની હતી જે ઉપવાસ સ્થળ સુધી રાખડી બાંધવા માટે પહોંચી શકી. જો કે તેમને પોતાના વાહન SP રિંગ રોડ પર મૂકી 2.5 કિલોમીટર ચાલીને જવાનું પોલીસે કહ્યું હતું.

તૃણમુલ કૉંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, “સરકારને હચમચાવી નાખનાર આ યુવાન સાથે અમે ખડકની જેમ ઊભા છીએ. પોલીસે મને જણાવ્યું કે કલમ 144 લાગુ કરવામાં આવી છે. એટલે તેમણે થોડા વખત માટે મને અંદર જવા ન દીધો. સરકાર હાર્દિકના આ આંદોલનને દબાવવાના તમામ પ્રયાસો કરી રહી છે.” હાર્દિકની મુલાકાતે બાદમાં કૉંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલ અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા આવ્યા હતા.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here