તા 30 ડિસેમ્બરના રોજ બોટાદ ખાતે મળી રહેલી પાસની ચીંતન શીબીરમાં ફરી એક વખત આંદોલન શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ચીંતન શીબીરમાં પાસની નવી કોર ટીમ બનાવવાની સાથે ત્રણ અલગ અલગ પ્રકારના આંદોલનની રૂપરેખા ઘડી કાઢવામાં આવશે.
હાર્દિક પટેલે જણાવ્યુ હતું કે શહેરી, ગ્રામીણ અને પાટીદાર વિસ્તાર માટે ત્રણ અલગ આંદોલનની શરૂઆત કરવામાં આવશે, જો કે આંદોલન સમાજના તમામ વર્ગોને એક સાથે લઈ શરૂ કરવામાં આવશે, આંદોલનના ત્રણ પ્રકાર રાખવા પાછળનો હેતુ એવો છે કે દરેકની સમસ્યા અલગ અલગ છે. શહેરી વિસ્તારમાં બેરોજગારો માટે આંદોલન કરવામાં આવશે, જયારે ગ્રામીણ વિસ્તારમાં ખેડુતોના પ્રશ્નોને લઈ આંદોલન કરવામાં આવશે.
હાર્દિકે કહ્યુ હજી પાટીદાર અનામત અંગે કોઈ નિર્ણય થયો જ નથી, તેના કારણે અનામતની માગણી આજે પણ તેના સ્થાને છે. પાટીદાર બહુમત વિસ્તારમાં પાટીદાર અનામતનું આંદોલન શરૂ કરવામાં આવશે , આ ઉપરાંત ચીંતન શીબીરમાં નવી કોર કમિટી બનાવવાો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. હમણાં સુધી રાજય સરકાર સાથે ચર્ચા કરવા કોર કમિટીમા જુજ સભ્યો જ જતા હતા. પણ હવે નવી કોર કમિટી રાજય સરકાર સાથે સંવાદ કરવાનો વખત આવશે ત્યારે તમામ સભ્યો સરકાર સાથે વાત કરવા જશે. હાર્દિકે કહ્યુ કે આંદોલનની શરૂઆત લગભગ 10-11 જાન્યુઆરી થશે, અને આંદોલનની શરૂઆત મોરબી-ટંકારાથી કરવામાં આવશે.