પાટણ: વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદારો ફરી એકવાર મેદાનમાં આવી ગયા છે. આમરણાંત ઉપવાસી હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારો દ્વારા આજે રવિવારે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રાનું આયોજન કરાયું છે. પદયાત્રામાં કોંગ્રેસના 10 ધારાસભ્યો અને પાટણ સહિત ઉત્તર ગુજરાતના 12 હજારથી વધુ પાટીદારો જોડાવાનો દાવો પાસ સમિતિએ કર્યો છે.
આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક
આ પદયાત્રામાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પણ હાજરી આપવાના હોઇ આઇબી સહિત પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું છે અને યાત્રા દરમિયાન 250થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પદયાત્રા દરમિયાન કોઇ સૂત્રોચ્ચાર નહીં કરવાની સૂચના પાટીદાર આગેવાનો સાથેની બેઠકમાં પોલીસે આપી હતી.
બપોરે 12-30 વાગે બાલિસણા ગામે ભોજન વિરામ
સવારે 8 વાગે પાટણના મોતીશા દરવાજા સ્થિત ખોડિયાર માતાજીના મંદિરે મા ઉમા ખોડલની મહાઆરતી બાદ શાંતિદૂત સફેદ કબૂતર ઉડાડી પદયાત્રાનો આરંભ થયો હતો. યાત્રા સાંજે 5-30 વાગે ઊંઝા પહોંચશે. જ્યાં મા ઉમા ખોડલના ચરણોમાં પદયાત્રીઓ વતી હૂંડી મૂકવામાં આવશે. બપોરે 12-30 વાગે બાલિસણા ગામે ભોજન વિરામ લેશે. રસ્તામાં વિવિધ સમાજો દ્વારા સ્વાગત કરાશે.
પાટીદારોને જોડવા ગામેગામ બેઠકો કરાઈ
યાત્રાને લઇ મોટી સંખ્યામાં પાટીદાર યુવકો મુંડન કરાવવાના હોઇ રાજકીય માહોલ ગરમાયો છે. યાત્રામાં જય સરદાર જય પાટીદાર અને જય જવાન જય કિસાનના નારા ગૂંજી ઉઠ્યા હતા. રૂટમાં આવતા વીરપુરુષોના સ્ટેચ્યૂને પુષ્પાંજલીનું આયોજન કરાયું છે.
સૌથી મોટી પદયાત્રા પાટણથી નીકળે તે પ્રકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કરાયેલા આયોજનને સફળ બનાવવા પાટીદારો મોટી સંખ્યામાં જોડાય તે માટે ગામેગામ બેઠકો કરાઇ હતી. મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠાના 3000 પાટીદારો યાત્રામાં જોડાશે તેમ પાસ કન્વીનર હાર્દિક પટેલે (અડિયા) જણાવ્યું હતું.
સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર નહીં કરવા પોલીસની સૂચના
પદયાત્રાને લઇ એ ડિવિઝન પોલીસ મથકમાં પાસના કાર્યકરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પદયાત્રા દરમિયાન કોઇના વિરોધી સૂત્રોચાર ન કરવા પોલીસે સૂચના આપી હતી. બેઠકમાં ડીવાયએસપી જે.ટી.સોનારા સહિત પોલીસ અધિકારીઓ તેમજ પાસના હાર્દિક પટેલ, વી.કે. પટેલ, ભરત પટેલ, હિરેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપીએ સૂત્રોચ્ચાર અંગે કોઇ સૂચના નહીં આપ્યાનુંજણાવ્યું હતું.
યાત્રામાં 250થી વધુનો પોલીસ બંદોબસ્ત
યાત્રા દરમિયાન 2 ડીવાયએસપી, 6 પીઆઇ, 19 પીએસઆઇ, 150 પોલીસ, 20 બોર્ડર વિંગના જવાનો અને 104 હોમગાર્ડ જવાનો તૈનાત કરાયા છે. યાત્રા દરમિયાન પાટણ જનતા હોસ્પિટલની 10 તબીબો સાથે એમ્બ્યુલન્સ સાથે રહેશે. 100 સ્વયંસેવકો વ્યવસ્થા જાળવશે.
13 શરતોને આધિન યાત્રા-લાઉડ સ્પીકરની મંજૂરી અપાઇ
ધાર્મિક હેતુસર યોજાયેલી સદભાવના પદયાત્રાને પાટણ મામલતદાર દ્વારા મંજૂરી અપાઇ છે. જેમાં હાલમાં અમલી જાહેરનામાના અમલ, ટ્રાફિકને અડચણ નહીં બનવા, કોમી લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર નહીં કરવા સહિતની 13 શરતોને આધિન પદયાત્રા સંઘ અને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી અપાઇ છે
વાંચો આ પણ, ઉપવાસ અંગે લલિત વસોયાનું મોટું નિવેદન, ‘હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજ’
યાત્રામાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પણ જોડાયા છે. કિરીટ પટેલ, લલિત વસોયા, ચંદનજી ઠાકોર, આશા પટેલ સહિતના ધારાસભ્યોએ યાત્રામાં હાજર રહ્યા છે. યાત્રા દરમિયાન તમામ લોકો હાર્દિક પારણા કરી લે તેવી માગણી કરી રહ્યા છે. યાત્રામાં જોડાયેલા લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું છે કે તેઓ હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણયથી વ્યક્તિગત રીતે નારાજ છે.
વિનાસ કાળે વિપરિત બુદ્ધિઃ વસોયા
આ યાત્રામાં હાજર રહેલા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ પાસના પૂર્વ કન્વીનર લલિત વસોયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, “હાર્દિકના ઉપવાસથી હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હાર્દિકે બને એટલે ઝડપથી પારણાં કરી લેવા જોઈએ.”
યાત્રા અંગે વસોયાએ જણાવ્યું કે, “પાટણથી નીકળેલી યાત્રામાં 10 હજારથી વધારે લોકો જોડોયા છે. યાત્રા ઉંઝા પહોંચશે ત્યાં સુધીમાં 25 હજારથી વધારે લોકો જોડાશે. સરકારને એક સંદેશ આપવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે. હજુ પણ સમય છે, સરકાર હાર્દિક સાથે વાતચીત કં મંત્રણા કરે. આ સરકાર વિનાસ તરફ આગળ વધી રહી છે. આમ પણ વિનાસ કાળે વિપરિત બુદ્ધિ હોય છે.”
હું વ્યક્તિગત રીતે હાર્દિકથી નારાજઃ લલિત વસોયા
હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય અંગે વસોયાએ જણાવ્યું કે, “હું સ્પષ્ટ કહું છું કે અમે હાર્દિકના નિર્ણયથી નારાજ છીએ. નફ્ફટ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય. હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હું જ નહીં સમાજના તમામ લોકો માને છે કે હાર્દિક જીવશે તો લડશે, લડશે તો જીતશે. હાર્દિકના જીવન લોકોને જરૂર છે. હું ખુલ્લેઆમ કહું છું કે હાર્દિક પારણા કરી લે, અમે તારાથી નારાજ છીએ.”
આ સાચી સદભાવના યાત્રાઃ કિરીટ પટેલ
આ પ્રસંગે હાજર રહેલા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, “આ સાચી સદભાવના યાત્રા છે. મોદીએ જે સદભાવના ઉપવાસ કર્યા હતા તેમાં ભાડુઆતી માણસો લાવવામં આવતા હતા. અમારી યાત્રામાં સ્વયંભુ તમામ જ્ઞાતિના લોકો ઉમટી પડ્યા છે. સરકારે તેમની માનસિકતા બદલવાની જરૂર છે. જો સરકાર માનસે નહીં તો દરેક જિલ્લામાં આવી સદભાવના યાત્રા કાઢવામાં આવશે